________________
૧૪૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥१॥
ભાવાર્થ ઃ- “મારે વીરસ્વામીના પર પક્ષપાત નથી, તેમ જ કપિલાદિક (અન્ય ધર્મીઓ) ઉપર દ્વેષ નથી, પણ જેનું વચન યુક્તિવાળું હોય તેનું જ વચન ગ્રહણ કરવા લાયક છે.” એવો મારો નિશ્ચય છે.
न श्रद्धयैव त्वयि पक्षपातो, न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तत्वपरीक्षया तु, त्वमेव वीरं प्रभुमाश्रयामः ॥२॥
ભાવાર્થ :- “હે વીરસ્વામી ! માત્ર શ્રદ્ધાએ કરીને જ તમારે વિષે મારો પક્ષપાત છે એમ નથી, તેમજ માત્ર દ્વેષથી જ બીજાઓ પર અરુચિ છે એમ પણ નથી, પરંતુ યથાસ્થિત આપ્તપણાની પરીક્ષાએ કરીને જ તમને (વીર ભગવાનને) અમે આશ્રયે છીએ-તમારો આશ્રય કરીએ છીએ.”
ઈત્યાદિ ગુરુના મુખથી ધર્મદેશના સાંભળીને અર્હન્મિત્રે સ્વદારાસંતોષરૂપ નિયમ ગ્રહણ કર્યો. હવે તેના મોટા ભાઈની વહુ તે દિયર પર આસક્ત થઈને હાવભાવ કટાક્ષપૂર્વક મધુર વાણીથી તેને નિરંતર અનુકૂળ ઉપસર્ગ કરવા લાગી, પરંતુ અર્હન્મિત્ર તેના પર કિંચિત્ પણ આસક્ત થયો નહીં, આ પ્રમાણેનું સ્ત્રી ચરિત્ર જોઈને પોતાના વ્રતના રક્ષણ માટે તેણે પાંચ મહાવ્રત ઉચ્ચરી દીક્ષા ગ્રહણ કરી. તેના પર આસક્ત થયેલી તે મોટા ભાઈની વહુ મરીને કૂતરી થઈ. એકદા અહન્મિત્રમુનિ વિહાર કરતા કરતા તે કૂતરી હતી ત્યાં આવ્યા. તેને જોઈને તે કૂતરીએ તેને પતિની જેમ આલિંગન કર્યું. તે જોઈ લજ્જાથી મુનિ નાસી ગયા. તે કૂતરી પણ મરીને મોટા અરણ્યમાં વાનરી થઈ. ભવિતવ્યતાના યોગથી તે અરણ્યમાં તે મુનિ આવી ચડ્યા. તેને જોઈને તે વાનરી પ્રથમની જેમ જ રાગથી તેને આલિંગન કરવા લાગી. તે જોઈ બીજા સાધુ તે મુનિની વાનરીપતિ કહીને મશ્કરી કરવા લાગ્યા. તે સાંભળીને લજ્જાથી ક્રોધયુક્ત થઈને મુનિ ત્યાંથી નાસી ગયા.
તે વાનરી મરીને યક્ષિણી થઈ. તે મુનિને જોઈને તેને જાતિસ્મરણ થયું. તેથી તેણે વિચાર્યું કે “આ મુનિની મેં ઘણા ભવથી વાંછા કરી છે, પણ તે હજુ મને ઈચ્છતા નથી, તેથી આજે તો હું તેને આલિંગન કરું.” એમ વિચારીને તેણે મુનિને આલિંગન કર્યું. તે જોઈને મુનિ ત્યાંથી નાઠા. માર્ગમાં નદીને ઓળંગવા માટે તે મુનિ જળમાં પ્રવેશ કરતા હતાં, તેવામાં તે યક્ષિણીએ તે મુનિનો એક પગ છેદી નાખ્યો. તે જોઈને શાસનદેવીએ તે યક્ષિણીને તાડના કરી કહ્યું કે, “હે પાપિણી ! તું આ મુનિનો પરાભવ કરે છે તે યોગ્ય નથી. તારો પૂર્વભવ સાંભળ.” એમ કહી તેને તેનો
૧. સામાન્ય વ્યંતરીઓનું અવધિજ્ઞાન બહુ અલ્પ હોય છે, તેથી તેના વડે તે ઓળખી કે જાણી શકતી નથી પણ જાતિસ્મરણ થવાથી જાણી શકે છે.