________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૯૧
એકવાર પણ મેં ભોગવી નહીં, તેથી મારો જન્મ નિરર્થક છે.” એમ વિચારીને ચાકરની જેમ કાંઈક શરીરના કંપને ધારણ કરતા તે મુનિ વિસંસ્થૂલપણે ઉભા થઈ ધીરે ધીરે રાજીમતીની સન્મુખ આવીને વિકસ્વર નેત્રથી તેના સામું જોતાં બોલ્યા કે, “હે ભદ્રે! સ્વેચ્છાથી આવ, આવ, આપણે જન્મ સફળ કરીએ પછી વૃદ્ધાવસ્થામાં આપણે ફરીને વ્રત ગ્રહણ કરશું.' આ પ્રમાણે સાંભળીને શુદ્ધ મનવાળી તે સાધ્વી ધૈર્ય ધારણ કરીને તત્કાળ વસ્ત્ર પહેરી લઈ અમૃત સમાન વાણીથી તે મુનિ પ્રત્યે બોલી કે, “હે મુનીન્દ્ર ! સંયમને ધારણ કરનાર એવા તમારે આ પ્રમાણે બોલવું યુક્ત નથી. હે મુનિ ! તમારો નિર્મળ કુળમાં જન્મ ક્યાં ? અને આ કાજળથી પણ કાળું એવું કુકર્મ ક્યાં ? માટે આદર કરેલા નિર્મળ વ્રતનો નિર્વાહ કરો. ધીર પુરુષો કદાપિ પણ ભ્રષ્ટ થતા નથી. વળી સંયમની સાથે ભોગવિલાસ કરવાથી, ધર્મની ઉડ્ડાહ કરવાથી, ઋષિની હત્યા કરવાથી અને દેવદ્રવ્યનો વિનાશ કરવાથી બોધિબીજનો નાશ થાય છે, એમ શાસ્ત્રમાં કહેલું છે. પૂર્વે ગૃહસ્થાવસ્થામાં મેં વાણીથી પણ તમારી ઈચ્છા કરી નથી, તો આજે વ્રતની પ્રતિજ્ઞા લઈને પછી તમારો આદર કેમ કરી શકું ? ‘હે મુનિ ! અગંધન કુળમાં ઉત્પન્ન થયેલા સર્પો પણ સારા કે જે વમન કરેલું વિષ પાછું ગ્રહણ કરતા નથી, પણ તમે તો તે કરતાં પણ હીન છો કે વમેલાને પાછું ઈચ્છો છો, શીલનું ખંડન કરનારા જીવિતને ધિક્કાર છે ! હે શ્રેષ્ઠ સાધુ ! જો તમે સ્ત્રીને જોઈ જોઈને તેના પર આસક્ત થશો તો, વાયુથી હણાયેલા વૃક્ષની જેમ ધૈર્યથી હણાઈને અસ્થિર આત્માવાળા થશો. માટે હે મુનિ ! એક કોડી વાસ્તે કરોડોનો નાશ ન કરો અને ધૈર્ય ધારણ કરીને શુદ્ધ ધર્મનું આચરણ કરો.”
આ પ્રમાણે રાજીમતીના અનેક પ્રકારના યુક્તિયુક્ત વાક્યો સાંભળીને રથનેમિ મુનિએ વિચાર્યું કે, “સ્ત્રી જાતિમાં પણ ગુણસંપત્તિના ભંડારરૂપ આ રાજીમતીને ધન્ય છે ! અને કુકર્મરૂપી સમુદ્રમાં ડૂબેલો હોવાથી હું પુરુષ છતાં પણ મને ધિક્કાર છે !” પછી રાજીમતીની સન્મતિથી બોધ પામીને રથનેમિ મુનિએ તત્કાળ તે સાધ્વીને મિથ્યાદુષ્કૃત આપીને પ્રભુ પાસે જઈ ફરીથી સાધુધર્મ અંગીકાર કર્યો.
રાજીમતી સાધ્વી પણ ગૃહસ્થપણામાં ચારસો વર્ષ, છદ્મસ્થપણામાં એક વર્ષ અને કેવળજ્ઞાન અવસ્થામાં પાંચસો વર્ષ રહીને કુંલ નવસો ને એક વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષપદને પામી. “કામદેવના પાંચ બાણના નિવારણ માટે પાંચ મહાવ્રતરૂપી શસ્ત્રો ધારણ કરવાં. તેમાં પણ વિશેષે કરીને સ્થિરતા ધારણ કરવી. કેમકે સ્થિરતા વિના પાંચે મહાવ્રતો પ્રાયઃ નિષ્ફળ છે.’
૩૦૪
મુનિનો સ્થિરતા ગુણ
नेच्छन्ति मुनयः केचिच्चिकित्सां व्याधिपीडिताः । निष्प्रकंपा यतेर्धर्मे, श्रीमत्सनत्कुमारवत् ॥१॥