________________
૧૧૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ ઈત્યાદિક નિંદા કરતા પૌર લોકોને જોઈને શ્રેણિક રાજાના પુત્ર અભયકુમાર મંત્રીએ વિચાર્યું કે, “અહો ! આ પૌરજનો વિના કારણ મહાવૈરાગ્યવાન ને ત્યાગીમાં શ્રેષ્ઠ એવા આ મુનિની નિંદા કરે છે. પરમાર્થ તત્ત્વને નહિ જાણનારા આ મૂઢ લોકો આ નિઃસ્પૃહ મુનિ ઉપર ફોગટ વૈર રાખીને તેના ગુણોને દોષપણે વહન કરે છે. તેમજ મુનિની નિંદા કરવાથી તેઓ દઢતર પાપકર્મના સમૂહને ઉપાર્જન કરે છે. માટે મારે આ સર્વ લોકોને કોઈ પ્રકારે પ્રતિબોધ કરવો જોઈએ.” એમ વિચારીને અવસરણ અભયકુમારે એકદા રાજમાર્ગમાં સર્વ પૌરજનો એકઠા મળેલા હતા, તે વખતે દૂરથી સુભદ્ર મુનિને આવતા જોઈને પોતાના વાહન પરથી નીચે ઉતરી ત્રણ પ્રદક્ષિણાપૂર્વક તેમને નમીને પૂછ્યું કે, “હે પૂજ્ય ! એક કાળે કેટલી ઈન્દ્રિયોનો ઉપયોગ હોઈ શકે?ગુરુએ જવાબ આપ્યો કે, “એક કાળે એક જ ઈન્દ્રિયનો ઉપયોગ હોઈ શકે.” ફરીથી મંત્રીએ પૂછ્યું કે - “એક એક ઈન્દ્રિય સેવી સતી દુઃખદાયી થાય કે નહીં?” મુનિ બોલ્યા કે, “એક એક ઈન્દ્રિય પણ મૃગાદિકની જેમ આ લોકમાં તથા પરલોકમાં મહા અનર્થનું કારણ થાય છે. તો પછી પાંચે ઈન્દ્રિયોનું સેવન કરવાથી કેટલો અનર્થ થાય?” કહ્યું છે કે –
कुरंगमातंगपतंग,गमीना हताः पंचभिरेव पंच ।
एकप्रमादी स कथं न हन्याधः सेवते पंचभिरेव पंच ॥१॥ ભાવાર્થ:- “મૃગ, હાથી, પતંગ, ભ્રમર અને મત્સ્ય એ પાંચ પ્રાણીઓ પાંચ ઈન્દ્રિયોમાંથી એકેકના સેવવા વડે હણાયા, એટલે પાંચથી પાંચ હણાયા તો જે પ્રમાદી મનુષ્ય એકલો પાંચે ઈન્દ્રિયો વડે પાંચેના વિષયોને સેવે છે તે કેમ ન હણાય? તે તો અવશ્ય હણાય.” ,
મૃગો સ્વેચ્છાએ અરણ્યમાં અટન કરે છે, તેને પકડવા માટે પારધીઓ સારંગી, વિણા વગેરેનો નાદ કરે છે, તેથી કર્ણના વિષયમાં લુબ્ધ થયેલા મૃગો મોહ પામીને તે સંગીત સાંભળવા આવે છે, તે વખતે પારધીઓ તેને જલ્દીથી હણી નાખે છે.
હાથીને પકડવા માટે દુષ્ટ પુરુષો એક મોટા ખાડામાં કાગળની હાથણી બનાવીને રાખે છે. તે હાથણીને જોઈને તેનો સ્પર્શ કરવાને ઉત્સુક થયેલો હાથી તે ખાડામાં પડે છે, ત્યાંથી તે નીકળી શકતો નથી. પછી સુધા અને તૃષા વગેરેથી પીડા પામેલા તે હાથીને નિર્બળ થયેલો જાણીને કેટલેક દિવસે તેને બાંધે છે, અથવા મારી પણ નાંખે છે.
નેત્રના વિષયમાં આસક્ત થયેલું પતંગીયું દીવાની જ્યોતમાં મોહ પામીને તેમાં પોતાના દેહને હોમે છે - તેથી મરણ પામે છે.
ધ્રાણ ઈન્દ્રિયના વિષયમાં આસક્ત થયેલો ભ્રમર કમળના સુગંધથી મોહ પામીને દિવસે તે કમળમાં પેસે છે, પછી રાત્રે તે કમળ બીડાઈ જાય છે, એટલે તે આખી રાત્રિ મહાદુઃખ પામે છે.