________________
૧૮૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
છે ? અર્થાત્ તે કરતાં ચાર્વાક ઘણા સારા છે.’ તે સાંભળીને વામદેવ બોલ્યો કે “હે મિત્ર ! જૈનોએ તને છેતર્યો છે, માટે તું આમ બોલે છે.’ સુમિત્રે કહ્યું કે “નિઃસ્પૃહી મુનિઓ બીજાને શા માટે છેતરે છે ? તેથી તેને શો લાભ મેળવવો છે ? તેને કાંઈ સ્પૃહા તો છે નહીં.” આ પ્રમાણે સુમિત્ર તેને વારંવાર સમજાવતો હતો, પણ તે વામદેવે પ્રતિબોધ પામતો નહોતો.
એકદા નજીકના કોઈ ગામે વિવાહ પ્રસંગ હતો તે નિમિત્તે સુમિત્ર વામદેવને સાથે લઈને ત્યાં જવા ચાલ્યો. માર્ગમાં કોઈ ગામ નજીક આવ્યા એટલે ત્યાં રોકાયા. તે વખતે સંધ્યા સમય થયો હતો. એટલે સુમિત્રે તો ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કર્યું. વામદેવ તો રાત્રીએ જ રસોઈ કરીને જમવા બેઠો. તે વખતે તેણે મિત્રને બોલાવ્યો કે “હે મિત્ર ! ભોજન કરવા ચાલ, હજુ ઘણી રાત્રી ગઈ નથી, સંધ્યા સમય જ છે. આપણે દીપકનો સારો પ્રકાશ કરીને જમવા બેસીએ.” સુમિત્ર બોલ્યો કે “રાત્રીભોજનના જે દોષો કહેલા છે તે દોષો અંધકારમાં જમવાથી પણ લાગે છે અને સાંકડા મુખવાળા પાત્રમાં જમવાથી પણ લાગે છે, તેમજ દીવો કરવાથી પણ બીજી બહુ હિંસા લાગે છે, કેમકે રાત્રે દીવાની જ્યોતના આકર્ષણથી અનેક પતંગીયા વગેરે જીવો આવી આવીને તે દીવાના પાત્રમાં પડે છે અને તેની જ્યોતમાં બળી જાય છે. માટે મારે રાત્રીભોજનના વિષયમાં દ્વિવિધ-ત્રિવિધે કરીને પ્રત્યાખ્યાન છે.” તે સાંભળીને તે વામદેવ જૈનગુરુની નિંદા કરતો ખાવા બેઠો. હવે રાંધવાની તપેલીમાં દૈવયોગે અજાણતાં સર્પ રંધાઈ ગયો હતો. તેથી ખાઈ રહ્યા પછી વામદેવને વિષ ચઢ્યું. સુમિત્રે નવકાર મંત્ર ભણીને તે વિષ ઉતાર્યું. પછી સુમિત્ર તેને કેવળી પાસે લઈ ગયો. ત્યાં વામદેવ પોતાનો પૂર્વભવ સાંભળીને પ્રતિબોધ પામ્યો. પછી વામદેવે કેવળી ગુરુને ભાવયજ્ઞનું સ્વરૂપ પૂછ્યું. ત્યારે કેવળી બોલ્યા કે
इन्द्रियाणि पशून् कृत्वा, वेदीं कृत्वा तपोमयीम् । अहिंसा आहुतीर्दद्या - देष यज्ञः सनातनः ॥१॥
ભાવાર્થ :- “ઈન્દ્રિયોને પશુરૂપ કરીને અને તપરૂપી વેદી (કુંડ) કરીને અહિંસારૂપી આહુતિ દેવી, એ સનાતન ભાવયજ્ઞ કહેલો છે.”
કેવળીના વાક્યથી પ્રતિબોધ પામેલો વામદેવ ભાવયજ્ઞ કરવામાં રસિક થયો. પછી તેણે પોતાના પિતાને જઈને કહ્યું કે “હું દીક્ષા લઉં છું.” પિતાએ જવાબ આપ્યો કે “તું પુત્રરહિત છે, માટે ‘“અપુત્રસ્ય ગતિઽસ્તિ” પુત્રરહિત માણસની સદ્ગતિ થતી નથી.” તે સાંભળીને વામદેવ બોલ્યો કે -
जायमानो हरेद् भार्यां, वर्धमानो हरेद्धनम् ।
म्रियमाणो हरेत् प्राणान्, नास्ति पुत्रसमो रिपुः ॥१॥
ભાવાર્થ :- “પુત્ર, ઉત્પન્ન થતાં જ ભાર્યાનું હરણ કરે છે, મોટો થતાં ધનનું હરણ કરે છે અને કદી મરણ પામે તો પ્રાણોનું હરણ કરે છે, માટે પુત્ર સમાન બીજો કોઈ શત્રુ નથી.”