________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૧૮૧
સાંભળવામાં પ્રીતિ રાખે છે તે પ્રાણીને પરંપરાએ આ યોગ સિદ્ધ થાય છે, પણ મરુદેવા માતાની જેમ સર્વ પ્રાણીઓને અલ્પ પ્રયાસે સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, કેમકે મરુદેવા માતાને તો આશાતનાદિક દોષ અત્યંત અલ્પ હતા. તેથી તેને પ્રયાસ વિના જ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી અને બીજા જીવોને તો આશાતનાદિ દોષ અત્યંત હોય છે, તથા ગાઢ કર્મના બંધનવાળા હોવાને લીધે તેમને તો સ્થાનાદિક ક્રમે કરીને જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
તેમાં સ્થાન એટલે વંદના કરવી, કાયોત્સર્ગે ઉભા રહેવું, વીરાદિક આસન વાળવા તથા મુદ્રાઓ કરવી વગેરે. વર્ણ એટલે અક્ષરોના શુદ્ધ ઉચ્ચાર કરવા. અર્થ એટલે વાક્યનો ભાવાર્થ ચિંતવવો. આલંબન એટલે અર્હત્ સ્વરૂપવાચ્ય પદાર્થમાં જ ઉપયોગ રાખવો અને એકાગ્રતા એટલે શુદ્ધ સ્વરૂપમાં નિશ્ચલતા થવી. જ્યાં સુધી ધ્યાનની એકતા ન થાય ત્યાં સુધી અંગન્યાસ (આસન) મુદ્રા અને વર્ણની શુદ્ધિપૂર્વક આવશ્યક ચૈત્યવંદન, પડિલેહણ વગેરે ક્રિયાઓ ઉપયોગની ચપળતાના નિવારણ માટે અવશ્ય કરવી, કેમકે તે સર્વ જીવોને અતિશય હિતકારી છે અને સ્થાન, વર્ણના ક્રમથી જ તત્ત્વની પ્રાપ્તિ થાય છે.
હવે તે પાંચ યોગમાં બાહ્ય અને અત્યંતર સાધકપણું બતાવે છે. યોગપંચકમાં સ્થાન અને વર્ણ એ બે કર્મયોગ બાહ્ય છે અને બાકીના ત્રણ જ્ઞાનયોગ તે અત્યંતર છે. આ પાંચે પ્રકારના યોગ દેશવિરતિ અને સર્વવિરતિને વિષે અવશ્ય હોય છે. આ પાંચ યોગ ચપળતાની નિવૃત્તિમાં કારણરૂપ છે. માર્ગાનુસારી વગેરેમાં આ યોગ બીજ માત્ર હોય છે.”
આ પ્રમાણે કેવળીના મુખથી ધર્મોપદેશ સાંભળીને સંસારની અનિત્યતા જાણી પુરોહિત અને ડુંબ બન્ને શુદ્ધ ધર્મને અંગીકાર કરી-પાળીને સ્વર્ગે ગયા. ત્યાંથી ચ્યવીને અનુક્રમે મુક્તિને પામશે.
“સ્થાન વગેરે પાંચ પ્રકારના સુયોગ મોક્ષની પ્રાપ્તિમાં કારણરૂપ છે. તે યોગને મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક ઉજ્જિત સાધુએ ધારણ કર્યા, તે પ્રમાણે બીજા ભવ્ય જીવોએ પણ આ યોગને વિષે આદર કરવો.”
૩૩૨
યજ્ઞ
ब्रह्माध्ययननिष्ठावान्, परब्रह्मसमाहितः ।
ब्राह्मणो लिप्यते नाधै- र्निर्यागप्रतिपत्तिमान् ॥१॥
ભાવાર્થ ઃ- “બ્રહ્મ નામના અધ્યયનમાં નિષ્ઠાવાળો, પરબ્રહ્મમાં સાવધાન અને નિરંતર યાગ જે કર્મદહન તેની પ્રતિપત્તિવાળો બ્રાહ્મણ એટલે મુનિ પાપથી લેપાતો નથી.”