________________
૧૭૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ શાસ્ત્રની સેંકડો યુક્તિઓથી-અનેક આગમ રહસ્યના અવબોધથી પણ તે પ્રાપ્ત થતું નથી એમ પંડિતો કહે છે.”
न सुषुप्तिरमोहत्वा-नापि च स्वापजागरौ ।
'कल्पनाशिल्पविश्रान्ते-स्तुर्या चानुभवे दशा ॥२॥ ભાવાર્થ:- “આત્મઅનુભવ અવસ્થામાં, મોહ નહિ હોવાથી સુષુપ્તિ અવસ્થા હોતી નથી, તેમજ સંકલ્પવિકલ્પનો પણ અભાવ હોવાથી સ્વાપ તથા જાગર અવસ્થા પણ હોતી નથી, પરંતુ તે ત્રણે દશાથી ભિન્ન એવી તુર્ય (ચોથી) દશા હોય છે.”
દશા ચાર છે. તેમાં અતિ શયન કરવારૂપ સુષુપ્તિ અવસ્થા મિથ્યાત્વીને હોય છે. શયનરૂપ અવસ્થા સમ્યગ્દષ્ટિને હોય છે. જાગરદશા અપ્રમત્ત મુનિને હોય છે અને તુર્થ દશા તો ઉત્તરોત્તર સયોગી કેવળી પર્યત હોય છે. ગ્રંથાંતરમાં તીવ્રનિદ્રાધૂર્ણિત ચિત્તવાળાને સુષુપ્તિ અવસ્થા કહી છે, તે અનુભવ જ્ઞાનવાળાને હોતી નથી, કેમકે અનુભવી મોહથી રહિત હોય છે. તેમજ સ્વાપ તથા જાગરદશા પણ અનુભવીને હોતી નથી, કેમકે તે કલ્પનાયુક્ત છે અને અનુભવમાં કલ્પનાનો અભાવ હોય છે, તેથી સંપૂર્ણ નયપક્ષને આધારે અનુભવમાં તુર્ય (ઉજાગર) દશા જ કહેલી છે.”
ઈત્યાદિ ગુરુના ઉપદેશથી પ્રતિબોધ પામેલા વણિકે ગુરુને કહ્યું કે “હે ગુરુ ! બંધુવર્ગની રજા લઈને દીક્ષા લેવા માટે હું અહીં પાછો આવું ત્યાં સુધી આપ અહીં જ રહેજો.” એમ કહીને ઘેર જઈ તેણે સર્વ સ્વજનોને તથા પોતાની સ્ત્રીને કહ્યું કે “આ દુકાનના વ્યાપારથી મને ઘણો અલ્પ લાભ મળે છે, માટે ઘણો લાભ મેળવવા સારુ મારે પરદેશ વ્યાપાર કરવા જવું છે, તેને માટે અહીં બે સાર્થવાહ છે. તેમાં એક સાર્થવાહ એવો છે કે તે પોતાનું ધન આપીને ઈચ્છિત નગરમાં લઈ જાય છે અને મેળવેલા ધનમાં પોતે ભાગ લેતો નથી અને બીજો સાર્થવાહ એવો છે કે તે પોતાનું ધન આપતો નથી અને તેની સેવા કરતા તે પ્રથમનું ઉપાર્જન કરેલું સર્વ ધન પણ લઈ લે છે. તો તમે સર્વ કહો કે હું કયા સાર્થવાહની સાથે જાઉં?” ત્યારે સર્વ બોલ્યા કે “તમે પહેલા સાર્થવાહની સાથે જાઓ.”
તે સાંભળીને તે વણિક સર્વે બંધુઓને લઈને બહાર ઉદ્યાનમાં આવ્યો. ત્યાં બંધુઓએ “સાર્થવાહ ક્યાં છે?” એમ પૂછ્યું. ત્યારે તે બોલ્યો કે “આ વૃક્ષની નીચે બેઠેલા સિદ્ધિપુરીના સાર્થવાહ આ સાધુ છે. તે પોતાના ધર્મરૂપી ધનને આપીને હમેશાં વ્યાપાર કરાવે છે અને તેમાં જે લાભ મળે છે તેમાંથી તે લેશમાત્ર પણ ગ્રહણ કરતા નથી. તેથી આની સાથે ઈશ્કેલી એવી મુક્તિપુરીએ હું જઈશ. બીજો સાર્થવાહ તે સ્ત્રી, સ્વજન વગેરે જાણવા. તે પૂર્વનું ધર્મરૂપી ધન લઈ લે છે અને નવું ધન બિલકુલ આપતા નથી; માટે તમે જ મને આનંદથી કહ્યું છે કે પહેલા સાર્થવાહ જોડે જાઓ, તેથી હું તમારા સર્વનો સંબંધ મૂકીને આ મુનિનો જ આશ્રય કરું છું.” ૧. કલ્પના તે વિકલ્પચેતના તેનું શિલ્પ તે વિજ્ઞાન, તેમાં જે વિશ્રાંતિ તે “કલ્પના શિલ્પ વિશ્રાંતિ જાણવી.