________________
૮૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫
વેદમુખ એટલે વેદમાં મુખ્ય ધર્મ શો કહ્યો છે? યજ્ઞમુખ એટલે મુખ્ય યજ્ઞ કયો છે? નક્ષત્રમુખ એટલે નક્ષત્રોમાં મુખ્ય કોણ છે? અને ધર્મમુખ એટલે ધર્મને શરૂ કરનાર કોણ છે? તે તું કાંઈ પણ જાણતો નથી.” તે સાંભળીને યાજક બોલ્યો કે, “ત્યારે તમે જ તે સર્વ કહો.” મુનિ બોલ્યા કે, “વેદમાં અહિંસાધર્મ જ સર્વ ધર્મમાં મુખ્ય કહેલો છે, સર્વ યજ્ઞોમાં ભાવયજ્ઞ મુખ્ય છે, નક્ષત્રોમાં મુખ્ય ચંદ્રમા છે અને ધર્મમુખ કાશ્યપગોત્રી ઋષભદેવ જ છે. કેમકે તેમણે જ ધર્મનો પ્રથમ ઉપદેશ કરેલો છે અને તેમણે પ્રરૂપેલા ધર્મનું આરાધન કરનારા જ બ્રાહ્મણ કહેવાય છે.” તે વિષે શ્રી ઉત્તરાધ્યયનના પચ્ચીશમા અધ્યયનમાં કહ્યું છે કે –
जहा पउमं जले जायं, नो वि लिप्पइ वारिणा ।
एवं अलित्त कामेहि, तं वयं बंभमाहणं ॥१॥ ભાવાર્થ- જેમ જળમાં ઉત્પન્ન થયેલું કમળ જળથી લેપતું નથી, તેવી જ રીતે જેઓ કામભોગથી લેપાતા નથી, તેને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ.” વળી –
न वि मुंडिएण समणो, न ॐकारेण बंभणो।
न मुणी रण्णवासेण, कुसचीरेण न तावसो ॥२॥ ભાવાર્થ- માત્ર મુંડન કરાવવાથી (લોચ કર્યાથી) કાંઈ સાધુ કહેવાય નહીં, માત્ર કાર (૩ૐ ભૂર્ભુવઃ સ્વઃ ઈત્યાદિ ગાયત્રી મંત્ર) બોલવાથી બ્રાહ્મણ કહેવાય નહીં, માત્ર અરણ્યમાં રહેવાથી મુનિ કહેવાય નહીં અને માત્ર દર્ભ અથવા વલ્કલના વસ્ત્ર ધારણ કરવાથી કાંઈ તાપસ કહેવાય નહીં.”
समयाए समणो होइ, बंभचेरेण बंभणो।
नाणेण य मुणी होइ, तवेण होइ तावसो ॥३॥ ભાવાર્થઃ- “સમતા ગુણ ધારણ કરવાથી શ્રમણ (સાધુ) કહેવાય છે, બ્રહ્મચર્ય પાળવાથી બ્રાહ્મણ કહેવાય છે, જ્ઞાનથી મુનિ કહેવાય છે, અને તપ કરવાથી તાપસ કહેવાય છે.” વળી -
कम्मुणा बंभणो होइ, कम्मुणा होइ खत्तीओ।
कम्मुणा वइसो होइ, सुद्दो हवइ कम्मणा ॥१॥ ભાવાર્થ:- “કર્મ (ક્રિયા વડે) કરીને જ બ્રાહ્મણ કહેવાય છે, કર્મે કરીને જ ક્ષત્રિય કહેવાય છે, કર્મ કરીને જ વૈશ્ય કહેવાય છે અને કર્મે કરીને જ શુદ્ર કહેવાય છે. કર્મે કરીને જ બ્રાહ્મણ કહેવાય છે, તે વિષે કહ્યું છે કે -
क्षमा दानं तपो ध्यानं, सत्यं शौचं धृतिः क्षमा । ज्ञानं विज्ञानमास्तिक्य-मेतद्ब्राह्मणलक्षणम् ॥१॥