________________
૧૭૩
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ આપણા કુટુંબને પ્રતિબોધ આપો, મારી સાથે ઘેર ચાલો અને મને પણ તમારી દીક્ષા આપો.” તે સાંભળીને તેણે નાના ભાઈને દીક્ષા આપીને ગુરુને વિનંતી કરી કે “હે સ્વામી ! આપની આજ્ઞા હોય તો હું મારા મા-બાપને પ્રતિબોધ કરવા માટે મારે ગામ જાઉં.” ગુરુ બોલ્યા કે “હે વત્સ ! તું અભ્યાસ કર. ઘેર જા નહીં.” યમકની વિષમતાથી ખેદ પામેલા તેણે ફરીથી ગુરુને પૂછ્યું કે “હે સ્વામી! મેં દશમા પૂર્વમાં કેટલો અભ્યાસ કર્યો?” ગુરુ હસીને બોલ્યા કે “હે વત્સ ! દશમા પૂર્વનું એક બિંદુમાત્ર તે ગ્રહણ કર્યું છે, અને સમુદ્ર જેટલું બાકી રહ્યું છે; પરંતુ તે ખેદ કેમ કરે છે? તું ઉદ્યમી છો, વળી બુદ્ધિશાળી છો, તેથી જલ્દી પાર પામી જઈશ.”
આ પ્રમાણે ગુરુએ તેને અભ્યાસ કરવાને માટે ઉત્સાહિત કર્યો, તો પણ તે નાના ભાઈ સહિત વારંવાર ગુરુ પાસે જઈને કહેવા લાગ્યો કે “આ મારો ભાઈ મને બોલાવવા માટે અહીં આવ્યો છે, માટે આપ મને ત્યાં જવાની આજ્ઞા આપો.” ત્યારે ગુરુએ શ્રુતનો ઉપયોગ આપ્યો. તે ઉપરથી તેમને જણાયું કે “આ આર્યરક્ષિત ગયા પછી શીધ્ર પાછો આવશે નહીં અને મારું આયુષ્ય બહુ થોડું રહ્યું છે, તેથી દશમું પૂર્વ તો મારામાં જ રહેશે, કોઈ ગ્રહણ કરશે નહીં.” આ ભાવિભાવ જાણીને શ્રી વજસ્વામીએ તેને જવાની રજા આપી. પછી આર્યરક્ષિત મુનિ પોતાના ભાઈ ફલ્યુરક્ષિતની સાથે દશપુરનગરે આવ્યા. ત્યાં ધર્મદેશના આપીને પોતાના સમગ્ર કુટુંબને પ્રતિબોધ પમાડ્યો અને રાજા પણ સમકિત પામ્યો.
એકદા શ્રી સૌધર્મેન્દ્ર મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા શ્રી સીમંધર જિનેશ્વરને વંદના કરવા ગયા. ત્યાં પ્રભુના મુખથી સૂક્ષ્મ નિગોદનું સ્વરૂપ સાંભળીને તેણે પ્રભુને પૂછ્યું કે “હે સ્વામી ! ભરતક્ષેત્રમાં આવું સૂક્ષ્મ નિગોદનું સ્વરૂપ કહેનાર કોઈ છે?” પ્રભુએ કહ્યું કે “આર્યરક્ષિત છે.” તે સાંભળીને ઈન્દ્ર ભરતક્ષેત્રમાં આવ્યા. ત્યાં આર્યરક્ષિતસૂરિને વંદના કરીને સૂક્ષ્મ નિગોદનું સ્વરૂપ પૂછ્યું, એટલે સૂરિએ સૂક્ષ્મ નિગોદનું સ્વરૂપ યથાસ્થિત કહી બતાવ્યું. તે સાંભળીને હર્ષ પામેલા ઈન્દ્ર સ્વસ્થાને ગયા. ત્યાર પછી શ્રી આર્યરક્ષિતસ્વામીએ અનુયોગ પૃથક પૃથક સ્થાપન કર્યા અને પ્રાંતે આયુષ્ય પૂર્ણ થતાં અનશન કરીને સ્વર્ગે ગયા.
કામક્રીડા સંબંધી સુખના સ્થાનભૂત એવી નવોઢા સ્ત્રીનો ત્યાગ કરીને નવીન શાસ્ત્રાર્થ ગ્રહણ કરવામાં ઉદ્યમી થયેલા આર્યરક્ષિતસૂરિ દેવેન્દ્રને પણ વંદના કરવા યોગ્ય થયા; માટે બીજા ભવ્ય પ્રાણીઓએ પણ તેવી રીતે વર્તવું.”