________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૧૯૯
નામે સદાચારવાળી રાણી હતી. રાણીને આઠ પુત્ર ઉપર એક રોહિણી નામે પુત્રી થઈ. રાજાએ તે પુત્રીના જન્મ વખતે મોટો ઉત્સવ કર્યો. અનુક્રમે તે રૂપ અને સૌભાગ્યથી યુક્ત એવી તે યુવાવસ્થા પામી એટલે રાજાએ વિચાર્યું કે “આ પુત્રીને યોગ્ય વર મળે તો સારું.” એમ વિચારીને રાજાએ સ્વયંવરની ઈચ્છાથી ઘણા રાજકુમારોને આમંત્રણ કર્યું. તેથી સર્વ દેશના રાજકુમારો પોતપોતાના વૈભવ સહિત ત્યાં આવીને સ્વયંવર મંડપમાં બેઠા. રોહિણી પણ સ્નાન તથા વિલેપનાદિ કરી, સારા વસ્ત્રો પહેરી અને મુકુટ, તિલક, કુંડળ, કંઠાભરણ, પ્રાલંબન, હાર, અર્ધહાર, બાજુબંધ કડાં, વીંટી, કટીમેખલાં, ઝાંઝર અને કિંકિણી વગેરે અલંકારો ધારણ કરીને સુખાસન (પાલખી)માં બેસી મંડપમાં આવી. ત્યાં પ્રતિહારીએ દરેક રાજકુમારોના પૃથક્ પૃથક્ નામ ગોત્ર વગેરેનું વર્ણન કર્યું, તે સાંભળીને રોહિણીએ નાગપુરના રાજકુમાર અશોકના કંઠમાં વરમાળા આરોપણ કરી, એટલે રાજાએ બીજા સર્વ રાજકુમારોને વસ્રાદિક વડે સન્માન કરીને રજા આપી. પછી વિધિપૂર્વક અશોકકુમાર સાથે રોહિણીનો વિવાહ કર્યો. અશોકકુમાર રોહિણીને લઈને નાગપુર આવ્યો. કેટલેક કાળે અશોકના પિતાએ અશોકને રાજ્ય સોંપી દીક્ષા ગ્રહણ કરી.
અશોક રાજાને રોહિણી સાથે ભોગ-વિલાસ કરતાં આઠ પુત્રો તથા ચાર પુત્રીઓ થઈ. એકદા પત્નીની સાથે રાજા ગવાક્ષમાં બેઠો હતો, તે વખતે રોહિણીએ કોઈ એક સ્ત્રીને પુત્રના મરણથી રૂદન કરતી અને હૃદય તથા માથું કુટતી જોઈને હર્ષથી રાજાને પૂછ્યું કે “હે સ્વામી ! આ કેવી જાતનું નાટક છે ?” રાજાએ કહ્યું કે “હે પ્રિયા ! ગર્વ ન કર.” રાણી બોલી કે “ધન, યૌવન, પતિ, પુત્ર અને પિતામહ વગેરે સંબંધી સર્વ પ્રકારના સુખથી હું પૂર્ણ છું, તથાપિ હું ગર્વ કરતી નથી, પરંતુ આવું નાટક મેં કોઈપણ વખત જોયું નથી.”
રાજાએ કહ્યું કે “તે સ્ત્રીનો પુત્ર મરી ગયો છે તેથી તે રૂએ છે.” રાણી બોલી કે “તે આવું નાટક ક્યાં શીખી હશે ?” રાજાએ કહ્યું કે “લે હું તને શીખવું.” એમ કહીને રાજાએ લોકપાલ નામનો સૌથી નાનો પુત્ર જે રાણીના ઉત્સંગમાં હતો તેને લઈને બારીથી પડતો મૂક્યો. તે પુત્રને અદ્ધરથી જ પુરદેવીએ ઝીલી લીધો અને તેને સિંહાસન ઉપર બેસાડ્યો. પુત્રના પડવાથી પણ રાણીને રુદન આવ્યું નહિ, તેથી રાજાને આશ્ચર્ય થયું. તેવામાં તે નગરમાં જિનેશ્વરના રૌપ્પકુંભ અને સુવર્ણકુંભ નામના બે શિષ્યો પરિવાર સહિત આવ્યા. તે જાણીને રાજા તેમની પાસે ગયો અને તેમને વંદના કરીને રાજાએ નમ્રતાથી પૂછ્યું કે “હે પૂજ્ય ! કયા કર્મથી મારી રાણી દુઃખનું નામ પણ જાણતી નથી ?” ગુરુ બોલ્યા કે હે રાજા ! સાંભળ -
“આ નગરમાં જ પૂર્વે ધનમિત્ર નામે એક શ્રેષ્ઠિ રહેતો હતો. તેને દુર્ગન્ધા નામની અતિદુર્ભાગી પુત્રી હતી. તે યુવાવસ્થા પામી, તો પણ તેને કોઈ પુરુષ પરણવાની ઈચ્છા કરતો નહિ. ધનમિત્ર એક કોડી દ્રવ્ય આપવાનું કહેતો, તો પણ તેને કોઈ પુરુષ પરણ્યો નહિ. એકદા કોઈ ચોરને પ્રાણાંત શિક્ષા થઈ, તેને મારવા માટે રાજાના સેવકો લઈ જતા હતા. તે જોઈને શ્રેષ્ઠિએ તે ચોરને બોલાવી પોતાને ઘેર આણ્યો. તે ચોરને દુર્ગન્ધા આપી. રાત્રે દુર્ગન્ધાના શરીરના તાપથી પીડા પામીને તે ચોર નાસી ગયો.
ઉ.ભા.-૫-૧૪