________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
પછી ચાણાક્ય મંત્રીએ સર્વ સ્વસ્થ થયા ત્યારે તેમની પાસેથી યોગ્યતા પ્રમાણે થોડું થોડું ધન લીધું. ત્યાર પછી ફરીથી લોકોનું ધન લેવા માટે તેણે દિવ્ય પાસા બનાવ્યા. પછી સોનામોહરોનો થાળ ભરીને ચૌટામાં લઈ જઈ માણસો પ્રત્યે બોલ્યો કે “જે માણસ મને દ્યૂતમાં જીતે તેને આ સર્વ મહોરો આપી દઉં અને જો હું જીતું તો માત્ર એક જ સોનામહોર લઉં.' તે સાંભળીને લોભને આધીન થયેલા લોકો તેની સાથે રમવા લાગ્યા, પરંતુ ઘૃતક્રીડામાં હોંશિયાર એવો કોઈ પણ માણસ તે મંત્રીને જીતી શક્યો નહીં. સંપત્તિના પાશરૂપ અને પોતાની ઈચ્છાનુસાર પડનારા પાસાના પ્રભાવથી લોકોને જીતીને ચાણાક્ય મંત્રીએ ચંદ્રગુપ્તનો ભંડાર સુવર્ણથી ભરી દીધો.
૨૧૬
‘કદાચ દિવ્ય પ્રભાવ વગેરે બળથી કોઈ માણસ આ ચાણાક્ય જેવા મંત્રીને પણ જીતી શકે, પરંતુ જે માણસ પ્રમાદથી મનુષ્યજન્મને હારી જાય તે ફરીથી મનુષ્યભવને પામી શકતો નથી.’
૩૪૧
ઔત્પાતિકી બુદ્ધિ
औत्पत्तिक्यादिबुद्धिज्ञो, रोहको जनतासु यत् । महामान्योऽभूत्तथा धार्यो, धर्मवद्भिर्गुणोत्तरः ॥१॥ •
-
ભાવાર્થ :- ઔત્પાતિકી વગેરે બુદ્ધિનો જાણનાર રોહક જેમ લોકોમાં અતિ માન્ય થયો તેમ ધર્મી માણસોએ તે શ્રેષ્ઠ ગુણને ધારણ કરવો.’
રોહકની કથા
અવન્તીનગરીની પાસે નટ નામના ગામમાં ભરત નામે એક નટ રહેતો હતો, તેની પહેલી સ્ત્રી મરણ પામી હતી, પણ તે સ્રીથી ઉત્પન્ન થયેલો ઔત્પાતિકી બુદ્ધિવાળો રોહક નામે એક પુત્ર હતો. ભરત બીજી સ્ત્રી સાથે પરણ્યો હતો. તે સ્રી રોહકને ખાવા પીવાનું બરાબર આપતી નહીં. તેથી એક વખત રોકે તેને કહ્યું કે “હે મા ! તું મને સારી રીતે રાખતી નથી, તેનું ફળ હું તને બતાવીશ.” ત્યારે તે બોલી કે “હે શોક્યના પુત્ર ! તું મને શું કરવાનો હતો ?” તે બોલ્યો કે “હું એવું કરીશ કે જેથી તું મારા પગમાં પડીશ.” આમ કહ્યા છતાં પણ તે રોહકને ગણકારતી નહીં.
એક દિવસ રાત્રે રોહકે એકદમ ઉઠીને તેના પિતાને કહ્યું કે “રે રે પિતા ! આ કોઈ પુરુષ આપણા ઘરમાંથી નીકળીને નાસી જાય છે, જુઓ !” તે સાંભળીને ભરતે શંકા લાવીને વિચાર્યું કે “જરૂર મારી સ્રી કુલટા છે.” એમ વહેમ લાવીને તે તેના પર પ્રીતિરહિત થયો. તેની સાથે