________________
195
૧૮૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ વિનય રાખ.” તે બોલ્યો કે “મસ્તક પર જટાજુટ રાખનારા અને આખા શરીરે ભસ્મ ચોળનારા નગ્ન બાવાઓને વિષે વિનય શો?” તેનું તેવું ગર્વિષ્ટ વચન સાંભળીને તાપસોએ તેને તરત ત્યાંથી કાઢી મૂક્યો, એટલે તે ક્રોધથી બોલ્યો કે “અરે ! મારા પિતાનું હું રાજય પામીશ ત્યારે તમારો નિગ્રહ કરીશ.” એમ કહીને બડબડતો બડબડતો તે આગળ ચાલ્યો. માર્ગમાં તેને એક સિંહ મળ્યો. તેને જોઈને હાથમાં તીક્ષ્ણ ખગ લઈ અહંકારથી તેની સન્મુખ ચાલ્યો. સિંહની સાથે યુદ્ધ થતાં સિંહ તેને ખાઈ ગયો. તે મરીને ગર્દભ થયો. ત્યાંથી મરીને ઊંટ થયો. ત્યાંથી મરીને ફરીથી નંદિપુરમાં જ પુરોહિત પુત્ર થયો.
બાલ્યાવસ્થામાં જ તે ચૌદ વિદ્યાનો પારગામી થયો. ત્યાં પણ અહંકારથી જ મૃત્યુ પામીને તે જ નંદિપુરમાં ગાયન કરનારો ડુંબ થયો. તેને જોઈને પુરોહિતને તેના પર ઘણો સ્નેહ થવા લાગ્યો. એવામાં કોઈ કેવળજ્ઞાની તે ગામે પધાર્યા. પુરોહિતે તેમને નમ્રતાથી પૂછ્યું કે “હે પૂજય! આ ડુંબના પર મને ઘણો પ્રેમ થાય છે તેનું શું કારણ?” ત્યારે કેવળીએ તેના પૂર્વભવનું સર્વ વૃત્તાન્ત કહ્યું. તે સાંભળીને તે ગાયકને જાતિસ્મરણ જ્ઞાન થાયું, તેથી તે કેવળી પરમાત્માના વચન સાંભળવાનો રસિક થયો. પછી ગાયકે પોતાના ઉદ્ધારનો ઉપાય પૂછ્યો, ત્યારે શ્રી કેવળીએ અનેક સ્યાદ્વાદ પક્ષથી યુક્ત એવું મન, વચન અને કાયારૂપ ત્રણ યોગની શુદ્ધિનું સ્વરૂપ પ્રકાશિત કર્યું, તથા મોક્ષના હેતુરૂપ પાંચ યોગના સ્વરૂપનું પણ નિરૂપણ કર્યું. તે આ પ્રમાણે –
मोक्षेण योजनाद्योगः सर्वोऽप्याचार इष्यते ।
विशिष्य स्थानवर्णा -लंबनैकाग्रगोचरः ॥१॥ ભાવાર્થ:- “સર્વ આચાર મોક્ષની સાથે યોગ કરનાર હોવાથી યોગરૂપ કહેલા છે. તેમાં પણ સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એકાગ્રતા એ પાંચને વિશેષ કરીને યોગરૂપ માનેલા છે.”
અહીં મિથ્યાત્વાદિકના કારણભૂત એવા મન, વચન, કાયાના યોગ કર્મવૃદ્ધિ કરવાના હેતુભૂત હોવાથી ગ્રહણ કરવા નહીં, પણ મોક્ષસાધનના હેતુભૂત યોગનું જ ગ્રહણ કરવું. સમગ્ર કર્મનો જે ક્ષય તે મોક્ષ છે. મોક્ષની સાથે જોડનાર હોવાથી તે યોગ કહેવાય છે. જિનશાસનમાં કહેલો ચરણસપ્તતિ, કરણસપ્તતિ રૂપ સર્વ આચાર મોક્ષના ઉપાયભૂત હોવાથી યોગ છે. તેમાં પણ સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એકાગ્રતા એ પાંચ પ્રકારના યોગને વિશેષે કરીને મોક્ષ સાધનના ઉપાયમાં હેતુ માનેલા છે. અનાદિ કાળથી પરભાવમાં આસક્ત થયેલા પ્રાણીઓ ભવભ્રમણ કરનારા હોવાથી પુદ્ગલના ભોગવિલાસમાં મગ્ન થયેલા હોય છે, તેમને આ યોગ પ્રાપ્ત થતા નથી.
પરંતુ અમારે તો એક મોક્ષ જ સાધ્ય છે એમ ધારીને જે પ્રાણી ગુરુસ્મરણ, તત્ત્વજિજ્ઞાસા વગેરે યોગ વડે નિર્મળ, નિઃસંગ અને પરમાનંદમય આત્મસ્વરૂપને સંભારીને તેની જ કથા ૧. ડુંબ ટેટની એક જાતિ છે.