________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫
૨૦૭ તે સાંભળીને સ્થૂલભદ્ર બોલ્યા કે “આ કામશાસ્ત્રને અનુસારે બનાવેલી તારી ચિત્રશાળા મને ચાર માસ સુધી રહેવા આપ.” તે સાંભળીને કોશાએ તરત જ ચિત્રશાળા સાફ કરીને રહેવા આપી. ત્યાં મુનિ સમાધિ ધારણ કરીને રહ્યા. કોશાએ આપેલો કામદેવને પ્રદીપ્ત કરનાર ષટ્રસયુક્ત આહાર કરીને પણ મુનિ સ્થિર મન રાખીને રહ્યા. કોશા વસ્ત્રાભૂષણ પહેરીને અનેક પ્રકારના હાવભાવ કરતી મુનિને ક્ષોભ પમાડવા તેમની પાસે આવી. તે વખતે મુનિએ કહ્યું કે “સાડા ત્રણ હાથ દૂર રહીને તારે નૃત્ય વગેરે જે કરવું હોય તે કરવું.” પછી તે કોશા સાડા ત્રણ હાથ દૂર રહીને કટાક્ષથી મુનિ સામું જોવા લાગી. લજ્જાનો ત્યાગ કરીને પૂર્વે કરેલી ક્રીડાનું સ્મરણ કરાવવા લાગી અને ગાત્રને વાળવાની ચતુરાઈથી ત્રિવળી વડે સુંદર એવો મધ્ય ભાગ દેખાડતી તથા વસ્ત્રની ગાંઠ બાંધવાના મિષથી ગંભીર નાભિરૂપી કૂપને પ્રગટ કરતી કોશા તેમની સમક્ષ વિશ્વને મોહ પમાડનારું નાટક કરવા લાગી; તો પણ સ્થૂલભદ્ર જરા પણ ક્ષોભ પામ્યા નહીં.
પછી તે કોશા પોતાની સખીઓને લઈને આવી. તેમાંથી એક નિપુણ સખી બોલી કે “હે પૂજય ! કઠિનતાનો ત્યાગ કરીને ઉત્તર આપો કેમકે મુનિઓનું મન હંમેશા કરુણાએ કરીને કોમળ હોય છે, ભાગ્યહીન પુરુષો જ પ્રાપ્ત થયેલા ભોગને ગુમાવે છે. માટે હે પાપરહિત મુનિ! આપના વિયોગથી કૃશ થયેલી અને આપને જ માટે મરવાને તૈયાર થયેલી આ તમારી કામાતુર પ્રિયાના મનોરથને સફળ કરો. ફરીથી આ તપસ્યા તો સુખ પ્રાપ્ત થશે, પણ આવી પ્રેમી યુવતી ફરીથી મળશે નહીં.” તે સાંભળીને મુનિએ કોશાને કહ્યું કે “અનંતીવાર અનેક ભવમાં કામક્રીડાદિ કરેલ છે, તો પણ હજુ સુધી શું તેની જ ઈચ્છા કરે છે? શું હજુ તને તૃપ્તિ થઈ નથી કે જેથી મારી સન્મુખ આ નૃત્યાદિક પ્રયત્નો કરે છે? જો કદાચ આવું નૃત્ય પ્રશસ્ત ભાવ વડે પરમાત્માની સ્તુતિપૂર્વક તેમની પાસે કર્યું હોય તો સર્વ સફળ થાય; પરંતુ તું તો ભોગની ઈચ્છાથી દીનવાણી બોલે છે અને સખીઓને લાવીને ભોગપ્રાપ્તિને માટે પ્રયત્ન કરે છે, પરંતુ તું શા માટે આ જન્મ તથા જીવનને વૃથા ગુમાવે છે? હે બુદ્ધિશાળી કોશા ! તે સર્વ પ્રયત્ન પોતાના આત્માના હિતને વિષે જ કર.”
આ પ્રમાણેના સ્થૂલભદ્ર મુનિના વચનો સાંભળીને કોશાએ વિચાર્યું કે “આ મુનિનું જિતેન્દ્રિયપણું મારા જેવી અસંખ્ય ચતુર નાયિકાથી પણ જીતી શકાય તેવું નથી.” એમ વિચારીને તે બોલી કે “હે મુનિરાજ! મેં અજ્ઞાનતાને લીધે આપની સાથે પૂર્વે કરેલી ક્રીડાના લોભથી આજે પણ ક્રીડાની ઈચ્છા વડે આપને ક્ષોભ પમાડવા માટે અનેક ઉપાયો કર્યા છે, હવે તે મારો અપરાધ ક્ષમા કરો.” પછી મુનિએ તેને યોગ્ય જાણીને શ્રાવકધર્મનો ઉપદેશ કર્યો. તે પણ પ્રતિબોધ પામીને શ્રાવિકા થઈ અને “નંદરાજાએ મોકલેલા પુરુષ વિના બીજા સર્વ મારે બંધુ સમાન છે.” એવો અભિગ્રહ લીધો.
હવે વર્ષાઋતુ પૂર્ણ થઈ ત્યારે પેલા ત્રણે સાધુઓ પોતપોતાના અભિગ્રહનું યથાવિધિ પ્રતિપાલન કરીને ગુરુ પાસે આવ્યા. તેમાં પ્રથમ સિંહની ગુફા પાસે રહેનાર સાધુને આવતા જોઈને ગુરુ કાંઈક ઉઠીને બોલ્યા કે “હે વત્સ ! દુષ્કર કાર્ય કરનાર ! તું ભલે આવ્યો, તને સાતા.