________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ છે” એ વાક્ય રાજાએ સાંભળ્યું. તત્કાળ કવળ નાખી દઈને રાજા યુદ્ધ કરવા ગયો. પરસ્પર મોટું યુદ્ધ ચાલ્યું. તે વખતે યુદ્ધનું નિવારણ કરવા માટે શીલસન્નાહ પણ ત્યાં ગયો. તેને મારવા માટે શત્રુના સુભટો તેની સન્મુખ આવ્યા. તેમને શાસનદેવીએ ખંભિત કર્યા, અને આકાશવાણી કરી કે “નમોસ્તુ શીલસન્નાહાય બ્રહ્મચર્યરક્તાય “બ્રહ્મચર્યમાં આસક્ત એવા શીલસન્નાહને નમસ્કાર છે” એમ બોલીને દેવતાઓએ શીલસન્નાહ ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. શીલસન્નાહ તે વાક્ય સાંભળીને વિચાર કરવા લાગ્યો, એટલે તરત જ તેને જાતિસ્મરણ થયું અને અવધિજ્ઞાન પણ પ્રાપ્ત થયું. તત્કાળ તેણે પંચમુષ્ટિ લોન્ચ કરી ચારિત્ર અંગીકાર કર્યું. પછી તે મુનિના ઉપદેશથી તે બને રાજાઓ બોધ પામી યુદ્ધથી નિવૃત્ત થયા. પૂર્વભવમાં શીલસન્નાહ મુનિ સાવદ્ય વચન બોલ્યા હતા, તેથી તેના પ્રાયશ્ચિત્ત માટે તેણે મૌનવ્રત ધારણ કર્યું.
પ્રાંતે તે મુનિ ચારિત્ર પાળીને પ્રથમ દેવલોકમાં દેવતા થયા અને ત્યાંથી આવીને એ શીલસન્નાહ સ્વયંબુદ્ધ મુનિ થયા છે.
શીલસન્નાહ મુનિ વિહાર કરતાં કરતાં એકદા રૂપી રાજાના નગરની બહાર ઉદ્યાનમાં આવ્યા. તેને વાંદવા માટે રૂપી રાજા સામત્તાદિક સહિત ઉદ્યાનમાં આવ્યા. ત્યાં ગુરુની દેશના સાંભળીને રૂપીરાજાએ દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે શીલસન્નાહ મુનિ સમેતશિખર ગયા. ત્યાં જિનેશ્વરોને વંદના કરીને એક શિલાપટ્ટ ઉપર સંથારો કરી સંલેખના કરવા તૈયાર થયા. તે વખતે રૂપી સાધ્વી બોલ્યા કે “હે ગુરુ ! મને પણ સંલેખના કરાવો.” ગુરુ બોલ્યા કે “ભવસંબંધી સર્વ પાપોની આલોચના લઈને શલ્ય રહિત થયા પછી ઈચ્છિત કાર્ય કરો, કેમકે જ્યાં સુધી શલ્ય ગયું ન હોય ત્યાં સુધી બહુ ભવભ્રમણ કરવું પડે છે. જેમ કોઈક રાજાના અશ્વના પગમાં ખીલો વાગ્યો હતો, તેનો નાનો સરખો કકડો અંદર ભરાઈ રહ્યો હતો, તેથી તે અશ્વ અતિ કૃશ થવા લાગ્યો. રાજાએ તેને માટે અનેક ઉપચારો કર્યા પણ તે નિષ્ફળ ગયા. પછી એક કુશળ પુરુષે તે અશ્વના આખા શરીરે આછો કાદવ ચોપડ્યો એટલે જે ઠેકાણે શલ્ય હતું તે ભાગ ઉપસી આવ્યો. તે જોઈને પુરુષે તેમાંથી નખહરણીવતી’ તે શલ્ય કાઢી નાખ્યું, એટલે તે અશ્વ સ્વસ્થ થયો. વળી તે સાધ્વી ! એક તાપસ હતો. તેણે એકદા અજાણ્યું ફળ ખાધું, તેથી તે રોગગ્રસ્ત થયો. પછી દવા માટે તે વૈદ્ય પાસે ગયો. વૈધે પૂછયું શું ખાધું છે? ત્યારે તાપસે સત્ય વાત કહી દીધી. તેથી તે વૈધે તેને વમન તથા વિરેચન આપીને સાજો કર્યો.” આ પ્રમાણે સાંભળીને તે રૂપી સાધ્વીએ માત્ર એક દૃષ્ટિવિકાર (શિલસન્નાહ સામું વિકાર દૃષ્ટિએ જોયું હતું તે) વિના બીજા સર્વ પાપની આલોચના લીધી. ગુરુએ કહ્યું કે “પ્રથમ સભામાં તે મારી સામું સરાગ દૃષ્ટિએ જોયું હતું તેની આલોચના કર.” તે બોલી કે “તે તો મેં સહજ નિર્દભપણે જોયું હતું.” તે સાંભળીને ગુરુએ તેને ઉપદેશ આપવા માટે લક્ષ્મણા રાજપુત્રીનું દૃષ્ટાંત કહી સંભળાવ્યું કે – ૧. ધર્મદેશનાદિ શુભ નિમિત્ત વિના ન બોલવું એ પ્રમાણેનું મૌનવ્રત જાણવું. ૨. આ હકીકત શીલસનાહના ભવના પ્રાંત ભાગની છે તે વચ્ચે લખવામાં આવી છે. ૩. લોકભાષામાં “નેરણી' કહેવામાં આવે છે.