________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫
૯
ત્યાર પછી રાજપુત્ર શંકારહિત વ્રતનું પાલન કરવા લાગ્યો. પણ પુરોહિતનો પુત્ર જાતે બ્રાહ્મણ હોવાથી ચારિત્રનું પાલન કરતાં છતાં પણ “મને આ મુનિએ બળાત્કારે દીક્ષા આપી છે.' એમ મનમાં તેમના પર અભાવ રાખવા લાગ્યો. અનુક્રમે તે બન્ને મરણ પામીને દેવતા થયા.
કૌશાંબી નામની નગરીમાં કોઈ એક તાપસ નામનો શ્રેષ્ઠિ રહેતો હતો. તે મરણ પામીને પોતાના ઘરના ઉકરડામાં જ શૂકર (ભૂંડ) થયો. તેને પોતાનો મહેલ વગેરે જોવાથી જાતિસ્મરણ થયું. અન્યદા તેના છોકરાઓએ તેના જ શ્રાદ્ધને દિવસે તેને જ (તે શૂકરને) માર્યો. તે મરીને પોતાના ઘરમાં સર્પ થયો. એકદા તે સર્પ ઘરમાં ફરતો હતો, તેને જોઈને તેના પુત્રોએ મારી નાંખ્યો. તે પોતાના પુત્રનો જ દીકરો થયો. તેને પૂર્વની જેમ જાતિસ્મરણ થયું. તેથી “પુત્રની વહુને મા અને પુત્રને પિતા શી રીતે કહું ?” એમ વિચારીને તેણે મૌન ધારણ કર્યું. તેથી તેનું નામ અશોકદત્ત પાડ્યું હતું, છતાં મૂક નામ સર્વત્ર પ્રસિદ્ધ થયું. એકદા તે નગરીમાં ચાર જ્ઞાનને ધારણ કરનારા કોઈ સૂરિ સમવસર્યા. તેમણે પોતાના બે સાધુને નીચેની ગાથા શીખવીને મૂકને ઘેર મોકલ્યા.
तावस किमिमिणा मूअव्वएण, पडिवज्ज जाणिउं धम्मं ।
मरिऊण सुअरोरग्ग, जाओ पुत्तस्स पुत्तोसि ॥१॥
ભાવાર્થ - “હે તાપસ શ્રેષ્ઠિ! આ મૌનવ્રત કરીને શું? માટે ધર્મને જાણીને તેનો આદર કર. તું મરીને શૂકર અને પછી સર્પ થયો હતો અને હમણાં પુત્રનો પુત્ર થયો છે.”
આ ગાથા સાંભળીને વિસ્મય પામેલા મૂકે તે મુનિને નમીને પૂછ્યું કે, “આ વાત તમે શી રીતે જાણી ?' તે સાધુઓ બોલ્યા કે, “અમારા ગુરુ ગામ બહાર ઉદ્યાનમાં રહેલા છે, તેમના વચનથી અમે જાણીએ છીએ.” તે સાંભળીને મૂક તેમની સાથે ઉદ્યાનમાં ગયો. ત્યાં ગુરુ પાસે દેશના સાંભળીને તેણે મૌનપણું મૂકી શ્રાવકધર્મ અંગીકાર કર્યો.
અહીં દેવલોકમાં જાતિમદવાળો પુરોહિતનો પુત્ર જે દેવ થયેલો છે તેણે મહાવિદેહ ક્ષેત્રમાં જઈ જિનેશ્વરને પ્રશ્ન કર્યો કે, “હું સુલભબોધિ છું કે દુર્લભબોધિ છું?” પ્રભુએ જવાબ આપ્યો કે, “તું દુર્લભબોધિ છે, પણ સ્વર્ગથી ઍવીને કૌશાંબી નગરીમાં મૂકનો ભાઈ થવાનો છે, તેનાથી તને ધર્મની પ્રાપ્તિ થશે.” આ પ્રમાણે સાંભળીને તે દેવે કૌશાંબીમાં આવીને મૂકને કહ્યું કે, “હું સ્વર્ગમાંથી આવીને તારી માતાના ઉદરમાં ઉત્પન્ન થઈશ. તેને અકાળે આમ્રફળ ખાવાનો દોહદ થશે. તેને માટે મેં આજથી આ સમીપના પર્વત પર હંમેશા ફળ આપે તેવો આમ્રવૃક્ષ રોપ્યો છે. તેથી જ્યારે તે માતા તારી પાસે ઘણા આગ્રહથી આમ્રફળ માગે ત્યારે તેની પાસે તારે એટલા અક્ષરો લખવા કે “હે માતા ! ગર્ભમાં રહેલો પુત્ર જો તું મને આપે તો હું તારો દોહદ પૂર્ણ કરું? આ તારું વચન જ્યારે તે સ્વીકારે, ત્યારે તારે તેને આમ્રફળ લાવી આપવાં. મારો જન્મ થયા પછી મને તારે સ્વાધીન રાખીને જૈનધર્મનો બોધ આપવો. વળી વૈતાઢ્ય પર્વત ઉપર પુષ્કરિણી (વાવ)માં