________________
૨૦૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૩૩૯
શીલની દૃઢતા
સ્ત્રીની સાથે લાંબા વખતનો સહવાસ છતાં પણ ઉત્તમ પુરુષો પોતાની દૃઢતાને છોડતા નથી. કહ્યું છે કે -
दिनमेकमपि स्थातुं, कोऽलं स्त्रीसन्निधो तथा । चतुर्मासीं यथाऽतिष्ठत्, स्थूलभद्रोऽक्षतव्रतम् ॥१॥
ભાવાર્થ :- “જેવી રીતે સ્થૂલભદ્ર મુનિ વ્રતનો ભંગ કર્યા વિના ચારે માસ સુધી સ્ત્રી સમીપે રહ્યા, તેવી રીતે બીજો કયો પુરુષ એક દિવસ પણ રહેવાને સમર્થ છે ? કોઈ જ નથી.” સ્થૂલભદ્ર મુનિની કથા
એકદા વર્ષાઋતુ આવતાં શ્રી સંભૂતવિજયસૂરિને વંદના કરીને ત્રણ મુનિઓએ જુદા જુદા અભિગ્રહ લીધા. તેમાં પહેલા મુનિએ કહ્યું કે “હું ચાર માસ સુધી સિંહની ગુફાને મોઢે ઉપવાસ કરીને કાયોત્સર્ગે રહીશ.” બીજા મુનિએ કહ્યું કે “હું ચાર માસ સુધી દૃષ્ટિવિષ સર્પના બીલને મોઢે કાયોત્સર્ગ ધારણ કરીને ઉપોષિત રહીશ” અને ત્રીજાએ કહ્યું કે “હું ચાર માસ સુધી કૂવાના ભારવટ ઉપર કાયોત્સર્ગ કરીને ઉપોષિત રહીશ.” તે ત્રણે મુનિઓને યોગ્ય જાણીને ગુરુએ તેમને આજ્ઞા આપી. પછી સ્થૂલભદ્ર મુનિએ ઉઠીને ગુરુને વિજ્ઞપ્તિ કરી કે “હું ચાર માસ સુધી ઉગ્ર તપ કર્યા વિના ષડ્રેસવાળા ભોજનનો આહાર કરીને કોશા વેશ્યાના ઘરમાં રહીશ.” ગુરુએ ઉપયોગ દઈને તેને યોગ્ય ધારીને તેમ કરવાની આજ્ઞા આપી. પછી સર્વે મુનિઓ પોતે અંગીકાર કરેલા સ્થાને ગયા. તે વખતે સમતા ગુણવાળા અને ઉગ્ર તપને ધારણ કરનારા તે મુનિવરોને જોઈને તે સિંહ, સર્પ અને કૂવાનો રેંટ ફે૨વનાર એ ત્રણે શાંત થઈ ગયા.
સ્થૂલભદ્ર પણ કોશાને ઘેર ગયા. ત્યાં તેમને આવતા જોઈને કોશાએ વિચાર્યું કે “આ સ્થૂલભદ્ર ચારિત્રથી ઉદ્વેગ પામી વ્રતનો ભંગ કરીને આવ્યા જણાય છે, માટે હજુ સુધી મારું ભાગ્ય જાગતું છે.” એમ વિચારીને કોશા એકદમ ઉઠી. મુનિને મોતીથી વધાવી બે હાથ જોડી ઉભી રહીને બોલી કે “પૂજ્ય સ્વામી ! આપ ભલે પધાર્યા. આપના આગમનથી આજે અંતરાય ક્ષય થવાને લીધે મારું પુણ્ય પ્રગટ થયું છે. આજે મારા ઉપર ચિંતામણિ, કામધેનુ, કલ્પવૃક્ષ તથા કામદેવ વગેરે દેવતાઓ પ્રસન્ન થયા એમ હું માનું છું. હવે હે નાથ ! પ્રસન્ન થઈને મને જલદીથી આશા આપો. આ મારું ચિત્ત, વિત્ત, શરીર અને ઘર એ સર્વ આપનું જ છે, મારું યૌવન પ્રથમ આપે જ સફળ કર્યું છે. હમણાં હીમથી બળી ગયેલી કમલિનીની જેમ આપના વિરહથી દગ્ધ થયેલા આ મારા શરીરને નિરંતર આપના દર્શન તથા સ્પર્શ વડે આનંદિત કરો.”