________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૧૫૧ મારે કષાય રંગવાળા વસ્ત્ર હો. આ મુનિઓ બહુ જીવોની હિંસાવાળા સચિત્ત જળના આરંભને તજે છે, પણ મારે તો સ્નાન તથા પાન પરિમિત જળથી હો.” આ પ્રમાણે ચારિત્રનો નિર્વાહ કરવા સંબંધી કષ્ટ સહન કરવામાં કાયર થયેલા મરિચિએ પોતાની બુદ્ધિથી વિકલ્પ કરીને પરિવ્રાજકનો નવો વેષ અંગીકાર કર્યો.
તેને તેવો નવીન વેષધારી જોઈને સર્વ લોક ધર્મ પૂછતા હતાં, પરંતુ મરિચિ તો શ્રી જિનેશ્વરે પ્રરૂપેલો સાધુધર્મ જ કહેતો હતો. સર્વની પાસે જ્યારે તે એવી શુદ્ધ ધર્મદેશનાનું પ્રરૂપણ કરતો, ત્યારે લોકો તેને પૂછતા કે, “ત્યારે તમે પોતે કેમ તેવા ધર્મનું આચરણ કરતા નથી?” તેના જવાબમાં તે કહેતો કે, “હું તે મેરુ સમાન ભારવાળા ચારિત્રને વહન કરવા સમર્થ નથી. એમ કહીને પોતાના સર્વ વિકલ્પ કહી બતાવતો હતો. એ પ્રમાણે તેમના સંશય દૂર કરીને પ્રતિબોધ પમાડેલા તે ભવ્ય જીવો જ્યારે દીક્ષા લેવા તૈયાર થતા, ત્યારે તેમને મરિચિ શ્રી યુગાદીશ પાસે જ મોકલતો હતો. આ પ્રમાણે આચાર પાળતો મરિચિ સ્વામીની સાથે જ વિહાર કરતો હતો, અનુક્રમે વિહાર કરતાં સ્વામી ફરીથી વિનિતાનગરીમાં સમવસર્યા.
ભરતચક્રીએ આવીને પ્રભુને વંદના કરી. પછી ભવિષ્યમાં થવાના તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ વગેરેનું સ્વરૂપ પૂછ્યું, એટલે પ્રભુએ તે સર્વનું વર્ણન યથાસ્થિત કર્યું, ફરીથી ચક્રીએ પૂછ્યું કે, “હે સ્વામી ! આ પર્ષદામાં એવો કોઈ જીવ છે કે જે આ ભરતક્ષેત્રમાં આપની જેવો તીર્થંકર થવાનો હોય?” સ્વામી બોલ્યા કે, “આ તારો પુત્ર મરિચિ આ ભરતક્ષેત્રમાં વીર નામે ચોવીસમા તીર્થંકર થશે અને પ્રથમ વાસુદેવ થશે તથા મહાવિદેહક્ષેત્રમાં ચક્રવર્તી થશે.” તે સાંભળીને ભરતચક્રી મરિચિ પાસે જઈ તેને પ્રદક્ષિણાપૂર્વક વંદના કરીને બોલ્યા કે, “તમારું આ પરિવ્રાજકપણું વંદન કરવા યોગ્ય નથી, પણ તમે ભાવિ તીર્થંકર છો, તેથી હું તમને વાંદું છું.” એમ કહીને પ્રભુએ કહેલું સર્વ વૃત્તાંત ચક્રીએ મરિચિને કહી બતાવ્યું. તે સાંભળીને મરિચિ મહા હર્ષથી પોતાની કાખલીનું ત્રણ વાર આસ્ફોટન કરીને ઊંચે સ્વરે બોલ્યો કે, “હું પહેલો વાસુદેવ થઈશ. મૂકાનગરીમાં હું ચક્રવર્તી થઈશ. તથા છેલ્લો તીર્થંકર પણ હું થઈશ. તેથી હવે મારે બીજી કાંઈ પણ ઈચ્છા નથી.” વળી
आद्योऽहं वासुदेवानां, पिता मे चक्रवर्तिनाम् ।
पितामहस्तीर्थकृता-महो मे कुलमुत्तमम् ॥१॥ ભાવાર્થ :- “હું વાસુદેવોમાં પહેલો. મારા પિતા ચક્રવર્તીઓમાં પહેલા, અને મારા પિતામહ તીર્થંકરોમાં પહેલા, અહો ! મારું કુળ કેવું ઉત્તમ છે?” ઈત્યાદિ આત્મપ્રશંસા કરવાથી તેણે નીચ ગોત્રકર્મ ઉપાર્જન કર્યું.
એકદા તે મરિચિના શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થયો. તેની સારવાર કોઈ સાધુએ કરી નહીં, તેથી તે ગ્લાનિ પામીને વિચાર કરવા લાગ્યો કે, “અહો ! આ સાધુઓ દાક્ષિણ્યગુણથી રહિત છે.
ઉ.ભા.-૫-૧૧