________________
૧૩૧
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫
यत्कर्ता शकटालोऽयं, तन्न जानाति पार्थिवः ।
हत्वा नन्दं तस्य राज्ये, श्रीयकं स्थापयिष्यति ॥१॥ ભાવાર્થ:- “શકટાલ મંત્રી જે કરે છે તે રાજા જાણતો નથી. તે મંત્રી નંદરાજાને મારીને તેના રાજ્ય પર શ્રીયકને સ્થાપન કરશે.”
આ શ્લોક છોકરાઓ ગામમાં સર્વત્ર બોલતા હતા. તે શ્લોક રાજાના સાંભળવામાં પણ આવ્યો. એટલે રાજાએ વિચાર્યું કે –
बालका यच्च भाषते, भाषन्ते यच्च योषितः ।
औत्पातिकी च या भाषा, सा भवत्यन्यथा न हि ॥१॥ ભાવાર્થ :- “બાળકો જે બોલે છે, સ્ત્રીઓ જે બોલે છે અને જે આકાશવાણી થાય છે અથવા અકસ્માત્ કોઈ બોલી જાય છે તે કદિ અસત્ય થતું નથી.”
એમ વિચારી ખાત્રી કરવા માટે રાજાએ પોતાના દૂતને મંત્રીને ઘેર જોવા મોકલ્યો. દૂતે જઈ આવીને તૈયારી સંબંધી સર્વ હકીકત કહી બતાવી. તેથી રાજા મંત્રી પર અત્યંત ગુસ્સે થયો. પછી સભા વખતે મંત્રીએ આવીને પ્રણામ કર્યા, તે વખતે રાજાએ કોપથી અવળું મુખ કર્યું. રાજાની મનોવૃત્તિને જાણનાર મંત્રીએ તત્કાળ ઘેર આવી શ્રીયકને કહ્યું કે, “રાજા કોઈ પિશુનના વાક્યથી મારા પર અત્યંત કોપાયમાન થયા છે, તેથી અકસ્માતુ આપણા કુળનો નાશ કરશે, માટે હે વત્સ ! હું સભામાં જઈને જ્યારે રાજાને પ્રણામ કરું, ત્યારે તું ખગ વડે મારું માથું કાપી નાખજે. પછી રાજા તેમ કરવાનું કારણ તને પૂછે, ત્યારે તું કહેજે કે – “સ્વામીનો અભક્ત એવો પિતા હોય તો તે પણ વધ કરવા યોગ્ય છે.” તે સાંભળીને રોતાં રોતાં શ્રીયક બોલ્યો કે “હે પિતા! શું એવું ઘોર કર્મ ચાંડાળ પણ કદાપિ કરે ?” મંત્રીએ કહ્યું કે “તું આવા વિચારો કરવાથી આપણા શત્રુના મનોરથ પૂર્ણ કરીશ, માટે યમરાજના જેવો પ્રચંડ રાજા જ્યાં સુધી આપણા આખા કુટુંબનો નાશ ન કરે, તેટલામાં માત્ર મારા એકના જ નાશથી આખા કુટુંબનું તું રક્ષણ કરી લે. વળી હું મુખમાં તાળપુટ વિષ નાંખી રાજાને પ્રણામ કરીશ, એટલે મૃત્યુ પામેલા એવા મારા શિરને છેદતાં તને પિતૃ હત્યાનું પાતક લાગશે નહીં.”
આ પ્રમાણે મંત્રીના બોધથી શ્રીયકે પિતાની આજ્ઞા કબૂલ કરી. પછી રાજાને નમતા મંત્રીનું મસ્તક રાજાની સમક્ષ શ્રીયકે કાપી નાંખ્યું. તે જોઈ રાજા સંભ્રમથી બોલ્યો કે “હે વત્સ! તેં આવું દુષ્કર્મ કેમ કર્યું?” શ્રીયક બોલ્યો કે “સ્વામીએ એમને દ્રોહ કરનાર જાણ્યા, તેથી મેં તેમનું મસ્તક છેવું છે, ભૂત્ય જ તો સ્વામીના અભિપ્રાય પ્રમાણે વર્તનારા જ હોય છે.” પરિશિષ્ટ પર્વમાં આ સંબંધમાં કહ્યું છે કે –