________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫
૧૬૭ મોક્ષના હેતુરૂપ જૈનશાસનને દેવાદિક સુખના હેતુરૂપ માનીને મોહ પામે છે તથા મિથ્યાત્વથી વાસિત થયેલા તે જીવો ઐશ્વર્યાદિક મેળવવાને માટે મલ્યની જેમ ભવસમુદ્રમાં ભટકે છે. માટે હે સુકોશલ રાજા ! ભવને વિષે નિરંતર ઉદ્વેગ (વૈરાગ્ય) ધારણ કરવો તે જ યોગ્ય છે અને તે જ મોટા ઉપસર્ગોમાં પણ સહાયકારક છે એમ જાણવું.”
આ પ્રમાણે ગુરુના મુખથી ઉપદેશ સાંભળીને પ્રતિબોધ પામેલા સુકોશલ રાજાએ તેમની પાસે દીક્ષા લીધી. પછી સહદેવી રાણી પુત્રના વિયોગથી તથા પતિપરના દ્વેષથી મૃત્યુ પામીને કોઈ વનમાં વાઘણ થઈ. દૈવયોગે વિહાર કરતા કીર્તિધર તથા સુકોશલ મુનિ તે જ વનમાં આવી ચાતુર્માસિક તપ કરીને રહ્યા. તપને અંતે પારણાને દિવસે ભિક્ષા માટે જતાં વાઘણે તે બન્નેને જોયા. એટલે તેની સામે ક્રોધથી દોડી. તેને આવતી જોઈ અને મુનિએ પ્રાણાંત ઉપસર્ગ જાણી કાયોત્સર્ગ કર્યો. વાઘણે તેમને પાડી દીધા ને ખાવા લાગી. તે વાઘણથી ભક્ષણ કરાતા સુકોશલ મુનિ ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈ કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા પછી કીર્તિધર મુનિનું ભક્ષણ કરતાં તે મુનિના મુખમાં સુવર્ણની રેખાથી મઢેલા દાંત તેણે જોયા. એટલે ઉહાપોહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાના પતિને ઓળખીને તેને અત્યંત પશ્ચાત્તાપ થયો. એટલે તરત જ તે વાઘણે અનશન અંગીકાર કર્યું અને મરણ પામીને આઠમા સહસ્ત્રાર દેવલોકમાં ગઈ. કીર્તિધર મુનિ પણ શુક્લ ધ્યાન વડે કાળ કરીને અજરામર (મોક્ષ) પદને પામ્યા.
“ભવથી ઉદ્વેગ પામેલા સુકોશલ મુનિએ ઉપસર્ગ પામ્યા છતાં પણ તત્ત્વદષ્ટિ રાખીને દૃઢતાનો ત્યાગ કર્યો નહીં. તેમજ કીર્તિધર મુનિએ પણ સ્થિરતાનો ત્યાગ કર્યો નહીં. તેવી જ રીતે બીજા મુનિઓએ પણ તત્ત્વદૃષ્ટિ અને ઉપસર્ગમાં સ્થિરતા ધારણ કરવી.”
૩૨૦
લોકસંજ્ઞા નિર્વેદી એટલે ભવથી વૈરાગ્ય પામેલો અને મોક્ષનું સાધન કરવામાં ઉદ્યમવંત થયેલો પ્રાણી લોકસંજ્ઞામાં મોહ પામતો નથી, કેમકે લોકસંજ્ઞા ધર્મના સાધનનો વ્યાઘાત કરનારી છે, તેથી ત્યાગ કરવા યોગ્ય જ છે. કહ્યું છે કે –
लोकमालंब्य कर्तव्यं, कृतं बहुभिरेव चेत् ।
तदामिथ्यादृशां धर्मो, न त्याज्यः स्यात् कदाचन ॥१॥ ભાવાર્થ:- “ઘણા માણસોએ જે કર્યું તે કરવું-એમ જો લોકનું અવલંબન લઈએ, તો પછી મિથ્યાત્વીનો ધર્મ કદાપિતજવા લાયક થાય જ નહીં, કેમકેમિથ્યા ધર્મનું આચરણ ઘણા લોકો કરે છે.”
ઉ.ભા.-૫-૧૨