________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫
૮૯ સાથે રથમાં બેસીને નેમિનાથ ઉગ્રસેનના ઘર સમીપે આવ્યા. ત્યાં એક વાડામાં દઢ બંધનથી બાંધેલા એવાં દીન પશુપક્ષીઓને કરુણ સ્વરે રુદન કરતાં નેમિનાથે સાંભળ્યાં. તેથી તેણે સારથિને પૂછ્યું કે, “આ બિચારાઓને કેમ બાંધેલા છે?” સારથિએ કહ્યું કે, “આપના લગ્નપ્રસંગમાં સર્વ યાદવોને જમાડવા માટે આ પશુઓને બાંધેલાં છે.” તે સાંભળીને નેમિનાથ બોલ્યા કે -
धिगनाराजकं विश्वं, धिगमी निःकृपा जनाः ।
यदेवमशरण्यानां, पशूनां कुर्वते वधम् ॥१॥ “આ સ્વામી વિનાના વિશ્વને ધિક્કાર છે અને આ નિર્દય માણસોને પણ ધિક્કાર છે કે જેઓ શરણરહિત એવા (નિરપરાધી) પશુઓનો વધ કરે છે.”
પછી નેમિનાથના હુકમથી સારથિએ વાડામાંથી સર્વ જીવોને મુક્ત કરાવ્યા અને રથ પાછો વાળ્યો. તે જોઈ નેમિનાથના માતાપિતા વગેરે ખેદ પામીને નેમિનાથને કહેવા લાગ્યા કે, “હે વત્સ! આવા હર્ષને ઠેકાણે વિરસ કરવો યોગ્ય નથી.” નેમિનાથ બોલ્યા કે, “હે માતાપિતા! મેં અહીં આવવાનો જે આરંભ કર્યો છે તે સર્વને કૃપાધર્મ જણાવવા માટે અને પશુના સમૂહને મૂકાવવા માટે જ કર્યો છે.” એમ કહીને રુદન કરતા સર્વ યાદવોની ઉપેક્ષા કરીને નેમિનાથ ઘરે આવ્યા. પછી ઈન્દ્રની આજ્ઞાથી જૂભક દેવોએ લાવીને ધરેલા સુવર્ણથી પ્રભુએ વરસીદાન આપીને ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્ર લીધા પછી ચોપન દિવસે આશ્વિન માસની અમાવાસ્યાએ (ભાદરવા વદ અમાસે) ચિત્રા નક્ષત્રમાં ચંદ્ર સ્થિત હતો તે વખતે જન્મથી જ બ્રહ્મચર્યાવસ્થાએ રહેલા પ્રભુને રૈવતક પર્વત ઉપર કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
અહીં ભોજરાજ (ઉગ્રસેન)ની પુત્રી રાજીમતી પ્રભુએ જ્યારે રથ પાછો વાળ્યો ત્યારે આવેલી મૂછને લીધે તત્કાળ પૃથ્વી પર પડી ગઈ. તેની સખીઓએ તેને અનેક ઉપચારોથી સાવધ કરી, એટલે રાજીમતી મુખરૂપી ચંદ્રના સંબંધથી જાણે કરમાઈ ગયા હોય તેવા હસ્તકમળને કપાળ પર રાખી વિલાપ કરવા લાગી કે “હે ઈશ! જયારે તમે પાછું વળવાનું આગળથી જ ધારી રાખ્યું હતું, તો મને આવી રીતે છેતરી શા માટે? સત્પષને આવું કાર્ય કરવું યોગ્ય નથી. કેમકે આરંભ કરેલા કાર્યને ઉત્તમ પુરુષો કદી તજતા નથી, તે તમે શું નથી સાંભળ્યું? શું મેં પૂર્વ ભવમાં કોઈ દંપતીના ભોગસુખમાં કાંઈ વિધ્ધ કર્યું હશે? અથવા શું કોઈના હાથનું વિઘટન કર્યું હશે કે જેથી હું આપના કરકમળનો સ્પર્શ પણ પામી નહીં ?”
આ પ્રમાણે વિલાપ કરતી રાજીમતીને તેની સખીઓએ કહ્યું કે, “હે સખી તું શા માટે શોક કરે છે? એ કઠોર હૃદયવાળા નેમિ ગયા તો ભલે ગયા. તેનું શું કામ છે? યાદવોમાં બીજા પોતાના સ્વરૂપથી કામદેવને પણ જીતનારા ઘણા કુમારો છે, તેમાંથી કોઈપણ શું તને પરણશે નહીં?” આ પ્રમાણે સખીઓના વચન સાંભળીને રાજીમતી બોલી કે, “હે સખીઓ ! આવું કુળને કલંક લગાડનારું વચન તમે કેમ બોલો છો? શું કોઈ પણ શાસ્ત્રમાં બીજી વાર કન્યાદાન અપાય એમ