________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૨૨૩ આ દષ્ટાંત સ્ત્રીને આશ્રીને કહ્યું. હવે પુરુષને આશ્રીને બીજું દષ્ટાંત આ પ્રમાણે છે – “કોઈ વણિકને રૂપવતી યુવાન પત્નિ હતી. તે બન્નેને પરસ્પર ગાઢ સ્નેહ હતો. એકદા વ્યાપારને માટે પરદેશ જવાની ઈચ્છાથી તેણે સ્ત્રીની રજા માગી. તે સાંભળીને જ તે સ્ત્રી મૂછ પામી. તેને શીત ઉપચાર વડે સજ્જ કરી, ત્યારે તેણે પતિને કહ્યું કે “જો તમારે અવશ્ય પરદેશ જવું જ હોય તો તમારી એક પ્રતિમા કરીને મને આપો, જેથી તેને આધારે હું દિવસો નિર્ગમન કરું.” તે સાંભળીને તે શ્રેષ્ઠિ પોતાની મૂર્તિ કરીને પ્રિયાને આપી દેશાંતર ગયો. તે સ્ત્રી તે પ્રતિમાનું નિરંતર દેવથી પણ અધિક આરાધના કરવા લાગી. એકદા તે ગામમાં ચોતરફ અગ્નિનો ઉપદ્રવ થયો, તે વખતે તે સ્ત્રી પોતાના પતિની પ્રતિમા હાથમાં રાખીને સ્થિર બેસી રહી. પોતાનું શરીર બળીને ભસ્મ થઈ ગયું, તો પણ તેણે હાથમાંથી પ્રતિમા મૂકી નહીં. કેટલાક દિવસો પછી તે વણિક પરદેશથી ઘેર આવ્યો, તે વખતે પોતાની પ્રિયાને જોઈ નહીં, એટલે તેણે તેની સખીને પૂછ્યું કે –
'नवसतशसिसमवदनि, हरहाराहारवाहनानयणि ।
जलसुतरिपुगतिगमणि, सा सुंदरि कत्थ हे सयणि ॥१॥
હે સખી ! સોળ કળાયુક્ત ચંદ્રના જેવા મુખવાળી, મૃગ સરખાં નેત્રવાળી અને હંસ જેવી ગતિવાળી મારી મનોહર પ્રિયા ક્યાં છે?” સખીએ જવાબ આપ્યો કે “હે સખીના નાથ ! સાંભળો, આ નગરમાં ચોતરફથી અગ્નિ લાગ્યો હતો, તે વખતે ભયને લીધે તમારી મૂર્તિને ઝાલીને તે બેસી રહી હતી, તેમાં તેનું શરીર બળીને ભસ્મ થઈ ગયું, એટલે તેના પ્રાણ છુટ્યા; પણ તમારી મૂર્તિને વળગેલા તેના પાણિ એટલે હાથ છુટ્યા નહીં.” આ પ્રમાણે સખીની વાણી સાંભળતાં જ તે વણિકના પ્રાણ ચાલ્યા ગયા.
અહીં કોઈને શંકા થાય કે રાગ અને સ્નેહમાં શો તફાવત છે? તો તેનો જવાબ એ છે કે રૂપાદિક જોવાથી જે પ્રીતિ ઉત્પન્ન થાય તે રાગ અને સામાન્ય રીતે સ્ત્રી પુત્રાદિક ઉપર જે પ્રીતિ થાય તે સ્નેહ કહેવાય છે. આ પ્રમાણે ત્રણ પ્રકારના અધ્યવસાયથી આયુષ્યનો ક્ષય થાય છે (૧). બીજું નિમિત્તથી એટલે દંડ, શસ્ત્ર, રજુ, અગ્નિ, જળમાં પતન, મૂત્રપૂરીષનો રોધ અને વિષનું ભક્ષણ વગેરે કારણોથી પણ આયુષ્યનો ક્ષય થાય છે. (૨). આહારથી એટલે ઘણું ખાવાથી, થોડું ખાવાથી અથવા બિલકુલ આહાર નહિ મળવાથી આયુષ્યનો ક્ષય થાય છે. સંપ્રતિરાજાના પૂર્વભવનો જીવ દ્રમક કે જે સાધુ થયો હતો તે દીક્ષાને જ દિવસે અતિ આહારથી મૃત્યુ પામ્યો હતો (૩). વેદનાથી એટલે શૂળ વગેરેથી તથા નેત્રાદિકના વ્યાધિથી આયુષ્યનો ક્ષય થાય છે (૪). પરાઘાતથી એટલે ભીંત ભેખડ વગેરે પડવાથી અથવા વીજળી વગેરેના પડવાથી આયુષ્યનો ક્ષય થાય છે (૫). સ્પર્શથી એટલે ત્વક વિષાદિના ૧. નવ ને સાત સોળ કળાયુક્ત ચંદ્ર. હર એટલે શિવ, તેનો હાર સર્પ, તેનો આહાર પવન. તેનું વાહન હરણ અને જળ એટલે સમુદ્ર તેના પુત્ર મોતી, તેના શત્રુ-તેનો આહાર કરનાર હંસ. આ પ્રમાણે અર્થ સમજવો.