________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૧૧૧
પાંચે ઈન્દ્રિયોના વિષયનું માન આ પ્રમાણે છે - નેત્ર વિના બીજી ચાર ઈન્દ્રિયો જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગમાત્રમાં રહેલા વિષયને જાણે છે, તેથી વધારે નજીક રહેલાને જાણતી નથી. નેત્રઈન્દ્રિય જઘન્યથી અંગુલના સંખ્યાતા ભાગમાં રહેલા પદાર્થને જોઈ શકે છે, પણ અતિ સમીપે રહેલા અંજન, રજ, મેલ વગેરેને જોઈ શકતી નથી. નાસિકા, જિલ્લા અને સ્પર્શન એ ત્રણ ઈન્દ્રિયો ઉત્કૃષ્ટ નવ યોજનથી આવતા ગંધ, રસ તથા સ્પર્શને ગ્રહણ કરે છે. કર્ણઈન્દ્રિય ઉત્કૃષ્ટ બાર યોજન દૂરથી આવતા શબ્દને સાંભળે છે અને ચક્ષુરિન્દ્રિય સાધિક લાખ યોજન દૂર રહેલા રૂપને જોઈ શકે છે. વળી -
एकाक्षादीव्यवहारो, भवेद्रव्येन्द्रियैः किल । अन्यथा बकुलः पंचाक्षः स्यात्पंचोपयोगतः ॥१॥ रणन्नू पुरशृंगारचारुलोलेक्षणामुखात् ।
निर्यत्सुगन्धिमदिरागंडूषादेव पुष्यति ॥२॥ ભાવાર્થ:- “એકેન્દ્રિયાદિક વ્યવહાર દ્રવ્ય ઈન્દ્રિયોએ કરીને જ થાય છે, નહિ તો બકુલ વૃક્ષ પાંચે ઈન્દ્રિયોના ઉપયોગવાળું હોવાથી પંચેન્દ્રિય કહેવાય. પણ તે એકેન્દ્રિય જ છે. (૧) પગમાં શબ્દ કરતા નૂપુર વગેરે શૃંગાર ધારણ કરેલી સુંદર અને ચપળ નેત્રવાળી સ્ત્રીના મુખથી નીકળતા સુગંધી મદિરાના કોગળાથી બકુલ વૃક્ષ પુષ્પિત થાય છે.
અહીં બકુલ વૃક્ષને પાંચે ભાવઈન્દ્રિયોનો ઉપયોગ આ પ્રમાણે સમજવો -
નૂપુરના શબ્દવાળા પાદનો સ્પર્શ કરવાથી પ્રફુલ્લિત થાય છે તેથી કર્ણ અને સ્પર્શ એ બે ઈન્દ્રિયોનો ઉપયોગ, સુંદર નેત્રવાળી સ્ત્રીને લીધે પ્રફુલ્લિત થાય છે. તેથી નેત્રઈન્દ્રિયનો ઉપયોગ અને સુગંધી મદિરાના રસથી પ્રફુલ્લિત થવાને અંગે રસેન્દ્રિય ને ધ્રાણેન્દ્રિયનો ઉપયોગ-એમ પાંચે ઈન્દ્રિયના વિષયનો ઉપયોગ જાણવો.
આ પ્રમાણે ઈન્દ્રિયોના સ્વરૂપને જાણીને તેના શબ્દાદિ વિષયોમાં ક્ષણમાત્ર પણ મનની પ્રવૃત્તિ કરવી નહીં. કહ્યું છે કે –
इंदिअधुत्ताण अहो, तिलतुसमित्तं पि देसु मा पसरं ।
अह दिन्ना तो नीओ, जत्थ खणो वरिसकोडिसमो ॥१॥ ભાવાર્થ :- “અહો ! ઈન્દ્રિયરૂપી ધૂર્તને તલના ફોતરા જેટલો પણ પ્રસાર (અવકાશ) આપીશ નહીં. જો કદાચ તેને એક ક્ષણમાત્ર પણ અવકાશ આપીશ તો તે જરૂરી કોટી વર્ષ સુધી જશે નહીં.”
ઈન્દ્રિયો ગોપવવાના વિષયમાં જ્ઞાતાધર્મકથાંગ સૂત્રને વિષે બે કાચબાનું દષ્ટાંત આપેલું છે. તે સૂત્રમાં આ બે ગાથાઓ છે –