________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
स्थैर्यरत्नप्रदीपचेद्दीप्रः संकल्पदीपजैः । तद्विकल्पैरलं धूमैरलंधूमैस्तथाश्रवैः ॥१॥
ભાવાર્થ :- “જે મનુષ્યને સ્થિરતારૂપી રત્નપ્રદીપ દેદીપ્યમાન છે તેને સંકલ્પરૂપી દીવાથી ઉત્પન્ન થતા વિકલ્પરૂપી ધૂમનું શું પ્રયોજન છે ? તેમજ આશ્રવરૂપી ધૂમનું પણ શું પ્રયોજન છે.” આ શ્લોકનો વિસ્તરાર્થ એવો છે કે - “જે માણસને સ્થિરતારૂપી રત્નનો દીવો દેદીપ્યમાન છે, તે માણસને પરવસ્તુની ચિંતાથી ઉત્પન્ન થયેલ અશુદ્ધ ચપળતારૂપ જે સંકલ્પ તે સંકલ્પરૂપ દીવાથી ઉત્પન્ન થતા જે વારંવાર સ્મરણરૂપ વિકલ્પો તે રૂપ ધૂમાડાથી સર્યું, અર્થાત્ તેને આવા ધૂમાડા કાંઈ લાભ કરી શકતા નથી. જો કે અભેદ રત્નત્રયીનો પ્રાદુર્ભાવ થાય ત્યારે જ નિર્વિકલ્પ સમાધિ થાય છે, તો પણ આત્મસ્વરૂપમાં લીન થયેલા મનુષ્યને સંસાર સંબંધી સંકલ્પવિકલ્પ તો થતાં જ નથી, તથા દ્રવ્યથી અને ભાવથી પ્રાણાતિપાતાદિક આશ્રવોથી પણ સર્યું, અર્થાત્ જેને સ્થિરતારૂપ રત્નદીપક હોય તેને આશ્રવો કાંઈ પણ લાભ કરી શકતા નથી.”
આત્મસમાધિમાં લીન થયેલાને આશ્રવો હોતા જ નથી, અસત્ સ્વરૂપથી બ્રાન્તિ પામેલાને જ આશ્રવ પ્રાપ્ત થાય છે, તેની જ તેવી પરિણતિ થાય છે. જ્યારે આત્મસ્વરૂપનો બોધ પ્રાપ્ત થાય છે, ત્યારે પોતાની પરિણતિ આત્મકાર્ય કરવામાં જ વાપરે છે. પણ પરકાર્ય કરવામાં વાપરતા નથી. કર્તા, કર્મ વગેરે છએ કારકો પણ આત્મસ્વરૂપની મૂઢતાથી જ પરકાર્યમાં વ્યાપાર કરતા જણાય છે. વાસ્તવિક રીતે તે અશુદ્ધિ કરનારા જ છે. જ્યારે સ્વપરનો વિવેક કરીને “હું જુદો છું, હું ૫૨ વસ્તુનો કર્તા અથવા ભોક્તા નથી.’ એ પ્રમાણે આત્મવિવેક પ્રાપ્ત થાય છે ત્યારે ષટ્કારકરૂપ ચક્રને આત્મકાર્ય કરવામાં જ પ્રવર્તાવે છે. તે વખતે છ કારકોની પ્રવૃત્તિ આ પ્રમાણે થાય છે : “આત્મા (પોતાના) આત્માને આત્માએ કરી આત્માને માટે (આત્મજ્ઞાન માટે) આત્માથી આત્મામાં જ પ્રવર્તાવે છે.” આ પ્રમાણે સ્વરૂપમાં સ્થિરતાવાળા મનુષ્યોને આશ્રવો હોતા નથી. અહીં સ્થિરતા ગુણ ઉપર તે ગુણયુક્ત રાજીમતીનો સંબંધ છે, તે આ પ્રમાણે -
રાજીમતીનું દૃષ્ટાંત
દશ ધનુષ્યના દેહવાળા શ્રી નેમિનાથે કુમારાવસ્થામાં ત્રણસો વર્ષ નિર્ગમન કર્યાં. અન્યદા બન્ધુઓના આગ્રહથી પદ્માવતી, ગોરી, ગંધારી વગેરે કૃષ્ણની પટ્ટરાણીઓએ તથા બત્રીશ હજાર ગોપાંગનાઓએ જલક્રીડા સમયે હાવભાવના વાક્યોથી કટાક્ષરૂપી બાણોથી અને પુષ્પના કંદુક (દડા) મારવાથી નેમિનાથને ખેદ પમાડી પરણવાની કબૂલાત માગી. નેમિનાથ મૌન ધરીને રહ્યા. તેથી કૃષ્ણની રાણીઓએ કૃષ્ણને કહ્યું કે, ‘નેમિનાથે પાણિગ્રહણ કરવાનું માન્યું છે.' તે સાંભળીને હર્ષ પામેલા કૃષ્ણે સત્યભામાની નાની બહેન રાજીમતીને માટે તેના પિતા ઉગ્રસેન પાસે માગણી કરી. ઉગ્રસેને પણ રાજીમતી સાથે નેમિનાથનો વિવાહ કબૂલ કર્યો. પછી લગ્નને દિવસે યાદવોની