________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
समाधिनन्दनं धैर्य, दंभोलिः समता शची ।
ज्ञान महाविमानं च, वासवश्रीरियं मुनेः ॥२॥ ભાવાર્થ:- “મુનિને ક્રીડા કરવા માટે સમાધિરૂપ નંદનવન છે, વૈર્યરૂપી વજ છે, સમતારૂપી ઈન્દ્રાણી છે અને જ્ઞાનરૂપી મોટું વિમાન છે, માટે મુનિ પાસે આ પ્રમાણે ઈન્દ્રની સર્વ સમૃદ્ધિ છે.”
અહીં મુનિ એટલે આત્મસ્વરૂપના જ્ઞાનના અનુભવમાં લીન થયેલાને ઉપર પ્રમાણે ઈન્દ્રની શોભા હોય છે. તેમાં ધ્યાતા, ધ્યાન અને ધ્યેયના એકપણાએ કરીને નિર્વિકલ્પ આનંદરૂપ સમાધિને નંદનવન કહેલું છે. ઈન્દ્રને નંદનવન ક્રીડાના સુખને માટે છે, તેવી જ રીતે મુનિને પણ સમાધિ ક્રીડા સુખને માટે છે. ધૈર્ય એટલે આત્મવીર્ય અર્થાત્ ઔદયિકભાવમાં અક્ષુબ્ધતા તદ્રુપ વજ કહેલું છે. સમતારૂપી સ્વધર્મપત્ની (ઈન્દ્રાણી) કહી છે અને સર્વ વસ્તુના અવબોધવાળું જ્ઞાન તદ્રુપ મહાવિમાન કહેલું છે. ઈત્યાદિ ઋદ્ધિથી પરિવૃત્ત મુનિ ઈન્દ્ર જેવા જ લાગે છે. વળી -
विस्तारितक्रियाज्ञान-चर्मछत्रो निवारयन् ।
मोहम्लेच्छमहावृष्टिं, चक्रवर्ती न किं मुनिः ॥३॥ ભાવાર્થ :- “ક્રિયારૂપી ચર્મરત્નને અને જ્ઞાનરૂપી છત્રરત્નને જેણે વિસ્તાર્યું છે, અને તે સાધન વડે મોહરૂપી સ્વેચ્છાએ કરેલી મહા વૃષ્ટિનું નિવારણ કરે છે, એવા મુનિ શું ચક્રવર્તી નથી ? છે જ.”
આ બે શ્લોકનું તાત્પર્ય એવું છે કે “દેવોમાં ઈન્દ્ર શ્રેષ્ઠ છે અને મનુષ્યોમાં ચક્રવર્તી શ્રેષ્ઠ છે. તે બન્નેની સમૃદ્ધિનું સુખ મુનિના સ્વભાવમાં જ અન્તર્ભાવ પામ્યું છે, તો બીજાના સુખનું તો શું કહેવું?” વળી તીર્થંકરની સમૃદ્ધિનું સુખ પણ મુનિના આત્મસ્વભાવમાં સમાયેલું છે. તે આ પ્રમાણે -
रत्नस्त्रिभिः पवित्रा या, श्रोतोभिरिव जाह्नवी ।
सिद्धयोगस्य साप्यर्हत्पदवी न दवीयसी ॥१॥ ભાવાર્થ:- “સ્વર્ગ, મૃત્યુ અને પાતાલના ત્રણ પ્રવાહે કરીને ગંગાનદીની જેમ ત્રણ રસ્તે કરીને પવિત્ર એવી જે જ્ઞાનાદિ અનંત ચતુષ્ટયવાળી, આઠ પ્રાતિહાર્યથી યુક્ત અને જગતને ધર્મોપદેશ વડે ઉપકાર કરનારી તીર્થંકરની પદવી, તે પણ અષ્ટાંગ યોગના સાધનથી સિદ્ધ થયેલા મુનિને કાંઈ જ દૂર નથી; અર્થાત્ ત્રિલોકમાં અદ્ભુત પરમાર્થને આપવા વગેરે રૂપ અતિશયવાળી તીર્થકરની સમૃદ્ધિ પણ યથાર્થ માર્ગમાં રહેલા સાધક પુરુષની પાસે જ છે.”
| માટે સર્વ ઉપાધિનો ત્યાગ કરીને આત્માના રત્નત્રયની સાધના કરવી, “જેથી સર્વ સમૃદ્ધિઓ પ્રાપ્ત થાય, ઈત્યાદિ ધર્મોપદેશ સાંભળીને પ્રતિબોધ પામેલા ભૂમિપાળ રાજાએ સર્વ બાહ્ય સંપત્તિઓને ક્ષણભંગુર જાણી, તેનો ત્યાગ કરીને સાધુધર્મ (ચારિત્ર) અંગીકાર કર્યો.