________________
૧૬૩
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ તેનામાં કૈલાસ પર્વત કરતાં પણ અનંતગણું ધૈર્ય છે, કેમકે તેને ભિક્ષા મળતી નથી તો પણ તે ઉદ્વેગ પામતા નથી, તેમજ બીજાઓની નિંદા કરતા નથી, પરંતુ દીનતા ધારણ કર્યા વિના જ હમેશાં અલાભપરિષદને સહન કરે છે અને સર્વ પ્રકારે પરપુદ્ગલથી ઉત્પન્ન થયેલા તથા અનેક જીવની હિંસાદિ વડે નીપજેલા આહારના દોષોનું ચિંતન કરીને અનાહારીના ગુણોની પ્રશંસા કરતા સતા મોટી સકામ નિર્જરા કરે છે.”
આ પ્રમાણે શ્રી જિનેન્દ્રના મુખથી સાંભળીને સર્વ સાધુઓ આશ્ચર્ય પામી ઢંઢણમુનિની પ્રશંસા કરવા લાગ્યા. અનુક્રમે અલાભપરિષહ સહન કરતાં ઢંઢણઋષિને છ માસ વ્યતીત થયા. તે અવસરે પ્રભુને વાંદવા માટે આવેલા શ્રીકૃષ્ણ ધર્મદશના થઈ રહ્યા પછી પ્રભુને પૂછ્યું કે, “હે ભગવન્! અઢાર હજાર શીલાંગરૂપી રથમાં બેઠેલા આ અઢાર હજાર મુનિઓમાં વિશેષ દુષ્કર કાર્ય કરનાર કોણ છે?” ત્રિભુવનપતિએ કહ્યું કે, “હે કૃષ્ણ ! સર્વે સાધુઓ દુષ્કર ક્રિયા, ગુણરત્ન સંવત્સરાદિ તપ, જિનકલ્પની તુલના અને બાવીશ પરિષદોનું સહન કરવું ઈત્યાદિ અલના પામ્યા વિના કરે છે, તો પણ તે સર્વેમાં માયારૂપી પૃથ્વીને વિદારણ કરવામાં ખેડૂત સમાન તમારો પુત્ર ઢંઢણર્ષિ હાલમાં અતિ ઉત્કૃષ્ટ છે, તે અદીન મન વડે છ માસથી અલાભપરિષદને સહન કરે છે.” તે સાંભળીને શ્રીકૃષ્ણ વિચાર કર્યો કે “અહો ! મારા પુત્રનો જન્મ તથા જીવિતવ્યને ધન્ય છે કે જેની શુદ્ધ વૃત્તિની ત્રિકાળના સમસ્ત પદાર્થોને જાણનાર શ્રી તીર્થંકર પોતે બાર પર્ષદાની સમક્ષ પ્રશંસા કરે છે.” પછી શ્રીકૃષ્ણ ભગવાનને પૂછ્યું કે, “તે મહામુનિ અત્યારે ક્યાં છે તે કહો કે જેથી હું તેમને વંદન કરું.” તે સાંભળીને કરમાં રહેલા નિર્મળ જળની જેમ સર્વ વિશ્વને જોનારા પ્રભુએ કહ્યું કે, “હે મુકુંદ ! તે મુનિ અત્યારે ભિક્ષા માટે દ્વારિકાપુરીમાં ગયા છે. તે તમે પુરીમાં પ્રવેશ કરશો ત્યારે ભિક્ષા માટે અટન કરતા તેમને સામા મળશે.”
તે સાંભળીને જેણે અનેક પ્રાણીઓને સિદ્ધિની સન્મુખ કર્યા છે એવા કૃપાનિધિ શ્રીનેમિનાથસ્વામીને પ્રણામ કરીને શ્રીકૃષ્ણ પુરી તરફ ચાલ્યા. પુરમાં પેસતાં જ તેણે દૂરથી જેનું શરીર અતિ કૃશ થયેલું હતું, કક્ષ(કખ)માં જેણે ભિક્ષાનું પાત્ર રાખેલું હતું, તીર્થકરે પોતે જ પ્રશંસા કરેલી હોવાથી ત્રણ ભુવનમાં જે અદ્વિતીય સુપાત્ર હતા અને અનાદિકાળથી સંચિત કરેલા કર્મરૂપી દર્ભના મૂળને જેમણે દાતરડું મૂકી દીધું હતું, એવા તે મુનિને જોઈને વિચાર્યું કે “શું આ જ ઢંઢણર્ષિ હશે કે કોઈ બીજા સાધુ હશે? પણ શ્રી જિનેશ્વરે કહ્યું છે કે “પુરમાં પ્રવેશ કરતાં તે તમને સામા મળશે' માટે ખરેખર આ તે જ મુનિ છે. અહો ! પ્રથમ આનું સ્વરૂપ દેવકુમાર જેવું હતું. આજ કેવું નિસ્તેજ થયેલું છે?” એમ વિચારીને હર્ષથી શ્રીકૃષ્ણ હાથી પરથી ઉતરી ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પૃથ્વીતળ સુધી મસ્તક નમાવી વંદના કરીને હાથ જોડી નિરાબાધ વિહારાદિની પૃચ્છા કરી. પછી તેમની સ્તુતિ કરવા લાગ્યા કે “હે મુનિ ! આજનો દિવસ મારો સફળ થયો, અત્યારની ક્ષણ સુલક્ષણવાળી થયી અને ? અત્યારનો પ્રહર મને સુખદાયી થયો, કે જેમાં આપના વંદનનો ઉત્સવ મને પ્રાપ્ત થયો.”