________________
૧૬૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ ભાવાર્થ :- “અથવા રોગમાં, મોહના ઉદયમાં, સ્વજનાદિકના ઉપસર્ગમાં, પ્રાણીની દયામાં, તપમાં અને છેવટ શરીરના ત્યાગમાં એટલા કારણે મુનિ આહારાદિક પ્રહણ કરે નહીં.” તેની વ્યાખ્યા કરે છે -
૧. જવર, અક્ષિરોગ, અજીર્ણ વગેરે વ્યાધિ હોય ત્યારે આહાર લે નહીં. ૨. પુરુષવેદ વગેરે લક્ષણવાળા મોહનો ઉદય થાય ત્યારે અર્થાતુ પ્રબળ વેદોદયાદિ હોય ત્યારે આહાર લે નહીં. ૩. માતા, પિતા, સ્ત્રી વગેરે સ્વજનો અથવા દેવતા વગેરે વ્રતભંગ માટે ઉપદ્રવ કરતા હોય ત્યારે આહાર લે નહીં. ૪. જીવદયા માટે એટલે વર્ષાઋતુમાં ધુંવાડમાં રહેલા અષ્કાય જીવોની રક્ષા માટે અથવા સૂક્ષ્મ દેડકીઓ વગેરે જીવોથી વ્યાપ્ત થયેલી પૃથ્વી હોય ત્યારે તે જીવોની રક્ષા માટે આહાર લે નહીં લેવા નીકળે જ નહીં. ૫. ચતુર્ણાદિક તપ કરવાને માટે આહાર કરે નહીં. તથા ૬. છેવટ મરણ વખતે સંયમ પાળવાને અસમર્થ થયેલા દેહનો ત્યાગ કરવા માટે આહાર લે નહીં.”
ઈત્યાદિ નેમિનાથપ્રભુના મુખથી કહેલી શિક્ષાને ધારણ કરતા ઢંઢાર્ષિ આસક્તિ રહિત થઈને “જે કાંઈ પ્રાસુક અન્ન મળી ગયું તે ખાઈ લીધું” એવી રીતે વિચરવા લાગ્યા.
એકદા તે મુનિને પૂર્વે કરેલા અન્તરાય કર્મનો ઉદય થયો, તેથી તે ભિક્ષાને માટે જ્યાં જાય ત્યાં ત્યાં શુદ્ધ ભિક્ષા પામે નહીં, તેથી તેણે એવો અભિગ્રહ લીધો કે, “આજ પછી જ્યારે હું મારી પોતાની લબ્ધિથી અન્ન પામીશ ત્યારે જ પારણું કરીશ, નહિ તો પારણું નહીં કરું, બીજા મુનિઓએ લાવેલો આહાર હું કરીશ નહીં.” એવો અભિગ્રહ લઈને પ્રભુની સાથે વિહાર કરતા અન્યદા દ્વારકાનગરીમાં આવ્યા. ત્યાં પણ તેવી જ રીતે પોતે વિષ્ણુના પુત્ર છતાં અને જગતગુરુના શિષ્ય છતાં, સ્વર્ગની લક્ષ્મીને પણ જીતનાર એવી સમૃદ્ધિવાળી દ્વારકાનગરીમાં પણ મોટા શ્રીમંતોના ઘરમાં પર્યટન કરતાં ઢંઢણમુનિ પોતાને યોગ્ય કાંઈ પણ આહાર પામ્યા નહીં. એક દિવસ કોઈ બીજા મુનિ ઢંઢણમુનિની સાથે ગોચરી ગયા તો તેને પણ આહાર મળ્યો નહીં. તેથી બીજા મુનિઓએ પ્રભુને પૂછ્યું કે, “હે ભગવાન્ ! આ ઢંઢણઋષિ કયા કર્મને લીધે શ્રાવકના ઘરથી પણ ભિક્ષા પામતા નથી?” ભગવાનું બોલ્યા કે, “તેના પૂર્વભવનું વૃત્તાન્ત સાંભળો -
પૂર્વે ધાન્યપુર નામના ગામમાં પારાસર નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે રાજાનો નિયોગી (અધિકારી) હોવાથી રાજાએ તેને તે ગામમાં પાંચસો સાંતીનો (તેટલા ખેતરનો) અધિકાર આપ્યો હતો. એકદા ખેડૂતોને માટે ભોજન આવ્યું હતું, બળદો માટે ઘાસ આવ્યું હતું અને સર્વે ભૂખ-તરસથી થાકી ગયા હતાં. તો પણ તે પારાસરે તે પાંચસો ખેડૂતોને જમવાની રજા આપી નહીં, અને કહ્યું કે, “મારા ખેતરમાં એક એક ચાસ ખેડીને પછી સર્વ ભોજનાદિક કરો.” તે સાંભળી પરાધીન ખેડૂતોએ તેના કહેવા પ્રમાણે કર્યું. આ વખતે તેને અન્તરાય કર્મ બાંધ્યું. ત્યાંથી મૃત્યુ પામી ઘણા ભવ ભ્રમણ કરીને કાંઈક પુણ્યના પ્રભાવથી અહીં કૃષ્ણના પુત્ર થયા છે, તેણે વૈરાગ્યથી દીક્ષા લીધી છે અને અભિગ્રહ ધારણ કરેલો છે. તે ગોચરી માટે જેવી રીતે જાય છે તેવી જ રીતે પૂર્વના કર્મ કરીને ભિક્ષા વિના જ પાછા આવે છે, પણ