________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૧૫૩
તત્ત્વદૃષ્ટિ તો નિરૂપ (રૂપરહિત) આત્માને વિષે જ મગ્ન થાય છે; માટે અનાદિકાળથી બાહ્ય દૃષ્ટિનો ત્યાગ કરીને આત્મસ્વરૂપના ઉપયોગવાળી આન્તરદૃષ્ટિ કરવી.”
ग्रामारामादि मोहाय यद्दृष्टं बाह्यया दृशा । तत्त्वदृष्टया तदेवान्त - र्नित्यं वैराग्यसंपदे ॥२॥
ભાવાર્થ :- “બાહ્ય દૃષ્ટિ વડે જે ગામ, ઉદ્યાન વગેરે જોવામાં આવે તે મોહને માટે થાય છે, એટલે અસંયમની વૃદ્ધિ માટે થાય છે તે જ ગ્રામાદિકને સ્વપરના ભેદવાળી-કૃત્રિમ અને અકૃત્રિમના વિચારવાળી તત્ત્વદૃષ્ટિ વડે અન્તઃકરણના ઉપયોગથી જોવામાં આવે તો તે નિરંતર વૈરાગ્યની સંપત્તિને માટે થાય છે.” આ પ્રસંગ ઉપર એક દૃષ્ટાંત છે તે આ પ્રમાણે -
એક આચાર્યનું દૃષ્ટાંત
જ્ઞાન અને ચારિત્ર વડે પ્રધાન, શ્રુતના રહસ્યનો પાર પામેલા અને ભવ્ય જીવોને તારવામાં સમર્થ એવા કોઈ એક આચાર્ય અનેક સાધુગણ સહિત ગામે ગામ વિહાર કરીને વાચનાએ કરી (ઉપદેશ આપવા વડે) સર્વ શ્રમણસંઘને બોધ કરતા હતાં. તે આચાર્ય પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત હતાં અને સર્વ સંયોગમાં અનિત્યાદિક બાર ભાવના ભાવતા હતાં. તે વિહારના ક્રમે કરીને એકદા એક મોટા વનમાં આવ્યા. તે વન અનેક લતા વગેરેએ કરીને નીલવર્ણ લાગતું હતું અને તેમાં અનેક પક્ષીઓનો સમૂહે નિવાસ કરેલો હતો. તે વનની પુષ્પ, પત્ર અને ફળની લક્ષ્મી (શોભા) જોઈને સર્વ મુનિઓ પ્રત્યે આચાર્ય બોલ્યા કે, “હે નિગ્રંથો ! આ પત્ર, પુષ્પ, ગુચ્છ, ગુલ્મ અને ફળોને જુઓ, તેમાં રહેલા જીવો ચૈતન્યલક્ષણરૂપ અનન્ત શક્તિવાળા છતાં તેને આવરણ કરીને રહેલા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, ચારિત્રમોહની, મિથ્યાત્વમોહની અને અંતરાયકર્મને ઉદયે કરીને દાનાદિક કાંઈ પણ ન થઈ શકે તેવા એકેન્દ્રિય ભવને પામેલા છે. તેઓ વાયુથી કંપતા, બળહીન, દુ:ખી આત્માને કોઈપણ પ્રકારના શરણ વિનાના અને જન્મ-મરણના ભાવથી યુક્ત છે, અહો ! તેઓ અનુકંપા ક૨વા યોગ્ય છે. મન, વચન અને નેત્રાદિથી રહિત એવા આ બિચારા પર કોણ દયા ન કરે ?” એમ કહી સર્વના મનમાં સંવેગ ઉત્પન્ન કરીને આગળ
ચાલ્યા.
તેવામાં એક મોટું નગર આવ્યું. તે નગરમાં અનેક પ્રકારના ગીત અને વાજિંત્રોના શબ્દથી વિવાહાદિક ઉત્સવો થતા પ્રગટ રીતે દેખાતા હતા, તેથી સ્વર્ગના જેવું તે મનોહર લાગતું હતું. તે નગરને જોઈને સૂરિએ સર્વ સાધુઓને કહ્યું કે, “હે મુનિઓ ! આજે આ નગરમાં મોહ રાજાની ધાડ પડી છે, તેથી આ લોકો ઉછળ્યા કરે છે, તેઓ આત્મિક ભયે કરીને વ્યાપ્ત છે, અહીં પ્રવેશ ક૨વો આપણને યોગ્ય નથી. આ લોકો લોભપાશથી બંધાયેલા છે, માટે તેઓ અનુકંપાને યોગ્ય છે, પરંતુ તેઓ મોહ-મદિરાનું પાન કરીને ઉન્મત્ત થયેલા હોવાથી ઉપદેશને યોગ્ય નથી, માટે આપણે આગળ ચાલો.” તે સાંભળીને સાધુ બોલ્યા કે, ‘‘હે ગુરુ ! આપે અમને સારો ઉપદેશ