________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫
૧૬૫ ભાવાર્થ :- “જેમ તેલના પાત્રને ધારણ કરનારો, અથવા જેમ રાધાવેધ કરવાને તૈયાર થયેલો માણસ એક ચિત્તતાવાળો થાય છે, તેમ ભવથી ભય પામેલા મુનિ પણ ક્રિયાને વિષે એકાગ્ર ચિત્તવાળા થાય છે.”
જેમ મરણના ભયથી ભય પામેલો માણસ તેલના પાત્રને ધારણ કરીને પ્રમાદરહિત રહે છે, તે જ પ્રમાણે મુનિ આત્મગુણના ઘાતથી ભય પામીને સંસારમાં અપ્રમાદી રહે છે, કોઈ રાજાએ કોઈ લક્ષણોપેત માણસને ઉપદેશ આપવા માટે ગુન્હેગાર ઠરાવીને તેનો વધ કરવાની આજ્ઞા આપી, તે વખતે સભાજનોએ રાજાને વિનંતી કરી કે “હે સ્વામી! એનો અપરાધ માફ કરો, તેને મારો નહીં.” ત્યારે રાજાએ કહ્યું કે “જો તે તેલથી ભરેલા મોટા થાળને ધારણ કરીને સ્થાને સ્થાને અનેક પ્રકારના નાટક અને વાજિંત્રોથી વ્યાકુળ થયેલા આખા નગરમાં ભ્રમણ કરી તેલનું એક બિંદુ પણ પાડ્યા વિના અહીં આવે તો હું તેને મારું નહીં; પણ જો તેલનું એક બિંદુ પણ પડે તો તત્કાળ તેના પ્રાણનો નાશ કરીશ.” એ વાત પેલા માણસે કબૂલ કરી..
તે જ પ્રમાણે અનેક જનોથી વ્યાપ્ત થયેલા માર્ગમાં નાટક વાજિંત્રાદિ તરફ દૃષ્ટિ પણ કર્યા વિના માથે તેલનો થાળ રાખી એક ચિત્તે ચાલવામાં ઉપયોગ રાખીને તેલનું બિંદુ પણ પાડ્યા વિના આખું નગર ફરીને આવ્યો. તે જ પ્રમાણે મુનિ પણ અનેક પ્રકારના સુખ-દુઃખથી વ્યાકુળ એવા આ સંસારમાં આત્મસિદ્ધિને માટે પ્રમાદરહિત થાય છે. વળી જેમ સ્વયંવરમાં કન્યાને પરણવા માટે રાધાવેધ કરવા તૈયાર થયેલો માણસ સ્થિર ચિત્તવાળો થાય, તેમ ભવથી ભય પામેલા મુનિ સંસારમાં ભ્રમણ કરવાથી અને ગુણના આવરણાદિક મહાદુઃખથી ભય પામીને સમિતિ ગુપ્તિરૂપ ક્રિયાઓમાં એકચિત્ત થાય છે. કહ્યું છે કે –
अमिसलुद्धेण वणे, सीहेण य दाढचक्कसंगहिया ।
तह वि हु समाहिपत्ता, संवरजुत्ता मुणिवरिंदा ॥१॥ ભાવાર્થ:- વનને વિષે માંસમાં લુબ્ધ થયેલા સિંહે દાઢરૂપ ચક્રથી ગ્રહણ કર્યા, તો પણ સંવરમાં યુક્ત એવા મુનિવરો સમાધિને પ્રાપ્ત થયા.” આ અર્થનું સમર્થન કરવા માટે સુકોશલ મુનિનો સંબંધ છે તે આ પ્રમાણે -
સુકોશલમુનિની કથા અયોધ્યાનગરીમાં કીર્તિધર નામે રાજા રાજય કરતો હતો. તેને સહદેવી નામે પટ્ટરાણી હતી. અન્યદા રાજાએ સુકોશલ નામનો પુત્ર થયે સતે તેની બાલ્યવયમાં જ દીક્ષા લીધી. સુકોશલ મોટો થયો એટલે દેશના અધિપતિ થયો. કેટલેક કાળે કીર્તિધર મુનિ પૃથ્વી પર વિહાર કરતાં અયોધ્યાનગરીમાં આવ્યા. મધ્યાહ્ન સમયે ગૌચરીને માટે તેમણે નગરીમાં પ્રવેશ કર્યો. તે વખતે સહદેવી રાણીએ તેને જોઈને વિચાર કર્યો કે “જો કદાચ સુકોશલ આ તેના પિતા કીર્તિધરમુનિને