________________
૧૨૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ ભાવાર્થ - “તત્ત્વબોધની પ્રાપ્તિરૂપ સ્પર્શજ્ઞાને કરીને પૂર્ણ છતાં પણ કાર્યસાધનસમયે સ્વકાર્યને અનુકૂળ એવી ક્રિયાની અપેક્ષા રાખે છે, તે માટે જ મુનિ મહારાજ આવશ્યકાદિ ક્રિયા યથોક્ત કાળે કરે છે. કેમકે દીવો પોતે પ્રકાશમાન છતાં પણ તેલ પૂરવા વગેરેની અપેક્ષા રાખે છે. અર્થાત્ સ્વયંપ્રકાશી છતાં તેલ, વાટ, પવનથી રક્ષણ વગેરેની અપેક્ષા રહે છે. ક્રિયા કરવાનું ફળ આ પ્રમાણે કહ્યું છે કે -
गुणवद्बहुमानाद्यैर्नित्यस्मृत्या च सत्क्रिया ।
जातं न पातयेद्भावमजातं जनयेदपि ॥१॥ ભાવાર્થ:- “સંયમાદિક ગુણવાળાનું બહુમાન કરવા વડે, આદિ શબ્દ કરીને પાપની દુર્ગા (નિંદા) કરવા વડે અને અતિચારની આલોચનાદિ કરવા વડે, વળી પૂર્વે ગ્રહણ કરેલા વ્રતનું નિરંતર સ્મરણ કરવા વડે થયેલી જે સત્ ક્રિયા, અર્થાત્ તે તે ગુણયુક્ત થતી શુભ ક્રિયા તે ઉત્પન્ન થયેલા ભાવનો નાશ થવા દેતી નથી અને નહિ ઉત્પન્ન થયેલા શુકુલધ્યાનાદિક ભાવને ઉત્પન્ન કરે છે.” શ્રેણિક રાજાને તથા કૃષ્ણ વાસુદેવ વગેરેને ગુણીના બહુમાનથી, મૃગાવતીને પાપના પશ્ચાત્તાપથી, અતિમુક્તમુનિને અતિચારની આલોચના કરવાથી અને રતિસુંદરીને ધર્મમાં સ્થિરતા રાખવાથી ઈત્યાદિ અનેક કારણોથી અનેક ભવ્યજનોને પરમાનંદપદની પ્રાપ્તિ થઈ છે. અહીં પ્રસંગોચિત રતિસુંદરીની કથા છે તે આ પ્રમાણે -
રતિસુંદરીની કથા સાકેતપુરમાં જીતશત્રુ રાજાને રતિસુંદરી નામે પુત્રી હતી. તે જ નગરમાં શ્રેષ્ઠિની પુત્રી ઋદ્ધિસુંદરી, મંત્રીની પુત્રી બુદ્ધિસુંદરી અને પુરોહિતની પુત્રી ગુણસુંદરી નામે હતી. એ ચારે સખીઓ સુંદર રૂપવાળી હતી. શ્રાવક ધર્મ પાળનારી હતી. પરસ્પર પ્રેમવાળી હતી અને દેવગુરુના સ્થળમાં (દરાસરે ને ઉપાશ્રયમાં) એકઠી મળીને ધર્મગોષ્ઠી કરતી હતી. તેઓએ ધર્મક્રિયા કરતાં પરપુરુષનો નિયમ લીધેલો હતો.
હવે નંદપુરનો રાજા ચાર સખીઓ પૈકી રાજપુત્રી રતિસુંદરીને પરણ્યો. તેનું રૂપ અને લાવણ્ય સર્વત્ર શ્લાઘા પામ્યું. તેથી હસ્તિનાપુરના રાજાએ એક દિવસ દૂત મોકલીને રતિસુંદરીની માગણી કરી. તે સાંભળીને નંદપુરના રાજાએ દૂતને કહ્યું કે “એક સામાન્ય માણસ પણ પોતાની પત્નીને આપતો નથી તો હું શી રીતે મારી પત્નીને આપીશ? માટે તું તારે સ્થાને પાછો ચાલ્યો જા.” તે સાંભળીને દૂતે જઈને પોતાના રાજાને સર્વ વાત કહી. તેથી રાજાએ નંદપુર પર ચડાઈ કરી. બન્ને રાજાનું યુદ્ધ થતાં હસ્તિનાપુરના રાજાનો જય થયો.
રતિસુંદરીને બળાત્કારથી લઈને પોતાના પુરમાં આવ્યો. પછી તેણે રતિસુંદરીને પ્રાર્થના કરી, ત્યારે તે બોલી કે, “મારે ચાર માસ સુધી શીલવ્રત પાળવાનો નિયમ છે.” તે સાંભળીને રાજાએ વિચાર્યું કે “ચાર માસ પછી પણ તે મારે જ આધીન છે. ક્યાં જવાની છે?” એમ વિચારી