________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫
૨૧૭ બોલવું પણ બંધ કર્યું, તેથી તે સ્ત્રીએ “આ રોહકનું કામ છે” એમ જાણીને પુત્રને કહ્યું કે “હે પુત્ર! આ તેં શું કર્યું કે જેથી તારા પિતા એકદમ મારાથી પરાશમુખ થયા? હે પુત્ર ! મારો અપરાધ ક્ષમા કર.” રોહક બોલ્યો કે “ત્યારે ઠીક છે, હવે તું ખેદ કરીશ નહીં. હું પાછું ઠેકાણે લાવીશ.” પછી તે સ્ત્રી રોહકની મરજી બરાબર સાચવવા લાગી. પછી એક દિવસ રાત્રે તેના પિતા ચાંદનીમાં બેઠા હતા, તે વખતે તેની શંકા દૂર કરવા માટે રોહકે બાળચેષ્ટાથી પોતાના શરીરની છાયાને આંગળીવતી બતાવીને પિતાને કહ્યું કે “હે પિતા ! આ કોઈ માણસ જાય છે, જુઓ !” તે સાંભળીને ભરતે હાથમાં ખગ લઈને પૂછ્યું કે “અરે ક્યાં જાય છે? બતાવ.” ત્યારે રોહકે આંગળી વડે પોતાની છાયા બતાવીને કહ્યું કે “આ રહ્યો, મેં તેને રોકી રાખ્યો છે.” તે જોઈને ભરતે વિચાર્યું કે “ખરેખર, પહેલા પણ આવો જ માણસ દીઠો હશે, તેથી મેં મારી સુશીલ પ્રિયા પર શંકા કરી તે ઠીક કર્યું
નહીં.”
એમ નિશ્ચય કરીને તે પાછો પોતાની સ્ત્રી પર પ્રેમી થયો. પણ રોકે વિચાર્યું કે “મેં મારી અપરમાનું અપ્રિય કર્યું છે, તેથી કોઈ વખત તે મને વિષ વગેરેથી મારી નાંખશે. માટે તેનાથી ચેતતા રહેવું.” એમ વિચારીને તે હંમેશા પોતાના પિતાની સાથે જ જમવા લાગ્યો.
એકદા રોહક તેના પિતાની સાથે અવંતીનગરીએ ગયો, તે નગરીની શોભા જોઈને તે વિસ્મય પામ્યો. પછી પિતાની સાથે ઘેર જવા તે નગરી બહાર નીકળ્યો. બહાર આવતાં કાંઈ ચીજ ભૂલી જવાથી રોહકને ત્યાં ક્ષિપ્રાનદીને કાંઠે મૂકીને ભારત પાછો નગરીમાં ગયો. રોહકે નદીની વાલુકામાં બેઠા બેઠા કિલ્લા સહિત આખી અવન્તીનગરી આલેખી. તેવામાં અશ્વ ઉપર ચઢીને તે જ નગરીનો રાજા ત્યાં આવ્યો. તે રોહકે ચિત્રેલી નગરીની વચ્ચે થઈને ચાલવા લાગ્યો. એટલે રોહકે તેને કહ્યું કે “હે રાજપુત્ર! આ માર્ગે ન ચાલો.” રાજાએ તેનું કારણ પૂછ્યું. ત્યારે તે બોલ્યો કે “અરે ! આ રાજદરબારને તમે જોતા નથી?” રાજાએ નીચે ઉતરીને આખી નગરી યથાર્થ ચિત્રલી જોઈને પૂછ્યું કે “રે બાળક! પહેલા તે આ નગરી જોઈ હતી, કે આજે જ પ્રથમ જોઈ?” તે બોલ્યો કે “ના, મેં કોઈ વખત જોઈ નથી, માત્ર આજે જ નટગામથી અહીં આવ્યો છું.” તે સાંભળીને રાજાએ આશ્ચર્ય પામીને વિચાર્યું કે “અહો આ બાળકની બુદ્ધિ કેવી તીવ્ર છે?” પછી રાજાએ તેનું નામ પૂછ્યું ત્યારે તે બોલ્યો કે “મારું નામ રોહક છે.” તેવામાં રોહકનો પિતા ગામમાંથી આવ્યો, એટલે તેની સાથે રોહક પોતાને ગામ ગયો.
અહીં રાજાએ વિચાર્યું કે “મારે ચારસો ને નવાણું મંત્રીઓ છે; પરંતુ તે સર્વની બુદ્ધિ એક જ મંત્રીમાં હોય એવો એક મંત્રી જોઈએ, જેથી રાજ્યનું તેજ વૃદ્ધિ પામે.” એમ વિચારીને રોહકની પરીક્ષા કરવા માટે રાજાએ નટગામના મુખ્ય માણસોને ઉદ્દેશીને હુકમ કર્યો કે “તમારા ગામની બહાર એક મોટી શિલા છે, તે શિલાને ઉપાડ્યા વિના જ રાજાને બેસવા યોગ્ય એક મંડપ કરી તેનું ઢાંકણ તે શિલાનું કરો.” આ પ્રમાણે રાજાની આજ્ઞા સાંભળીને સર્વ લોકો અનેક પ્રકારની ચિંતા કરવા લાગ્યા. વિચાર કરતાં મધ્યાહ્ન સમય થયો; તેવામાં રોહકે આવીને તેના પિતાને કહ્યું