________________
૨૦૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ છે?” તે જ પ્રમાણે બીજા બે સાધુઓ આવ્યા, ત્યારે તેમને તે જ રીતે ગુરુએ આવકાર આપ્યો. પછી સ્થૂલભદ્રને આવતા જોઇને ગુરુ ઊભા થઈને બોલ્યા કે “હે મહાત્મા ! હે દુષ્કર કાર્યના કરનાર ! તું ભલે આવ્યો.” તે સાંભળીને પેલા ત્રણે સાધુઓએ ઈર્ષાથી વિચાર્યું કે “આ સ્થૂલભદ્ર મંત્રીનો પુત્ર હોવાથી જ તેમને ગુરુ બહુમાનથી બોલાવે છે. ચિત્રશાળામાં રહેલા, ષટ્રસ ભોજનનો આહાર કરનારા અને સ્ત્રીઓના સંગમાં વસેલા આ સ્થૂલભદ્રને ગુરુએ અતિ દુષ્કર કાર્ય કરનાર કહ્યો, તો હવે અમે પણ આવતા ચાતુર્માસમાં તેવો જ અભિગ્રહ કરશું.” એમ વિચારીને મહા કષ્ટ આઠ માસ વ્યતીત કર્યા. પછી વર્ષાકાળ આવ્યો ત્યારે સિંહગુફાવાસી અભિમાની સાધુએ સૂરિને કહ્યું કે “આ ચાતુર્માસ હું સ્થૂલભદ્રની જેમ કોશાના ઘરમાં રહીશ.” ગુરુએ વિચાર્યું કે “જરૂર આ સાધુ સ્થૂલભદ્રની સ્પર્ધાથી આવો અભિગ્રહ કરે છે. પછી ગુરુએ ઉપયોગ આપીને તેને કહ્યું કે
હે વત્સ ! એ અભિગ્રહ તું ન લે, તે અભિગ્રહનું પાલન કરવામાં તો સ્થૂલભદ્ર એક જ સમર્થ છે, બીજો કોઈ સમર્થ નથી. કેમકે -
अपि स्वयंभूरमणस्तरीतुं शक्यते सुखम् ।।
अयं त्वभिग्रहो धर्तुं, दुष्करेभ्योऽपि दुष्करः ॥१॥ “કદાચ સ્વયંભૂરમણ સમુદ્ર પણ સુખેથી કરી શકાય, પણ આ અભિગ્રહ ધારણ કરવો તે તો દુષ્કરથી પણ દુષ્કર છે.”
આ પ્રમાણે ગુરુએ કહેલા વચનની અવગણના કરીને તે અભિમાની સાધુ કોશાને ઘેર ગયા. કોશાએ તેને જોઈને વિચાર્યું કે “જરૂર આ સાધુ મારા ધર્મગુરુની સ્પર્ધાથી જ અહીં આવ્યા જણાય છે.” એમ વિચારીને તેણે તે મુનિને વંદના કરી, મુનિએ ચાતુર્માસ રહેવા માટે ચિત્રશાળા માગી, તે તેણે આપી. પછી કામદેવને ઉદીપન કરનાર ષસ ભોજન કોશાએ મુનિને વહોરાવ્યું, મુનિએ તેનો આહાર કર્યો. પછી મધ્યાહ્ન સમયે પ્રથમની જ જેમ વસ્ત્રાભૂષણ પહેરીને કોશા મુનિની પરીક્ષા કરવા આવી. તેના હાવભાવ, કટાક્ષ તથા નૃત્યાદિક જોઈને મુનિ ક્ષણવારમાં જ ક્ષોભ પામ્યા. અગ્નિ પાસે રહેલ લાખ, ઘી અને મીણની જેમ તે મુનિએ કામાવેશને આધીન થઈને ભોગની યાચના કરી. ત્યારે કોશાએ તેને કહ્યું કે “હે સ્વામી! અમે વેશ્યાઓ ઈન્દ્રનો પણ દ્રવ્ય વિના સ્વીકાર કરતા નથી.” ત્યારે મુનિ બોલ્યા કે મને કામવરથી પીડા પામેલાને ભોગસુખ આપીને પ્રથમ શાંત કર. પછી દ્રવ્ય મેળવવાનું સ્થાન પણ તું બતાવીશ તો ત્યાં જઈને તે પણ હું તને મેળવી આપીશ !”
તે સાંભળીને તેને બોધ કરવા માટે કોશાએ તેને કહ્યું કે “નેપાલ દેશનો રાજા નવીન : સાધુને લક્ષ મૂલ્યવાળું રત્નકંબલ આપે છે, તે તમે મારે માટે લઈ આવો; પછી બીજી વાત કરો.” તે સાંભળીને અકાળે વર્ષાઋતુમાં જ મુનિ નેપાલ તરફ ચાલ્યા. ત્યાં જઈ ત્યાંના રાજા પાસેથી રત્નકંબલ મેળવીને કોશાનું ધ્યાન કરતા તે મુનિ તરત પાછા ફર્યા. માર્ગમાં ચોર લોકો રહેતા હતા.