________________
૨ ૨ ૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ થવાથી પ્રપા (પાણીના પરબ)ને સ્થાને ગયો. ત્યાં પાણી પાનારી સ્ત્રીએ જળ લાવીને તેને પાયું. પછી મુસાફર પેલી સ્ત્રીએ ના કહ્યા છતાં પણ ત્યાંથી ચાલતો થયો, તે સ્ત્રી તેની સામું જ જોઈ રહી અને જ્યારે તે મુસાફર અદશ્ય થયો, ત્યારે તે સ્ત્રી તેની ઉપરના ઉત્કટ રાગના અધ્યવસાયથી તરત જ મૃત્યુ પામી.
ભયના અધ્યવસાયથી કૃષ્ણ વાસુદેવને જોઈને સોમિલ બ્રાહ્મણ હૃદયસ્ફોટ થવા વડે મરી ગયો; તેમજ મૃગાવતીનો સ્વામી શતાનિકરાજા ચંડપ્રદ્યોતરાજાને સૈન્ય સહિત આવતો સાંભળીને તેના ભયથી મરણ પામ્યો.
સ્નેહના અધ્યવસાયથી મરણ પામેલાનું દૃષ્ટાંત એ છે કે “તુરંગપુરમાં નરવર નામે રાજા હતો. તેને ભાનુ નામે મંત્રી હતો. તે મંત્રીને સરસ્વતી નામની પત્ની હતી. તે દંપતીને પરસ્પર અત્યંત સ્નેહ હતો, તે વાત રાજાના સાંભળવામાં આવવાથી તેની પરીક્ષા કરવાનો રાજાને વિચાર થયો. એકદા રાજા મંત્રી સહિત મૃગયા રમવા માટે વનમાં ગયો, ત્યાં કોઈ પ્રાણીનું રુધિર મંત્રીના વસ્ત્ર તથા અશ્વ પર લગાડીને રાજાએ તે અશ્વ ગામમાં તેને ઘેર મોકલી દીધો.
પોતાના પ્રિય સ્વામી વિના તેના વસ્ત્ર તથા અશ્વને રુધિરવાળા જોઈને “હાય ! હાય ! મૃગયા રમવા ગયેલા મારા પતિને કોઈ હિંસાદિકે મારી નાંખ્યા.” એમ ધારીને સરસ્વતી જાણે વજથી હણાયેલી હોય તેમ ભૂમિ પર પડીને મરણ પામી. તે વાત જાણીને રાજાને અત્યંત ખેદ થયો. પછી તે ભાનુમંત્રી પ્રિયા વિયોગના દુઃખથી યોગી થઈને ગંગા કિનારે ગયો, તે સરસ્વતી મૃત્યુ પામીને ગંગા નદીને કિનારે આવેલ મહારથપુરના રાજાની પુત્રી થઈ. ભાનુ મંત્રી બાર વર્ષ વ્યતીત થયા પછી ભિક્ષાને માટે અટન કરતો તે રાજમંદિરે ગયો. તે કન્યા તેને જોઈને ભિક્ષા લઈ તેને આપવા આવી પણ તે મંત્રીના દર્શનથી જાણે ચિત્રમાં આલેખાયેલી હોય તેમ તે કન્યા સ્તબ્ધ થઈ. તેના હાથમાં રહેલું અન્ન કાગડા લઈ ગયા, પણ તે યોગીને આપી શકી નહીં. યોગી તો કાંઈક જોઈ વિચારીને અન્યત્ર ચાલ્યો ગયો. પછી તે કન્યાએ પોતાની બે સખીઓ સાથે સંકેત કર્યો કે “આ ભવમાં તો એ યોગી જ મારા પતિ છે, બીજા કોઈને હું ઈચ્છતી નથી.” તે વૃત્તાંત રાજાના જાણવામાં આવવાથી તેણે સર્વ યોગીઓને એકઠા કર્યા. તેમાંથી તે કન્યાએ તે મંત્રી યોગીને ઓળખી કાઢ્યો. પછી તે કન્યાને જાતિસ્મરણ થવાથી તેણે પોતાના પૂર્વભવની વાત કહી બતાવી. તે સાંભળીને રાજાના કહેવાથી યોગીએ તે કન્યાનો સ્વીકાર કર્યો, તે વખતે અવસરને જાણનાર પંડિતો બોલ્યા કે -
भानुश्च मंत्री दयिता सरस्वती, मृत्युं गता सा नृपकैतवेन । गंगागतस्तां पुनरेव लेभे, जीवन्नरो भद्रशतानि पश्यति ॥१॥
ભાવાર્થ :- “ભાનમંત્રીને સરસ્વતી નામે સ્ત્રી હતી. તે રાજાના કપટથી મૃત્યુ પામી હતી. તે સ્ત્રીને ગંગાકિનારે ગયેલો મંત્રી ફરીથી પણ પામ્યો. માટે જીવતો માણસ સેંકડો કલ્યાણો જુએ છે.”