________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૨૦૯
તેમને તેના પાળેલા પક્ષીએ કહ્યું કે “લક્ષ ધન આવે છે.” એમ વારંવાર તે પક્ષીએ કહ્યું. તેવામાં મુનિ પણ તે ચોરની નજીક આવ્યા; એટલે તેને પકડીને ચોર લોકોએ સર્વ જોયું, પણ કાંઈ દ્રવ્ય જોવામાં આવ્યું નહીં, તેથી મુનિને છોડી મૂક્યા. ફરીથી તે પક્ષીએ કહ્યું કે “લક્ષ દ્રવ્ય જાય છે.” તે સાંભળીને ફરીથી સાધુને પાછા બોલાવીને ચોરના રાજાએ કહ્યું કે “અમે તને અભય આપ્યું, પણ સત્ય બોલ, તારી પાસે શું છે ?” ત્યારે સાધુ બોલ્યા કે “હે ચોરો ! સત્ય વાત સાંભળો. આ વાંસની પોલી લાકડીમાં મેં વેશ્યાને આપવા માટે રત્નકંબલ રાખેલું છે.” તે સાંભળીને ચોરોએ તેને રજા આપી.
સાધુએ આવીને કોશાને તે રત્નકંબલ આપ્યું. તે લઈને કોશાએ પગ લૂછી તેને ઘરની ખાળના કાદવમાં નાખી દીધું. તે જોઈને સાધુએ ખેદયુક્ત થઈ કહ્યું કે “હે સુંદરી ! ઘણી મુશ્કેલીથી આણેલું આ મહામૂલ્યવાળું રત્નકંબલ તેં કાદવમાં કેમ નાખી દીધું ?” કોશાએ કહ્યું કે “હે મુનિ! જ્યારે તમે એમ જાણો છો, ત્યારે ગુણરત્નવાળા આ તમારા આત્માને તમે નરકરૂપી કાદવમાં કેમ નાંખો છો ? ત્રણ ભુવનમાં દુર્લભ એવા રત્નત્રયને નગરની ખાળ જેવા મારા અંગમાં કેમ ફોગટ નાંખી દો છો ? અને એકવાર વમન કરેલા સંસારના ભોગને ફરીને ખાવાની ઇચ્છા કેમ કરો છો?” ઈત્યાદિ કોશાના ઉપદેશવાળા વાક્યો સાંભળીને પ્રતિબોધ પામેલા મુનિએ વૈરાગ્યથી કોશાને કહ્યું કે “હે પાપ રહિત સુશીલા ! તેં સંસારસાગરમાં પડતાં મને બચાવ્યો. તેં બહુ સારું કર્યું. હવે હું અતિચારથી ઉત્પન્ન થયેલા દુષ્કર્મરૂપ મેલને ધોવાને માટે જ્ઞાનરૂપ જલથી ભરેલા ગુરુરૂપી દ્રહનો આશ્રય કરીશ.” કોશાએ પણ તેમને કહ્યું કે “તમારે વિષે મારું મિથ્યાદુષ્કૃત હો; કેમકે હું શીલવ્રતમાં સ્થિત હતી છતાં તમને મેં કામોત્પાદક ક્રિયા વડે ખેદ પમાડ્યો છે; પરંતુ તમને બોધ કરવા માટે જ મેં તમારી આશાતના કરી છે તે ક્ષમા કરજો અને હંમેશા ગુરુની આજ્ઞાને મસ્તક પર ચઢાવજો.” તે સાંભળીને ‘ઈચ્છામિ' એમ કહી સિંહગુફાવાસી મુનિ ગુરુ પાસે આવ્યા.
ગુરુ વગેરેને વંદના કરીને “હું મારા આત્માને નિંદું છું.” એમ કહી તે મુનિ બોલ્યા કે “સર્વ સાધુઓમાં એક સ્થૂલભદ્ર જ અતિ દુષ્કર કાર્યના કરનાર છે, એમ ગુરુએ જે કહ્યું હતું તે યોગ્ય છે. પુષ્પફળના રસને (સ્વાદને), મદ્યના રસને, માંસના રસને અને સ્રીવિલાસના રસને જાણીને જેઓ તેનાથી વિરક્ત થાય છે તે અતિ દુષ્કર કાર્યના કરનારા છે. તેને હું વંદના કરું છું. વળી સત્ત્વ વિનાનો હું ક્યાં અને ધીર બુદ્ધિવાળા સ્થૂલભદ્ર ક્યાં ? સરસવનો કણ ક્યાં અને હેમાદ્રિ પર્વત ક્યાં ? ખઘોત્ ક્યાં અને સૂર્ય ક્યાં ?” આ પ્રમાણે કહીને તે મુનિ આલોચના લઈ દુષ્કર
તપ કરવા લાગ્યા.
અહીં કોશા પોતાના સ્થૂલભદ્ર ગુરુની નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગી - सार्धद्वादशकोटीनां, स्वर्णे यो मामदाद् गृहे ।
स द्वादशव्रतान्येवं, साधुत्वेऽपि ददावो ॥१॥