________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫
૧૧૯ દેશનાનો આરંભ કર્યો કે - “સર્વ ધર્મને વિષે મુખ્ય હેતુ પરભાવનો ત્યાગ કરવો તે જ છે. તેમાં સ્વ-દ્રવ્ય, સ્વ-ક્ષેત્ર, સ્વ-કાલ અને સ્વ-ભાવપણાએ કરીને સ્વાદસ્તિ નામના પહેલા ભાંગાથી ગ્રહણ કરેલો જે આત્માનો પરિણામ તે પોતાના આત્માને વિષે રહેલો સ્વધર્મ છે. તેનો સમવાય સંબંધે કરીને અભેદ હોવાથી તે આત્મધર્મ તજવા યોગ્ય નથી, પણ અનાદિ કાળથી ચાલ્યા આવતા મિથ્યાદષ્ટિપણાએ કરીને કુદેવાદિકને વિષે આસક્તિ વગેરે જે અપ્રશસ્તભાવ છે તેના પ્રહણનો ત્યાગ કરવો યોગ્ય છે. તેમાં નામથી ત્યાગ શબ્દના આલાપરૂપ છે. શાસ્ત્ર, યતિધર્મ અને જિનપૂજા વગેરેમાં સ્થાપના કરેલો ત્યાગ તે સ્થાપનાત્યાગ છે. બાહ્યવૃત્તિથી ઈન્દ્રિયોના અભિલાષનો, આહારનો અને ઉપાધિ વગેરેનો જે ત્યાગ કરવો તે દ્રવ્યત્યાગ છે અને અંતરંગ વૃત્તિથી રાગ, દ્વેષ તથા મિથ્યાત્વ વગેરે આશ્રવપરિણતિનો ત્યાગ કરવો તે ભાવત્યાગ છે.
વિષ ગરલ અનુષ્ઠાન વડે કરીને જે ત્યાગ તે નૈગમ, સંગ્રહ ને વ્યવહારનયે સમજવો, કડવા વિપાકની ભીતિથી જે ત્યાગ તે ઋજુસૂત્રનયે જાણવો. તદ્વૈતક્રિયાપણે ત્યાગ તે શબ્દ ને સમભિરૂઢનયે સમજવો અને વર્જવાના યત્ન વડે સર્વથા વર્જન તે એવંભૂત નયે સમજવું.” ઈત્યાદિ અનેક યુક્તિવાળા ઉપદેશને સાંભળીને ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમ વડે સર્વવિરતિ ગ્રહણ કરવાની જેની બુદ્ધિ થઈ છે એવો ભાનુકુમાર પ્રભુના ચરણકમળમાં વંદના કરીને બોલ્યો કે “શરણરહિત પ્રાણીઓને શરણ આપવામાં સાર્થવાહ સમાન અને ભવસમુદ્રથી તારનાર એવા હે પ્રભુ ! હે સ્વામી ! મને સર્વવિરતિ સામાયિકનો ઉપદેશ કરો (આપો) કે જેથી વિષયકષાયાદિકનો ત્યાગ વૃદ્ધિ પામે.” તે સાંભળીને ભગવાને તેને સામાયિક ચારિત્ર આપ્યું. તેણે મહાવ્રત ગ્રહણપૂર્વક સાધુપણું અંગીકાર કર્યું. તે જ વખતે તેનું આયુષ્ય પૂર્ણ થવાથી તે કુમાર મૃત્યુ પામીને સ્વર્ગે ગયો.
તેવામાં તે કુમારનો પિતા પરિવાર સહિત પ્રભુને વાંદવા આવ્યો. ત્યાં પોતાના પુત્રને મરેલો જોઈને તેને અતિ ખેદ થયો. તેની માતા પણ પુત્રવિયોગથી વિલાપ કરતી રુદન કરવા લાગી. તે વખતે ભાનુકુમારનો જીવ તત્કાળ દેવપણું પામીને પ્રભુની પાસે આવ્યો. ત્યાં પોતાના માતાપિતાને વિલાપ કરતાં જોઈને તે દેવે તેમને કહ્યું કે, “તમને એવું શું દુ:ખ પડ્યું છે કે પરમ સુખદાયક એવા શ્રી જિનેશ્વરના ચરણકમળને પામીને પણ તમે રુદન કરો છો ?” તે સાંભળીને રાજા તથા રાણી બોલ્યાં કે, “અમારો અત્યંત પ્રિય પુત્ર મૃત્યુ પામ્યો, તેનો અમારે વિયોગ થયો, તે દુઃખ અમારાથી સહન થતું નથી.” દેવ બોલ્યો કે, “હે રાજા ! તે પુત્રનું શરીર તમને પ્રિય છે કે તેનો જીવ પ્રિય છે? જો તેનો જીવ પ્રિય હોય તો તે હું છું, માટે મારા પર પ્રીતિ કરો અને જો તેનું શરીર પ્રિય હોય તો આ તેના પડેલા શરીર પર પ્રીતિ કરો. હે માતા ! તમે કેમ વારંવાર વિલાપ કરો છો? તમારો પુત્ર કયે ઠેકાણે-શરીરમાં કે જીવમાં ક્યાં રહેલો છે? તેનું શરીર અને જીવ એ બન્ને તમારી પાસે જ છે, માટે રુદન કરવું યુક્ત નથી.” તે સાંભળીને રાજા બોલ્યો કે,
૧. આ સાત નયે ત્યાગ બરાબર ગુરુગમથી સમજવા યોગ્ય છે.
ઉ.ભા.-૫-૯