________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૧૨૩
દિવસો નિર્ગમન કરવા લાગ્યા. રતિસુંદરી હમેશાં તેને પ્રતિબોધ આપવા લાગી, પણ રાજાનો રાગ તેના પરથી જરાપણ ઓછો થયો નહીં. એકદા રાજા બોલ્યો કે, “હે ભદ્રે ! તું હમેશાં મને ઉપદેશ આપે છે, તું તપ વડે અતિ કૃશ થઈ ગઈ છે, તેમજ શરીર પરથી સર્વ શ્રૃંગાર કાઢી નાખ્યા છે, તો પણ મારું મન તારામાં અતિ આસક્ત છે. તારાં બીજા અંગના તો હું શું વખાણ કરું ? પરંતુ એક તારા નેત્રનું પણ વર્ણન હું કરી શકતો નથી.” તે સાંભળીને રતિસુંદરીએ પોતાના નેત્રોને જ શીલલોપનું કારણ જાણી રાજાની સમક્ષ તત્કાળ છરી વડે બન્ને નેત્રો કાઢીને રાજાના હાથમાં આપ્યા. તે જોઈ રાજાને અત્યંત ખેદ થયો. તેને રતિસુંદરીએ સારી રીતે ધર્મોપદેશ આપ્યો. રાજાએ પ્રતિબોધ પામીને તેને ખમાવી અને મારે માટે આ સ્ત્રીએ પોતાના નેત્રો કાઢી નાખ્યાં એમ જાણીને મનમાં અતિ દુઃખી થયો. રાજાનું દુઃખ નિવારણ કરવા માટે રતિસુંદરીએ દેવતાનું આરાધન કર્યું. તત્કાળ દેવતાએ રતિસુંદરીને નવા નેત્રો આપ્યાં. રાજાના આગ્રહથી કેટલાક દિવસ રોકાઈને પછી રતિસુંદરીએ દીક્ષા ગ્રહણ કરી.
બીજી શ્રેષ્ઠિની પુત્રી જે ઋદ્ધિસુંદરી નામે હતી, તે તાપ્રલિપ્તીનગરીમાં શ્રીવણિક નામના ધનાઢ્યને પરણી હતી. તે વણિક તેને સાથે લઈને વેપાર માટે સમુદ્ર રસ્તે ચાલ્યો. માર્ગમાં વહાણ ભાંગવાથી તે દંપતી એક પાટિયાનું અવલંબન કરીને તરતાં તરતાં કોઈ એક દ્વિપે નીકળ્યાં. ત્યાં તેમણે એક ધ્વજા ઊંચી કરી રાખી. તે જોઈને કોઈ બીજા વણિકે પોતાનું વહાણ તે દ્વિપે લઈ જઈને તે બન્નેને તેમાં લઈ લીધાં. તે બીજો વણિક ઋદ્ધિસુંદરીને જોઈને તેના પર મોહ પામ્યો. તેથી ઋદ્ધિસુંદરીના પતિને તેણે ગુપ્ત રીતે સમુદ્રમાં નાંખી દીધો. પછી તેણે ઋદ્ધિસુંદરીની પ્રાર્થના કરી. ત્યારે તેણે તેને સમજાવવા માટે ઘણો ઉપદેશ કર્યો, તો પણ તે વણિકનો મોહ ઓછો થયો નહીં. તે બોલ્યો કે, “તારે માટે તો તારા પતિને મેં સમુદ્રમાં નાંખી દીધો છે.”
એ વાત જાણીને તેણે કાળ નિર્ગમન કરવા માટે કાંઈક મિષ બતાવ્યું. આગળ ચાલતાં તે વહાણ પણ ભાંગ્યું. ઋદ્ધિસુંદરી દૈવયોગે મળેલા એક પાટિયાથી તરીને સોપા૨ક નામના નગરમાં આવી. તે જ નગરમાં તેનો પતિ પણ પાટિયાથી તરીને પ્રથમથી આવેલો હતો. તેની સાથે તેનો મેળાપ થયો. પેલો બીજો વણિક પણ પાટિયું મળવાથી તરીને તે જ નગરમાં આવ્યો. તેને પોતાના પાપને લીધે કુષ્ઠનો વ્યાધિ થયો. એકદા તે પેલા દંપતીની નજરે પડ્યો, એટલે તેને વ્યાધિથી પીડાયેલો જોઈને તેનો પૂર્વ ઉપકાર સ્મરણ કરી તે દંપતીએ ઔષધ વગેરેથી તેને નીરોગી કર્યો. તે વણિકે તે દંપતી પાસે પોતાના પાપની ક્ષમા માગી, ત્યારે તે દંપતીએ તેને ઉપદેશ કરીને ધર્મ પમાડ્યો. પછી તે બન્ને વણિકો વ્યાપાર કરી ધન ઉપાર્જન કરીને પોતપોતાના નગરમાં ગયા. પછી કેટલોક કાળ સુખમાં નિર્ગમન કરીને ઋદ્ધિસુંદરીએ દીક્ષા લઈ આત્મસાધન કર્યું.
આ બે સખીઓની કથા કહી. હવે બીજી બે સખીની કથા આગળ કહેવામાં આવશે. “પ્રશાંત ચિત્ત વડે ઈન્દ્રિયોના જયપૂર્વક કરેલી ક્રિયા જ સફળ થાય છે, તેથી રતિસુંદરીની જેમ કષ્ટ પ્રાપ્ત થાય છતાં પણ સુશીલ સ્ત્રીઓ પોતાના કર્તવ્યને તજતી નથી.”