________________
૧૫૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ તો પણ આત્માની પ્રશંસા કરવાથી સર્યું. કેમકે વાણી વડે માત્ર આત્માની શ્લાઘા કરવાથી શું? શુદ્ધ ગુણો પોતાની જાતે જ પ્રગટ થાય છે.”
आलंबिता हिताय स्युः, परैः स्वगुणरश्मयः ।
अहो स्वयं गृहीतास्तु, पातयन्ति भवोदधौ ॥२॥ ભાવાર્થ:- “અન્ય જનોએ પોતાના ગુણરૂપ રજુનું આલંબન કર્યું હોય તો તે કલ્યાણને માટે થાય છે, પણ તે ગુણરૂપી રજુનું પોતે જ ગ્રહણ કર્યું હોય તો તે ભવસમુદ્રમાં નાંખે છે, તે મોટું આશ્ચર્ય છે.”
પોતાના ગુણનું અન્ય જનો સ્મરણ ચિંતન વગેરે કરે તો તેમનું કલ્યાણ થાય છે અને પોતાને સુખને માટે થાય છે, પણ પોતે જ પોતાના ગુણની શ્લાઘા કરે તો તે ઉલટા ભવસાગરમાં નાંખે છે, માટે પોતાના ગુણની શ્લાઘા કદિ પણ પોતે કરવી નહીં. આ પ્રસંગ ઉપર મરિચિકુમારની કથા છે તે આ પ્રમાણે -
મરિચિકુમારની કથા ભરત ચક્રવર્તીનો પુત્ર મરિચિકુમાર એક વખત ચક્રીની સાથે આદીશ્વર ભગવાનને વંદન કરવા ગયો. ત્યાં શ્રી ઋષભસ્વામીના મુખથી સ્યાદ્વાદ ધર્મનું શ્રવણ કરી પ્રતિબોધ પામીને તેણે દીક્ષા ગ્રહણ કરી. સ્થવિર મુનિઓની પાસે રહીને અગિયાર અંગ ભણ્યા અને સ્વામીની સાથે ચિરકાળ વિહાર કર્યો.
એકદા ગ્રીષ્મઋતુના તાપથી પીડા પામેલા મરિચિમુનિ ચારિત્રાવરણ કર્મનો ઉદય થવાથી આ પ્રમાણે વિચારવા લાગ્યા કે “મેરુપર્વત જેટલા ભારવાળા અને વહન ન થઈ શકે તેવા મુનિના ગુણોને વહન કરવા સુખની આકાંક્ષાવાળો હું નિર્ગુણી હવે સમર્થ નથી, તો શું હવે હું લીધેલા વ્રતનો ત્યાગ કરું? ના, ત્યાગ કરવાથી તો લોકમાં મારી હાંસી થાય, પરંતુ વ્રતનો સર્વથા ભંગ ન થાય અને મને ક્લેશ પણ ન થાય તેવો એક ઉપાય મને સુયો છે, તે એ કે આ પૂજ્ય મુનિવરો હમેશાં મન, વચન અને કાયાના ત્રણે દંડથી રહિત છે, પણ હું તો તે ત્રણે દંડથી પરાભવ પામેલો છું, માટે મારે ત્રિદંડનું ચિહ્ન હો. આ મુનિઓ જિતેન્દ્રિય હોવાથી કેશનો લોચ કરે છે અને હું તેથી જીતાયેલો હોવાથી મારે અસાથી મુંડન હો, તથા મસ્તક પર શિખા હો. આ મુનિઓ મહાવ્રતને ધારણ કરનારા છે અને હું તો અણુવ્રતને ધારણ કરવા સમર્થ છું. આ મુનિઓ સર્વથા પરિગ્રહથી રહિત છે, પણ મારે તો એક મુદ્રિકામાત્ર પરિગ્રહ હો. આ મુનિઓ મોહના ઢાંકણ રહિત છે અને હું તો મોહથી આચ્છાદિત છું. તેથી મારે માથે છત્ર ધારણ કરવાપણું હો. આ મહાત્રઋષિઓ પગમાં ઉપાન પહેર્યા વિના વિચરે છે, પણ મારે તો પગની રક્ષા માટે ઉપાનહ હો. આ મુનિઓ શીલ વડે જ સુગંધી છે, પણ હું શીલથી ભ્રષ્ટ હોવાથી મારે દુર્ગધીને સુગંધ માટે ચંદનના તિલકદિ હો. આ મુનિઓ કષાયરહિત હોવાથી શ્વેત વસ્ત્ર ધારણ કરે છે, પણ હું ક્રોધાદિક કષાયવાળો હોવાથી