________________
૧૩૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
भृत्यानां युज्यते दोषे, स्वयं ज्ञाते विचारणा ।
स्वामिज्ञाते प्रतीकारो युज्यते न विचारणा ॥१॥
"
ભાવાર્થ :- “ભૃત્યનો દોષ પોતે જાણ્યો હોય તો તેમાં વિચાર કરવો યોગ્ય છે, પણ ભૃત્યનો દોષ સ્વામીએ જાણ્યો હોય તો તેનો પ્રતિકાર જ યોગ્ય છે, તેમાં વિચાર કરવો યોગ્ય નથી.’
પછી રાજાની આજ્ઞાથી શ્રીયકે પિતાનું સર્વ મૃતકાર્ય કર્યું. પછી નન્દરાજાએ શ્રીયકને કહ્યું કે “રાજ્યના સર્વ કાર્યભાર સહિત આ મંત્રીપણાની મુદ્રા ગ્રહણ કર.” શ્રીયક બોલ્યો કે “હે પૂજ્ય! પિતા તુલ્ય મારો મોટો ભાઈ સ્થૂલભદ્ર નામે છે, તે કોશા વેશ્યાને ઘેર પિતાની કૃપાથી નિર્બાધપણે ભોગવિલાસ ભોગવે છે, તેને બાર વર્ષ વ્યતીત થઈ ગયા છે, માટે તે મારો મોટો ભાઈ પિતાના સ્થાનને યોગ્ય છે.” તે સાંભળી રાજાએ સ્થૂલભદ્રને બોલાવીને મંત્રીપદ ગ્રહણ કરવા કહ્યું. ત્યારે સ્થૂલભદ્ર બોલ્યો કે “હે સ્વામી ! હું વિચાર કરીને તે અંગીકાર કરીશ.” રાજાએ કહ્યું કે “હમણા જ વિચાર કરી લે.” તે સાંભળીને સ્થૂલભદ્ર અશોક વાડીમાં જઈ વિચાર કરવા લાગ્યો કે “રાજ્યનો કારભાર કરનારા મારા પિતાનો ચપળ કર્ણવાળા રાજાએ અકાળ મૃત્યુથી નાશ કર્યો. માટે રાજ્યના અધિકારીઓને સુખ ક્યાંથી હોય ?” કહ્યું છે કે -
त्यक्त्वा सर्वमपि स्वार्थं, राजार्थं कुर्वतामपि । उपद्रवन्ति पिशुना, उबद्धानामिव द्विकाः ॥१ ॥
ભાવાર્થ ઃ- “સર્વ સ્વાર્થનો ત્યાગ કરીને રાજાનું જ કાર્ય ક૨ના૨ ભૃત્યોને પણ ઊંચે બાંધેલા (શબ)ને જેમ કાગડાઓ ઉપદ્રવ કરે તેમ પિશુનો (ચાડિયાઓ) ઉપદ્રવ કરે છે.”
यथा स्वदेहद्रविण - व्ययेनापि प्रयत्यते ।
राजार्थे तद्वदात्मार्थे, यत्यते किं न धीमता ॥२॥
ભાવાર્થ :- “જેમ લોકો રાજાને માટે પોતાના દેહ અને ધનનો વ્યય કરીને પણ યત્ન કરે છે, તેમ બુદ્ધિમાન લોકો આત્માને માટે કેમ યત્ન નથી કરતા ?”
આ પ્રમાણે વૈરાગ્યની ભાવના ભાવતાં સ્થૂલભદ્રે પોતાના કેશનો લોચ કરી રત્નકંબલની દશીયોનું રજોહરણ (ઓઘો) બનાવી સભામાં આવી રાજાને કહ્યું કે “મેં તો આ પ્રમાણે વિચાર્યું તમને ધર્મલાભ હો.” એમ કહી તે તત્કાળ રાજભુવનમાંથી બહાર નીકળ્યા. તે જોઈને “શું આ કપટ કરી વેશ્યાને ઘેર પાછો જાય છે ?” એવા અવિશ્વાસથી રાજા પોતાના ગવાક્ષમાંથી તે બાજુ જોઈ રહ્યો. પણ સ્થૂલભદ્ર તો કોહી ગયેલા શબની દુર્ગન્ધથી જેમ નાક મરડીને ચાલે તેમ તે વેશ્યાના ઘર તરફ મુખ મરડીને ચાલ્યા ગયા. તે જોઈને રાજાએ વિચાર્યું કે “અહો ! આ તો પૂજ્ય વીતરાગ જેવા છે, તેને માટે મારા કરેલા ખોટા વિચારને ધિક્કાર હો !” એમ તે આત્મનિંદા કરવા લાગ્યો.