________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના નવમા બ્રહ્મ અધ્યયનમાં કહેલી મર્યાદામાં વર્તનાર, પરબ્રહ્મ એટલે શુદ્ધ આત્મસ્વરૂપ જાણવા વડે કરીને સમાધિવાળો અને કર્મદહન કરવારૂપ જે ભાગ તેની અત્યંત નિષ્પત્તિવાળો એવો બ્રાહ્મણ એટલે દ્રવ્યભાવથી બ્રહ્મચર્યનું પાલન કરનાર મુનિ પાપકર્મથી લિપ્ત થતો નથી. હવે યાગ એટલે યજ્ઞ તેનું વર્ણન કરે છે.”
યજ્ઞ બે પ્રકારનો છે. દ્રવ્યયજ્ઞ અને ભાવયજ્ઞ. તેમાં ગોમેધ, નરમધ, ગજમેધ વગેરે દ્રવ્યયજ્ઞમાં અવશ્ય પ્રાણીનો વધ થાય છે. તે દ્રવ્યયજ્ઞના કરાવનારા આચાર્યો નિર્દયતાથી એવા વાક્યો બોલે છે કે -
यज्ञार्थं पशवः सृष्टाः स्वयमेव स्वयभुवा । यज्ञोस्य भूत्यै सर्वस्य, तस्माद्यज्ञे वधोऽवधः ॥
इत्यादि. “બ્રહ્માએ પોતે યજ્ઞને માટે જ પશુઓ ઉત્પન્ન કર્યા છે, અને યજ્ઞ આ સર્વ જગતના કલ્યાણ માટે છે, તેથી યજ્ઞમાં જે વધ થાય તે વધ (હિંસા) કહેવાય નહીં.” ઔષધિઓ, પશુઓ, વૃક્ષો, પક્ષીઓ અને તિર્યંચો યજ્ઞમાં મરણ પામવાથી ઊંચી ગતિ (સ્વર્ગ)ને પામે છે. તલ, વ્રીહિ, જવ, અડદ, જળ, મૂળ અને ફલ વિધિપૂર્વક આપવાથી મનુષ્યો પર પિતૃદેવતાઓ એક માસ સુધી પ્રસન્ન રહે છે, મત્સ્યનું માંસ આપવાથી બે માસ સુધી પ્રસન્ન રહે છે, હરિણનું માંસ આપવાથી ત્રણ માસ, ઘેટાના માંસથી ચાર માસ, પક્ષીના માંસથી પાંચ માસ, બકરાના માંસથી છ માસ, વૃષ જાતિના મૃગના માંસથી સાત માસ, એણ જાતિના મૃગના માંસથી આઠ માસ, રુરુ જાતિના મૃગના માંસથી નવ માસ, ભૂંડ અને મહિષના માંસથી દશ માસ, સસલા અને કાચબાના માંસથી અગિયાર માસ, ગાયનું માસ, દૂધ અથવા ખીરથી એક વર્ષ અને ઘરડા બકરાના માંસથી બાર વર્ષ સુધી પિતૃદેવની તૃપ્તિ થાય છે. આ પ્રમાણે સ્મૃતિમાં કહેલી હકીકતને અનુસારે પિતૃના તર્પણને માટે મૂઢ પુરુષો જે હિંસા કરે છે તે પણ દુર્ગતિને માટે જ છે. એ પ્રમાણે યોગશાસ્ત્રના બીજા પ્રકાશમાં કહ્યું છે.
પ્રબોધ ચિંતામણિમાં સ્મૃતિને અનુસરનારા સ્માર્લોને શિક્ષાવચન કહ્યું છે કે “જો બ્રાહ્મણો વેદના મંત્રો શક્તિવાળા છે એમ કહેતા હોય તો હણવાનો વ્યાપાર કર્યા વિના જ માત્ર મંત્ર બોલવાથી જ બકરાઓના પ્રાણ જવા જોઈએ. જો વેદના મંત્રોની શક્તિ વિષે કાંઈ પણ પ્રમાણ હોય તો હણતા બકરાઓને વેદના ન થવી જોઈએ. જો વેદના મંત્રોની અતિશયવાળી શક્તિ હોય તો શાંતિને માટે હોમેલા વાઘથી દેવતાઓ કેમ પ્રસન્ન થતા નથી? વળી વેદના મંત્રોથી પરણેલી સ્ત્રીઓને વિધવા થયેલી જોઈને પંડિત પુરુષ વેદની નિર્દોષતા શી રીતે કહેશે? પંચેન્દ્રિય પ્રાણીનો વધ કરતાં પણ જેઓનું મન શંકા પામતું નથી તેઓને કુંથુવા, પુરા વગેરે ઝીણા જીવોની હિંસા કરતાં તો ક્યાંથી જ દયા આવશે? જેઓનો હિંસા એ ધર્મ છે, જળ તીર્થ છે, ગાય પૂજય છે, ગુરુ