________________
૨ ૨૫
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ માટે કૃતનાશ નામનો દોષ આવ્યો; તેથી આત્માએ અલ્પ સ્થિતિવાળું કર્મ (આયુષ્યકર્મ) બાંધ્યું નહોતું તે ભોગવ્યું, માટે અકૃતાગમ નામનો દોષ પ્રાપ્ત થયો.” આ પ્રશ્નનો ગુરુ જવાબ આપે છે કે “હે શિષ્ય! મોટી સ્થિતિવાળા કર્મનો કાંઈ ઉપક્રમે કરીને નાશ થતો નથી, પરંતુ અધ્યવસાય વિશેષથી તે કર્મ ઉતાવળે થોડી મુદતમાં ભોગવી લેવાય છે. અહીં યુક્તિથી એમ સમજવાનું છે કે સોપક્રમ આયુષ્યવાળા જીવ જેમ ઘણા કાળ સુધી ભોગવવા લાયક આયુષ્ય કર્મને એકઠું કરીને થોડા કાળમાં ભોગવી લે છે તેમ સર્વ કર્મોને ઉપક્રમ લાગે છે; કેમકે પ્રાયઃ સારાં માઠાં અનિકાચિત એવાં સર્વ કર્મોની શુભાશુભ પરિણામાદિના વશથી અપવર્તન થાય છે, તથા નિકાચિત કર્મોની પણ તીવ્ર તપ વડે સ્કુરાયમાન તથા શુભ પરિણામના વશથી અપવર્તન થાય છે. તે વિષે પૂજયપાદ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે કહ્યું છે કે :
सव्वपगइणमेवं, परिणामवसादुवक्कमो होज्जा।
पायमनिकाइयाणं, तवसाओ निकाइयाणं पि ॥१॥ ભાવાર્થ:- “પ્રાયે કરીને અનિકાચિત એવો સર્વ કર્મપ્રકૃતિનો એ જ પ્રમાણે પરિણામના વશથી ઉપક્રમ થાય છે અને નિકાચિત પ્રકૃતિનો પણ ઉગ્ર તપથી ઉપક્રમ થાય છે.”
જેમ ઘણા કાળ સુધી ચાલે તેટલું ઘણું ધાન્ય પણ કોઈ માણસ ભસ્મક વાતના વ્યાધિથી થોડા કાળમાં જ ખાઈ જાય છે, એટલે તે ધાન્યની વર્તમાન સ્થિતિનો નાશ થઈ ગયો એમ ધારવું નહીં; પરંતુ વ્યાધિના બળથી ઘણું ધાન્ય થોડા કાળમાં ખવાઈ ગયું; તેવી જ રીતે લાંબી મુદત સુધી ભોગવવા લાયક કર્મ થોડી મુદતમાં ભોગવી લીધું તેમ જાણવું; અથવા જેમ આમ્રફળ વગેરેને ખાડામાં નાખી ઉપર ઘાસ વગેરે ઢાંકી રાખીએ તો તે ફલ થોડી મુદતમાં પાકી જાય છે, તેવી રીતે તેવાં અનિકાચિત કર્મ પણ થોડી મુદતમાં ભોગવાઈ જાય છે.”
વળી શિષ્ય પ્રશ્ન કરે છે કે “અપવર્તન કરવાથી થોડા કાળમાં અથવા અપવર્તના ન કરે તો જેટલી સ્થિતિવાળું હોય તેટલા ચિરકાળે પણ જે કર્મ બાંધ્યું હોય તે સર્વ જો આપના કહેવા પ્રમાણે અવશ્ય ભોગવવું જ પડતું હોય તો પ્રસન્નચંદ્ર વગેરેએ સાતમી નરકને યોગ્ય કર્મ બાંધ્યું હતું. તેને તેવા પ્રકારના દુઃખવિપાકનો ભોગ તો સાંભળવામાં આવતો નથી. તે તો શુભભાવથી થોડા કાળમાં જ કેવળજ્ઞાન પામ્યા છે, તો “સર્વ કર્મ વેદવું જ પડે છે' એમ જે આપે કહ્યું તે વ્યર્થ થશે.”
આ પ્રશ્નનું ગુરુમહારાજ સમાધાન આપે છે કે “જે કર્મ બાંધેલું છે તે કર્મપ્રદેશથી તો સર્વ જીવો અવશ્ય ભોગવે છે જ, પણ રસના અનુભાવથી તો કોઈક કર્મ ભોગવાય છે અને કોઈક કર્મ નથી ભોગવાતું. તેનું કારણ એ છે કે શુભ પરિણામના વશથી તે કર્મના રસની અપવર્તના (ક્ષય) થાય છે, તેથી પ્રસન્નચંદ્રાદિકે સાતમી નરક યોગ્ય કર્મોના પ્રદેશો નીરસ (રસ વિનાના) ભોગવ્યા છે, પણ વિપાક ઉદયથી ભોગવ્યા નથી.”