________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ સુકુમારિકા સાધ્વીની કથા વસંતપુરના રાજાના સસક અને ભસક નામના પુત્રોએ વૈરાગ્યથી દીક્ષા લીધી. અનુક્રમે તેઓ ગીતાર્થ થયા. પછી તેમણે પોતાની બેન સુકુમારિકાને પ્રતિબોધ પમાડી દીક્ષા આપી. તે સુકુમારિકા અત્યંત સ્વરૂપમાન હોવાથી અનેક યુવાન પુરુષોના ચિત્તનું આકર્ષણ કરતી હતી. તેથી તે યુવાન પુરુષો સાથ્વીના ઉપાશ્રયમાં પ્રવેશ કરીને સુકુમારિકાના રૂપને રાગદષ્ટિથી જોતા હતા. તે ઉપદ્રવનો વૃત્તાંત મહત્તરા સાધ્વીએ તેના ભાઈઓને કહ્યો. એટલે તેઓ સુકુમારિકાને એક જુદા મકાનમાં રાખીને તેની રક્ષા કરવા લાગ્યા. સુકુમારિકાને ગુપ્ત રાખેલી જાણીને યુવાન પુરુષોએ તે બન્ને ભાઈઓની સાથે યુદ્ધ કરવા માંડ્યું. તે જોઈને સુકુમારિકાને વિચાર થયો કે “મારા માટે મારા ભાઈઓ મોટો ક્લેશ પામે છે, માટે અનર્થ કરનારા એવા મારા શરીરને ધિક્કાર છે!”
ઈત્યાદિ વિચાર કરીને વૈરાગ્યથી તેણે અનશન ગ્રહણ કર્યું, તેથી કેટલેક દિવસે તેનું શરીર એટલું બધું ક્ષીણ થઈ ગયું કે તેના ભાઈઓએ અતિશય મોહના વશથી તેને મૃત્યુ પામેલી જાણી. એટલે તે બન્નેએ ગામ બહાર તેને અરણ્યમાં પરઠવી દીધી. ત્યાં શિતળ વાયુના સ્પર્શથી તેને શુદ્ધિ આવી. તેવામાં કોઈ સાર્થવાહે તેને જોઈ, એટલે “આ કોઈ સ્ત્રીરત્ન છે” એમ જાણી તે તેને પોતાના મુકામમાં લઈ ગયો. પછી અભંગ, ઉદ્વર્તન તથા ઔષધ વગેરે કરીને તેણે અનુક્રમે તેને પૂર્વની જેવી સુંદર રૂપવતી કરી. પછી સુકુમારિકા તે પ્રકારની ભવિતવ્યતાથી અને કર્મની વિચિત્રતાને લીધે “આ સાર્થવાહ મારો અનુપમ ઉપકારી અને વત્સલ છે” એમ માનવા લાગી. તેથી સાર્થવાહના કહેવા પ્રમાણે તેની સ્ત્રી થઈને કેટલોક કાળ તેને ઘેર રહી. એકદા તેણે પોતાના બન્ને ભાઈઓ (મુનિ) ને જોયા. એટલે તેમને વંદના કરીને તેણે પોતાનો સર્વ વૃત્તાન્ત નિવેદન કર્યો. તે સાંભળીને તેઓએ સાર્થવાહ પાસેથી તેને છોડાવીને ફરીથી પ્રતિબોધ આપ્યો કે -
सरित्सहस्त्रदुःपूर-समुद्रोदरसोदरः ।
तृप्तौ नैवेन्द्रियग्रामो, भव तृप्तोऽन्तरात्मना ॥१॥ ભાવાર્થ:- હે ભવ્ય પ્રાણી ! હજારો નદીઓના જળથી પણ જેનું ઉદર પૂર્ણ થતું નથી એવા સમુદ્રની જેવો ઈન્દ્રિયસમૂહ કદાપિ તૃપ્તિ પામતો નથી. માટે અન્તરાત્માએ કરીને જ તું તૃપ્ત થા.”,
વિસ્તરાર્થ:- “હે ભવ્ય ! આ ઈન્દ્રિયો કોઈ પણ વખત તૃપ્ત થતી જ નથી. કેમકે નહિ ભોગવેલા ભોગની ઈચ્છા રહે છે, ભોગવતી વખતે તેમાં આસક્તિ રહે છે અને ભોગવાયેલા ભોગનું સ્મરણ રહ્યા કરે છે. એટલે ત્રણે કાળમાં ઈન્દ્રિયોની અશુદ્ધ પ્રવૃત્તિ છે અને ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત થયેલા જીવની તેના ભોગ વડે કદાપિ તૃપ્તિ થતી જ નથી. તે ઈન્દ્રિયોનો સમૂહ કેવો છે? હજારો નદીઓના પ્રવાહ વડે પણ નહિ પૂરાતા સમુદ્ર જેવો છે. તે ઈન્દ્રિયોનો અભિલાષ શમ-સંતોષ વડે જ પૂરી શકાય તેમ છે. તેને માટે આ હિત કથન છે. તેથી તે ઉત્તમ જીવ! તું તારા આત્મસ્વરૂપે કરીને જ તૃપ્ત થા.”