________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૨૧૩ તેથી ચાણક્ય ચંદ્રગુપ્તને પાસેના સરોવરમાં સંતાડીને પોતે ધોબીનું કામ કરવા લાગ્યો. તેવામાં તે ઘોડેસ્વાર પાસે આવીને તેને પૂછ્યું કે - “ચંદ્રગુપ્ત અહીંથી જતો હતો, તેને તેં જોયો છે?” તે બોલ્યો કે “તે આ સરોવરમાં પેઠો છે.” તે સાંભળીને તે સ્વાર માત્ર લંગોટી મારીને તે સરોવરના જળમાં પેઠો એટલે ચાણક્ય તેનું જ ખગ લઈને તેનું માથું છેદી નાખ્યું. પછી તેના ઘોડા ઉપર ચંદ્રગુપ્તને બેસાડીને ચાણાક્ય આગળ ચાલ્યો, ચાલતાં-ચાલતાં તેણે ચંદ્રગુપ્તને પૂછ્યું કે “હે વત્સ! જયારે મેં તે ઘોડેસ્વારને સરોવરમાં મોકલ્યો ત્યારે તે શું ધાર્યું?” તે બોલ્યો કે, “જે ઉત્તમ પુરુષો કરે છે તે ઉત્તમ જ હોય છે, એમ મેં ધાર્યું હતું.” આ પ્રમાણેના તેના વિનયવાળા વાક્યથી ચાણક્ય ઘણો ખુશી થયો. થોડે દૂર જતાં ચંદ્રગુપ્તને ક્ષધિત જાણીને ચાણાક્ય ભોજનને માટે જતા માર્ગમાં કોઈ બ્રાહ્મણને તરતનો જ કરંબો ખાઈને આવતો જોઈ તેનું પેટ ચીરી તેમાંથી તે ભોજન લઈ તે ચંદ્રગુપ્તને જમાડ્યો. ચંદ્રગુપ્ત ભૂખ્યો હોવાથી ભોજનના રસનો વિપર્યય જાણી શક્યો નહીં.
પછી તે મૌર્યવંશી ચંદ્રગુપ્તની સાથે સંધ્યાસમયે એક ગામમાં આવ્યો. ત્યાં ભિક્ષાને માટે ભમતાં તે એક દરિદ્રીને ઘેર ગયો. તે વખતે એક ડોશીએ પોતાના બાળકને ઉની ઉની રાબ પીરસી હતી. તેમાંથી એક વધારે ભૂખ્યા બાળકે વચમાં હાથ નાંખ્યો. તેની આંગળીઓ દાઝી એટલે તે રોવા લાગ્યો. તેને પેલી ડોશીએ કહ્યું કે - અરે મૂઢ! તું પણ ચાણક્યના જેવો જડ જણાય છે.” તે સાંભળીને ભિક્ષુરૂપ ચાણાક્ય ડોશીને પૂછ્યું કે “હે માતા ! તમે અહીં ચાણાક્યનું દષ્ટાંત કેમ આપ્યું?” ડોસી બોલી કે “જેમ ચાણાક્ય આજુબાજુનો દેશ સાધ્યા વિના પહેલા પાટલીપુત્રને જ સંધ્યું, તેથી તે મૂર્ખ નિંદાને પાત્ર થયો, તેમ આ બાળકે પણ પ્રથમ ધીમે ધીમે અડખે પડખેથી રાબ ચાટ્યા વિના વચમાં જ હાથ નાંખ્યો, તેથી તે ચાણક્યની ઉપમાને પામ્યો.” તે સાંભળીને ચાણક્ય ડોસીની શિક્ષા સત્ય માની.
પછી અનુક્રમે ચાણાક્ય પર્વત નામના એક રાજાની સાથે ગાઢ મિત્રાઈ બાંધી. એકદા તેણે પર્વત રાજાને કહ્યું કે “જો તમારી ઈચ્છા હોય તો નંદરાજાનું ઉમૂલન કરીને તેનું રાજ્ય આપણે વહેંચી લઈએ.” તે વાત કબૂલ કરીને પોતાના સૈન્ય સહિત પર્વતરાજા ચંદ્રગુપ્તને સાથે રાખીને નંદરાજાનો દેશ સાધવા લાગ્યો. છેવટે નંદની રાજધાની પાટલીપુત્રને ઘેરો ઘાલ્યો, પણ તે નગરી બળથી લઈ શકાય તેવું નથી, એમ ધારીને ભિક્ષુનો વેષ લઈ ચાણાક્ય તે પુરમાં પેઠો. ત્યાં વાસ્તુશાસ્ત્રને અનુસાર સર્વ મકાનો જોવા લાગ્યો. તેવામાં એક સ્થાને એક મહાપ્રતાપી સાત દેવીઓ-ઈન્દ્રની કુમારિકાઓની મૂર્તિઓ તેણે જોઈ. પછી તેમના પ્રભાવથી જ આ પુરનો ભંગ થતો નથી, એમ જાણીને તે દેવીઓને ઉખેડી નાંખવાનો ઉપાય વિચારવા લાગ્યો. તેવામાં પુરના રોધથી કાયર થયેલા પૌરજનોએ તે ભિક્ષુને પૂછ્યું કે “હે પૂજ્ય ! આ પુરનો રોલ ક્યારે મટશે?” ચાણાક્ય જવાબ આપ્યો કે “જ્યાં સુધી આ સાત દેવીઓની પ્રતિમાઓ અહીં પ્રતિષ્ઠિત છે, ત્યાં સુધી પુરનો રોધ શી રીતે મટે ?”
આ પ્રમાણેના તે ધૂર્તના કહેવાથી છેતરાયેલા લોકોએ તે દેવીઓને તેના સ્થાનથી તરત જ