________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
ચંપાનગરીમાં જિતશત્રુ રાજાને શ્રમણભદ્ર નામે પુત્ર હતો. તેણે એક દિવસ ધર્મઘોષ નામના ગુરુમહારાજ પાસે ધર્મોપદેશ સાંભળ્યો કે -
यथा योधैः कृतं युद्धं, स्वामिन्येवोपचर्यते ।
शुद्धात्मन्यविवेकेन, कर्मस्कन्धोर्जितं तथा ॥१॥ ભાવાર્થ - જેમ સુભટોએ કરેલું યુદ્ધ રાજાને વિષે ઉપચાર કરાય છે, એટલે યુદ્ધનું જયપરાજયરૂપી ફળ રાજામાં આરોપણ કરાય છે – આ રાજા જીત્યો ને આ રાજા હાર્યો એમ કહેવાય છે, તેમ અવિવેક અને અસંયમે કરીને બંધાયેલા કર્મસ્કંધોના સામ્રાજ્યનો આરોપ પણ શુદ્ધ આત્માને વિષે જ કરાય છે.”
ઈત્યાદિ ધર્મોપદેશ સાંભળીને કામભોગથી વિરક્ત થયેલા તે મહાત્માએ દીક્ષા ગ્રહણ કરી. ગુરુની કૃપાથી તે શ્રમણભદ્ર મુનિ શ્રુતસાગરનો પાર પામ્યા અને ગુરુની આજ્ઞાથી એકલવિહાર પ્રતિમા અંગીકાર કરી. અન્યદા તે મુનિ નીચી ભૂમિવાળા પ્રદેશોમાં વિહાર કરતાં શરદઋતુને સમયે કોઈ મોટા અરણ્યમાં રાત્રીને વિષે પ્રતિમા ધારણ કરીને રહ્યા. ત્યાં સોયની જેવા તીક્ષ્ણ મુખવાળા હજારો ડાંસો તે મુનિના કોમળ શરીર ઉપર લાગીને તેમનું લોહી પીવા લાગ્યા. ડંખવામાં તત્પર એવા નિરંતર વળગી રહેલા તે ડાંસોએ કરીને સુવર્ણના વર્ણ જેવા તે મુનિ જાણે લોહના વર્ણ જેવા હોય તેમ શ્યામવર્ણ થઈ ગયા. તે ડાંસોના ડંખથી મુનિના શરીરમાં મહાવેદના થતી હતી. તો પણ ક્ષમાધારી તે મુનિ તેને સહન કરતા હતા અને ડાંસોને ઉડાડતા પણ નહોતા. ઉલટો તે એવો વિચાર કરતા હતા કે “આ વ્યથા મારે શી ગણત્રીમાં છે? આથી અનન્તગણી વેદના નરકમાં મેં અનન્તીવાર સહન કરી છે. કેમકે –
परमाधार्मिकोत्पन्ना, मिथोजाः क्षेत्रजास्तथा ।
नारकाणां व्यथा वक्तुं, पार्यते ज्ञानिनापि न ॥१॥ ભાવાર્થ :- “નારકીઓની પરમાધાર્મિક ઉત્પન્ન કરેલી પરસ્પરની કરેલી તથા ક્ષેત્રથી ઉત્પન્ન થયેલી વ્યથાનું સંપૂર્ણ વર્ણન કરવાને જ્ઞાનીઓ પણ સમર્થ નથી.” વળી
अन्यद्वपुरिदं जीवाज्जीवश्चान्यः शरीरतः ।
जानन्नपीति को दक्षः, करोति ममतां तनौ ॥२॥ ભાવાર્થ :- આ શરીર જીવથી ભિન્ન છે અને આ જીવ શરીરથી જુદો છે. એ પ્રમાણે જાણતા છતાં પણ કયો ડાહ્યો માણસ શરીર પર મમતા કરે ?”
“દેહ એ પુદ્ગલનો પિંડ છે અને તે અનિત્ય છે. જીવ અમૂર્ત અને અચળ (નિત્ય) છે.