________________
૧૩૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
નથી, તેવી રીતે સંસારના સ્વરૂપને-ભવના ઉન્માદને જાણનાર મુનિ સમસ્ત પરભાવનો ત્યાગ કરીને અનન્ત ગુણરૂપ આત્મસ્વરૂપમાં જ તૃપ્ત રહે છે. સંસારનું સ્વરૂપ અસાર છે, નિષ્ફળ છે, અભોગ્ય છે (ભોગવવાને અયોગ્ય છે), તુચ્છ છે ઈત્યાદિ જાણીને મુનિ આત્મસ્વરૂપમાં જ મગ્ન રહે છે.”
આ પ્રમાણે ગુરુના મુખથી અધ્યાત્મ સ્વરૂપ સાંભળીને પ્રતિબોધ પામેલા કુરુદત્તે દીક્ષા ગ્રહણ કરી. પછી શ્રુતનો અભ્યાસ કર્યો અને એકલવિહાર પ્રતિમા અંગીકાર કરી, અર્થાત્ એકલા વિચરવા લાગ્યા. તે વિહાર કરતાં કરતાં એકદા સાકેતનગરીની પાસે ચોથી પોરસીએ મંદરાચળના જેવી ધીરતા ધારણ કરીને કાયોત્સર્ગે રહ્યા. તે સમયે કેટલાએક ચોરો કોઈ ગામમાં ગાયોનું ધણ હરીને તે મુનિની પાસે થઈને ચાલ્યા ગયાં. કેટલીકવારે તેમની પાછળ ગાયોની શોધ કરનારા નીકળ્યા. તેઓ પણ તે મુનિની નજીક આવ્યા. ત્યાં બે માર્ગ જોઈને તેઓએ મુનિને પૂછ્યું કે, “હે સાધુ! ગાયોનું હરણ કરનાર તે ચોરો કયે રસ્તે ગયા?” તે સાંભળ્યા છતાં પણ મુનિએ તેમને કાંઈ જવાબ આપ્યો નહીં. કહ્યું છે કે, “એકેન્દ્રિય જીવોને પણ વાણીના અનુચ્ચાર રૂપ મૌન તો સુલભ છે, સુપ્રાપ્ય છે, પણ તે મૌન મોક્ષસાધક નથી, પરંતુ રમ્યારણ્ય પુગલોને વિષે પ્રવૃત્તિ નહિ કરવારૂપ જે મૌન તે જ ઉત્તમ છે, પ્રશસ્ય છે.” તેવા ઉત્તમ મૌનને ધારણ કરનાર અને આત્મસ્વરૂપમાં જ લીન થયેલા તે કુરુદત્ત મુનિ સત્ય છતાં પણ સાવદ્ય વાક્ય શી રીતે બોલે? કહ્યું છે કે “ સત્યમ માત, પરપીડા વવ:” સત્ય છતાં પણ પરને પીડા કરનારું વચન બોલવું નહીં.
મુનિએ કાંઈ પણ જવાબ આપ્યો નહીં, તેથી ક્રોધથી વિઠ્ઠલ થયેલા તે દુષ્ટ લોકોએ જળથી આર્ટ થયેલી માટી લઈને તે મુનિના મસ્તક ઉપર પાળ બાંધી અને તેમાં ચિતાના બળતા અંગારા નાંખીને ત્યાંથી જતા રહ્યાં. તે અંગારાથી મુનિનું મસ્તક બળવા લાગ્યું, તો પણ મુનિ તો એવો જ વિચાર કરવા લાગ્યા કે, “હે જીવ! તારા ક્લેવરને ઉત્પન્ન થતા આ દુઃખને તું સહન કર, કેમકે સ્વવશપણે દુઃખ સહન કરવું તે જ દુર્લભ છે, બાકી પરવશપણે તો તેં ઘણું દુઃખ સહન કર્યું છે ને કરીશ, પણ તેમાં કાંઈ ગુણ (લાભ) થશે નહીં, લાભ તો સ્વવશે સહન કરવાથી જ થશે.” એ પ્રમાણે વિચાર કરતાં મુનિએ મસ્તક અથવા મન જરા પણ કંપાવ્યું નહીં, અને તે ઉપસર્ગને સમ્યફ પ્રકારે સહન કરી પરલોકનું સાધન કર્યું.
“જેઓ કુરુદત્ત મુનિની જેમ મૌન વ્રતમાં જ મુનિપણું રહેલું છે એવી ભાવના ભાવતા સતા નિર્દભપણે સમ્યજ્ઞાનાદિક ત્રણ રત્નનું પરિપાલન કરે છે તેઓ સ્યાદ્વાદ ધર્મના આરાધનથી થતા સુખને પ્રાપ્ત કરે છે.”