________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ ગઈ ઉત્સર્પિણીમાં ક્ષિતિપ્રતિષ્ઠ નામના નગરને વિષે જબૂદાડિમ નામના રાજાની લક્ષ્મણા નામે યુવાન પુત્રી હતી, તે સ્વયંવર મંડપમાં એક યોગ્ય પતિને વરી. તેના પાણિગ્રહણ વખતે ચોરીમાં જ તેનો પતિ અકસ્માત મરણ પામ્યો, તેથી લક્ષ્મણા અતિ દુઃખથી વિલાપ કરવા લાગી. તેના પિતાએ તેને શિખામણ આપી કે “હે પુત્રી ! કર્મની વિચિત્ર ગતિ છે, માટે વિલાપ કરવાથી શું ફળ છે? તેથી તું જીવિત પર્યત શીલનું પાલન કર.” ઈત્યાદિ કહીને રાજાએ તેને શાંત કરી. એકદા શ્રી જિનેશ્વર તે રાજાના ઉદ્યાનમાં સમવસર્યા. ભગવાનની દેશનાથી બોધ પામીને રાજાએ પુત્રી સહિત દીક્ષા ગ્રહણ કરી, લક્ષ્મણા સાધ્વી પોતાના ગુરુણી (પ્રવર્તિની) પાસે રહીને સંયમ પાળવા લાગી.
એકદા ગુરુણીજી (મહત્તરા)ના કહેવાથી તે વસતિ શોધવા ગઈ. ત્યાં ચકલાના મિથુન ને ચુંબનાદિ પૂર્વક કામક્રીડા કરતું જોઈને તેણે વિચાર્યું કે “પતિથી વિયોગ પામેલી મને ધિક્કાર છે! અહો ! આ પક્ષીઓ પણ પ્રશંસા કરવા લાયક છે કે જેઓ સાથે રહીને નિરંતર ક્રિીડા કરે છે. અહો ! શ્રી જિનેશ્વરોએ આનો સર્વથા નિષેધ કેમ કર્યો હશે? જરૂર શ્રી જિનેન્દ્રો અવેદી હોવાથી વેદોદયના વિપાકથી અજાણ્યા હોવા જોઈએ.”
આવા વિચારથી તેણે જિનેશ્વરમાં અજ્ઞાનદોષ પ્રકટ કર્યો અને દાંપત્યસુખની પ્રશંસા કરી. પછી તરત જ પોતાનું સાધ્વીપણું યાદ આવવાથી તે પોતાને નિંદવા લાગી કે “અરેરે ! મેં મારું વત ફોગટ ખંડિત કર્યું ! આ પાપનું પ્રાયશ્ચિત્ત ગુરુ પાસે જઈને લઉં.”
એમ નિર્ણય કરતાં વળી વિચાર આવ્યો કે “હું બાલ્યાવસ્થાથી જ શીલવતને પાળનારી રાજપુત્રી છે. તથા સર્વ લોકની સમક્ષ આ નિંદવા લાયક દુષ્કર્મનું શી રીતે પ્રાયશ્ચિત્ત લઈ શકે! તેમ કરવાથી તો મારી આજ સુધીની જે શીલ પ્રશંસા છે તે નષ્ટ થાય, માટે અન્યની સાક્ષીનું શું કામ છે? આત્માની સાક્ષીએ જે કરવું તે જ પ્રમાણ છે” ઈત્યાદિ વિચાર કરીને તે સાધ્વીએ ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લીધા સિવાય પોતાની મેળે જ પ્રાયશ્ચિત્ત તરીકે છ8, અટ્ટમ, દશમ, આયંબિલ, નીવિ વગેરે અનેક તપસ્યાઓ ચૌદ વર્ષ પર્યત કરી; સોળ વર્ષ સુધી માસક્ષપણ કર્યા અને વશ વર્ષ સુધી સતત આયંબિલ કર્યા. એકદા તેણે વિચાર્યું કે “મેં આટલી બધી તપસ્યા કરી, પણ તેનું સાક્ષાત્ ફળ તો મેં કાંઈ જોયું નહીં.”
ઈત્યાદિ આર્તધ્યાન કરતાં તે મૃત્યુ પામીને એક વેશ્યાને ઘેર અતિ રૂપવતી દાસી થઈ. તેનું રૂપ જોઈને સર્વ કામી પુરુષો તેને જ ઈચ્છવા લાગ્યા. પોતાની પુત્રીને જોયા છતાં પણ તેની કોઈ ઈચ્છા કરતું નથી, એમ જોઈને અક્કા રોષ પામીને વિચારવા લાગી કે “આ રૂપવતી દાસીના કાન, નાક અને હોઠ કાપી નાંખવા યોગ્ય છે.”