________________
૧૬૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ જોશે તો તે નક્કી દીક્ષા લેશે.” એમ વિચારીને તેણે પોતાના સેવકને કહીને તે મુનિને નગર બહાર કાઢી મૂકાવ્યા. તે જોઈને સુકોશલની ધાત્રી (ધાવ માતા) રુદન કરવા લાગી. સુકોશલે તેને પૂછ્યું કે, “હે માતા ! તમે કેમ રુઓ છો ?” તે બોલી કે, “તમારા પિતા કીર્તિધર મુનિને તમારી માતાએ નગર બહાર કઢાવી મૂક્યા તેથી હું રોઉં છું.” તે સાંભળી રાજા સર્વ સમૃદ્ધિ સહિત વાંદવા ગયો. ત્યાં મુનિને વાંદીને ધર્મદેશના સાંભળી. પછી રાજાએ પૂછ્યું કે, “હે સ્વામી ! મહાન્ ઉપસર્ગ પ્રાપ્ત થયા છતાં પણ મુનિજનો પોતાના નિર્ભયતા ગુણનું રક્ષણ શી રીતે કરતા હશે ?” મુનિ બોલ્યા કે -
विषं विषस्य वह्नेश्च, वह्निरेव यदोषधम् । तत्सत्यं भवभीतानामुपसर्गे ऽपि यन्न भीः ॥ १ ॥
ભાવાર્થ :- “વિષયનું ઔષધ વિષ છે અને અગ્નિનું ઔષધ અગ્નિ છે; તે સત્ય છે; કેમકે ભવથી ભય પામેલાને ઉપસર્ગમાં પણ ભય હોતો નથી.”
જેમ કોઈ માણસ વિષથી પીડા પામ્યો હોય તે વિષનું ઔષધ વિષ જ કરે છે, જેમ સર્પથી ડંખાયેલો માણસ લીંબડો વગેરે ચાવવાથી ભય પામતો નથી અથવા કોઈ અગ્નિથી દગ્ધ થયેલો માણસ અગ્નિદાહની પીડાનું નિવારણ કરવા માટે ફરીથી અગ્નિનો તાપ અંગીકાર કરે છે તે સત્ય છે; કેમકે ભવથી ભય પામેલા મુનિઓ અનાદિ કાળના સંચય કરેલા કર્મનો ક્ષય કરવામાં ઉદ્યમવંત થયેલા હોવાથી ઉપસર્ગો વડે ઘણા કર્મનો ક્ષય થતો માનીને ભયભીત થતા નથી; કેમકે મોક્ષરૂપ સાધ્ય કાર્યમાં નિર્ભયતા ગુણ સહાયકારક છે.
स्थैर्यं भवभयादेव, व्यवहारे मुनिर्व्रजेत् । स्वात्मारामसमाधौ तु तदप्यन्तर्निमज्जति ॥२॥
--
ભાવાર્થ :- ‘ભવના ભયથી જ એટલે નરક તથા નિગોદાદિમાં પ્રાપ્ત થતાં દુઃખ ઉદ્વેગાદિક ભય પામીને તત્ત્વજ્ઞાની મુનિ એષણાદિક વ્યવહારિક ક્રિયામાં સ્થિરતાને ધારણ કરે છે, તેથી તે ભવનો ભય પણ જ્ઞાનાનંદમય આત્મસમાધિમાં લીન થઈ જાય છે, એટલે વિનાશ પામી જાય છે. અર્થાત્ આત્મધ્યાનમાં લીન થયેલા સુખદુઃખમાં સમાન અવસ્થાવાળા મુનિઓને ભયનો અભાવ જ હોય છે.’’
•
આ સંસારમાં મગ્ન થયેલા જીવોને ધર્મની ઈચ્છા જ થતી નથી. ઈન્દ્રિયોના સુખનો સ્વાદ લેવામાં તલ્લીન થયેલા પ્રાણીઓ મદોન્મત્તની જેમ વિવેકરહિતપણે જ્યાં ત્યાં ભટકે છે, દુઃખથી ઉદ્વેગ પામીને તે દુઃખના નાશ માટે અનેક ઉપાયના ચિંતનથી વ્યાકુળ થઈ ભુંડની જેમ મહામોહરૂપી ભવસાગરમાં પરિભ્રમણ કરે છે. વધારે શું કહેવું ? સર્વ સિદ્ધિને આપનારા શ્રીમાન્ વીતરાગને વંદનાદિક પણ કરતા નથી અને ઈન્દ્રિયો સંબંધી વિષયસુખ મેળવવાને માટે જન્મપર્યંત કરેલા તપ, ઉપવાસ વગેરે કષ્ટકારી અનુદાનને હારી જાય છે. નિદાનના દોષોને પણ ગણતા નથી.