________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫
૧૧૩ તથા સ્ત્રીના સુરૂપ કુરૂપ અંગોપાંગ વગેરે જોવામાં જે ઉપયોગ કરાય તે અપ્રશસ્ત છે. નાસિકાનો અરિહંતની પૂજામાં ઉપયોગી પુષ્પો, કેસર, કપૂર, સુગંધી તેલ વગેરેની પરીક્ષામાં ગુરુ અને ગ્લાન મુનિ વગેરેને માટે પથ્ય કે ઔષધ આપવામાં તથા સાધુઓને અન્ન, જળ, ભક્ષ્ય, અભક્ષ્ય વગેરે જાણવામાં ઉપયોગ કરાય તે પ્રશસ્ત કહેવાય છે અને રાગદ્વેષ ઉત્પન્ન કરનારા સુગંધી તથા દુર્ગધી પદાર્થોમાં ઉપયોગ કરાય તો તે અપ્રશસ્ત છે.
જિહાઈન્દ્રિયનો સ્વાધ્યાય કરવામાં, દેવગુરુની સ્તુતિ કરવામાં અને પરને ઉપદેશ આપવામાં ગુરુ વગેરેની ભક્તિ કરવામાં અને મુનિઓને આહાર પાણી આપતાં તે વસ્તુની પરીક્ષા કરવામાં ઉપયોગ કરાય તે પ્રશસ્ત છે અને સ્ત્રી વગેરે ચાર પ્રકારની વિકથા કરવામાં, પાપશાસ્ત્રનો અભ્યાસ કરવામાં, પરને તાપ ઉપજાવવામાં અને રાગદ્વેષ ઉત્પન્ન કરનાર ઈષ્ટ અનિષ્ટ આહારાદિકમાં જે ઉપયોગ કરાય તે અપ્રશસ્ત છે. સ્પર્શ ઈન્દ્રિયનો જિનપ્રતિમાનું સ્નાનાદિક કરવામાં તથા ગુરુ અને ગ્લાન સાધુ વગેરેની વૈયાવચ્ચ કરવામાં જે ઉપયોગ કરાય તે પ્રશસ્ત છે અને સ્ત્રીને આલિંગન વગેરે કરવામાં જે ઉપયોગ કરાય તે અપ્રશસ્ત છે.
આ પ્રમાણે સર્વ વસ્તુઓમાં શુભ તથા અશુભ અધ્યવસાય અને ફલપ્રાપ્તિને અનુસાર પ્રશસ્ત તથા અપ્રશસ્ત ભાવ જાણવો. તેવી રીતે વિચારતા અહીં ચાર ભાંગા થાય છે, તે આ પ્રમાણે – કેટલાએક જીવોને શુભ અધ્યવસાયના કારણ (સાધકકારણ)ભૂત જિનબિંબાદિક પ્રશસ્ત વસ્તુ જોઈને કાલશૌકરિક વગેરેની જેમ અપ્રશસ્તબાધકભાવ ઉદય પામે છે. કેટલાક જીવોને શુભ અધ્યવસાયને સાધનાર સાધકકારણભૂત સમવસરણાદિક પ્રશસ્ત વસ્તુ જોઈને પંદરસો તાપસોની જેમ પ્રશસ્તસાધકભાવ ઉત્પન્ન થાય છે. કેટલાક જીવોને બાધકકારણભૂત અપ્રશસ્ત વસ્તુ જોઈને પણ આષાઢ નામના નર્તક ઋષિની જેમ પ્રશસ્ત એવો સાધકભાવ વૃદ્ધિ પામે છે અને કેટલાક જીવોને અપ્રશસ્ત બાધક વસ્તુ જોઈને સુભૂમચક્રી, બ્રહ્મદત્તચક્રી વગેરેની જેમ અપ્રશસ્તબાધકભાવ ઉત્પન્ન થાય છે.
આ પ્રમાણે શ્રી વિરપ્રભુના મુખથી ધર્મદેશના સાંભળીને જેણે શેરીમાં પડેલા ચીથરાની કંથા ઓઢેલી છે અને જેના હાથમાં મૃત્તિકાનું રામપાત્ર રહેલું છે એવો દરિદ્રી સુભદ્ર પ્રતિબોધ પામ્યો. તેથી તેણે તરત જ સર્વ મૂર્છાનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી. આકાશની પેઠે અસ્તુલિત વિહારવાળો થયો અને પ્રભુની કૃપાથી તે અગિયાર અંગના સૂત્રાર્થનો જ્ઞાતા થયો. એકદા પૌરલોકો તે મુનિની પૂર્વાવસ્થા સંભારીને હાંસી કરવા લાગ્યા કે, “અહો ! આ સુભદ્ર કેવી રાજ-સમૃદ્ધિ તજીને મુનિ થયો છે! હવે તો સારી રીતે આહારાદિક મળવાથી તે પૂર્વની અવસ્થા કરતાં વધારે સુખી થયો છે. પહેલાં તો આ રંક રંકપુરુષો વડે પણ નિંદ્ય (નિંદવા લાયક) હતો અને હવે તો ઈન્દ્રાદિક દેવોને પણ વંદ્ય (વંદન કરવા યોગ્ય) થયો છે. પહેલા તો તેને ઉચ્છિષ્ટ (એઠું) ભોજનની પ્રાપ્તિ પણ દુર્લભ હતી અને હવે તો યથેચ્છ ભોજન મળે છે. આના વૈરાગ્યનું વૃત્તાંત ને તેનું કારણ આપણે બરાબર સમજયા છીએ.”