________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૧૬૯
પછી અભયમંત્રીની પ્રેરણાથી સર્વ પરિવાર સહિત શ્રેણિક રાજા ગામ બહાર પેલા ચૈત્ય પાસે આવ્યા. ત્યાં સર્વ લોકોને શ્વેત પ્રાસાદમાં જોઈને રાજાએ પૂછ્યું કે, “હે પૌરજનો ! તમે સર્વે શ્વેત પ્રાસાદમાં કેમ પેઠા છો ?” તે સર્વે બોલ્યા કે, “હે મહારાજા ! અમે સર્વે પોતપોતાના કુળક્રમથી આવતા ધર્મનું આચરણ કરનારા હોવાથી ધર્મી છીએ, તેથી આ પ્રાસાદમાં આવ્યા છીએ.” તે સાંભળીને “અહો ! પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, પરસ્ત્રીગમન અને દ્યુત વગેરે સાતે વ્યસનના દોષની ખાણરૂપ આ સર્વ લોકો પોતાને ધર્મવાળા કહે છે. આ પ્રમાણે હોવાથી અભયમંત્રીનું વચન સત્ય થયું.” એમ માનતો રાજા શ્યામ પ્રાસાદમાં ગયો. ત્યાં માત્ર મામા ભાણેજને જોઈને તેમને રાજાએ પૂછ્યું કે, “તમે બે આ ચૈત્યમાં કેમ આવ્યા ?’” તેઓ બોલ્યા કે, “હે સ્વામી ! અમે પહેલાં શ્રી સુધર્માસ્વામીની પાસે માંસ અને મદિરાનો નિયમ લીધો હતો, તે નિયમનો અમે ભંગ કર્યો, તેથી અમે મહાપાપી છીએ; કેમકે ‘વ્રતલોપી મહાપાપી' વ્રતનો લોપ કરનાર મહાપાપી કહેવાય છે; તેથી અમે આ પ્રાસાદમાં આવ્યા છીએ.”
બીજી કોઈ કથામાં એમ કહેલું સંભળાય છે કે – સુદર્શન શ્રેષ્ઠિ કે જેણે રાજગૃહીનગરીના લોકો પર અર્જુનમાળીથી થતાં ઉપસર્ગનું નિવારણ કર્યું હતું તે શ્રેષ્ઠિ પોતાની સ્ત્રી સહિત મનમાં વિચાર કરીને તે શ્યામ ચૈત્યમાં ગયા હતાં અને બીજા સર્વે શ્વેત ચૈત્યમાં ગયા હતા. શ્વેત ચૈત્યમાં ઉપર પ્રમાણે સર્વ લોકોને પૂછીને રાજા શ્રેણિકે શ્યામ ચૈત્યમાં પેસતાં જ સુદર્શન શ્રેષ્ઠિને જોઈ અભયકુમારને પૂછ્યું કે, “જેનું ધર્મીપણું બાળગોપાળ સર્વમાં પ્રસિદ્ધ છે, અને જેના ધર્મની કીર્તિ ત્રણ લોકમાં વિખ્યાત છે, એવા આ શ્રેષ્ઠિ આ પાપપ્રાસાદમાં કેમ પેઠેલા છે ?” મંત્રીએ કહ્યું કે “આપ ત્યાં જઈને તેને પૂછો. જેથી આપના સંશયની નિવૃત્તિ થાય.” તે સાંભળીને રાજા પરિવાર સહિત ત્યાં ગયા. પાલખીમાંથી ઉતરીને તેણે શ્રેષ્ઠિને પૂછ્યું કે - “તમે તો મહાધર્મિષ્ઠ છો, અને આ શ્યામ પ્રાસાદમાં કેમ પેઠા છો ?” શ્રેષ્ઠિ બોલ્યા કે – “હે સ્વામી ! શ્રી મહાવીરસ્વામીએ બતાવેલો શ્રાવક ધર્મ પણ હું યથાવિધિ પાળી શકતો નથી; કેમકે નિરંતર ષટ્કાય જીવની હિંસા થાય છે. માટે હું શી રીતે ધર્મી કહેવાઉં ? ગાડરીયા પ્રવાહની જેમ લોકસંજ્ઞાનો ત્યાગ કરીને જે ધર્મરસિક શ્રાવકો શ્રી મહાવીરના વાક્યને યથાસ્થિત પાળે છે તેઓ જ ખરા ધર્મિષ્ઠ છે, તેમાં પણ સંપૂર્ણ ધર્મરસિક તો મુનિઓ જ છે. કેમકે -
प्राप्तः षष्ठं गुणस्थानं, भवदुर्गाद्रिलंघनम् । लोकसंज्ञारतो न स्यान्मुनिर्लोकोत्तर स्थितिः ॥१॥
ભાવાર્થ :- “લોકોત્તર સ્થિતિવાળા મુનિ ભવરૂપી વિષમ પર્વતને ઉલ્લંઘન કરનારું, સર્વવિરતિરૂપ પ્રમત્ત નામનું છઠ્ઠું ગુણસ્થાનક પામીને લોકસંજ્ઞામાં આસક્ત થતા નથી; અર્થાત્ સર્વ લોકોએ જે કર્યું તે કરવું એમ ગતાનુગતિક ન્યાયમાં આસક્ત થતા નથી - તેમાં આગ્રહી થતા નથી; કેમકે મુનિ લોકની મર્યાદા બહાર રહેલા છે. લોક વિષયમાં ઉત્સુક છે અને મુનિ તો નિષ્કામ