________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫
अप्पा नाणसहावी, सणसीलो विसुद्धसुहरूवो ।
सो संसारे भमइ, एसो दोसो खु मोहस्स ॥१॥ ભાવાર્થ:- “જ્ઞાન દર્શનના સ્વભાવવાળો અને વિશુદ્ધ સુખરૂપ એવો આત્મા પણ સંસારમાં પરિભ્રમણ કરે છે, તે દોષ મોહનો જ છે.
મોહનો ત્યાગ શુદ્ધ આત્મજ્ઞાને કરીને થઈ શકે છે, “જ્ઞાનાદિક અનન્ત ગુણ પર્યાયવાળો, નિત્યાનિત્ય વગેરે અનન્ત સ્વભાવવાળો, અસંખ્ય પ્રદેશી સ્વભાવપરિણામી (આત્મભાવના પરિણામવાળો) પોતાના સ્વભાવનો જ કર્તા અને ભોક્તા ઈત્યાદિ ગુણવાળો શુદ્ધ આત્મા તે હું જ છું. હું અનન્ત સ્યાદ્વાદ સત્તાનો રસિક છું. એક સમયમાં ત્રણ કાળમાં અને ત્રણ લોકમાં રહેલા સર્વ દ્રવ્યપર્યાયોની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશને જણાવનારું જે જ્ઞાન તે મારો આત્માનો) ગુણ છે.' ઈત્યાદિક આત્મસ્વરૂપને જાણનારો મનુષ્ય જ મોહનો જય કરે છે, બીજો જય કરી શકતો નથી. કેમકે મોહનીય કર્મ અતિ દુર્જય છે. આ સંબંધમાં અદત્તની કથા છે, તે નીચે પ્રમાણે –
અહંદત્તની કથા અચલપુરના રાજાનો પુત્ર યુવરાજ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી દીક્ષા ગ્રહણ કરીને વિહાર કરતાં અવન્તિનગરીમાં આવ્યો. ત્યાં મધ્યાહ્નકાળે ભિક્ષા માટે રાજમંદિર તરફ જતા તે મુનિને જોઈને લોકોએ કહ્યું કે, “આ ગામમાં રાજાનો પુત્ર અને પુરોહિતનો પુત્ર સાધુને જોઈને તેને પીડા કરે છે, માટે આપે આ ગામમાં રહેવા જેવું નથી.' આ પ્રમાણે સાંભળ્યા છતાં પણ ભયરહિત મુનિ ત્યાં જઈને ઊંચે સ્વરે “ધર્મલાભ' એમ બોલ્યા. તે સાંભળીને એક સ્થાનમાં રહેલા જાણે બે પાપગ્રહો હોય તેવા તે બન્ને જણા મુનિ પાસે આવીને બોલ્યા કે, “હે સાધુ! તું અમારી પાસે નૃત્ય કર. અમે વાજીંત્ર વગાડીએ ત્યારે સાધુએ કહ્યું કે, “બહુ સારું પછી સાધુ નૃત્ય કરવા લાગ્યા અને તે બન્ને વાજીંત્ર વગાડવા લાગ્યા. થોડીવારે સાધુએ તે બન્નેને તિરસ્કારથી કહ્યું કે, “અરે ! કોળિકો! (કોળીના પુત્રો) તમને વાજીંત્ર વગાડતા બરાબર આવડતું નથી, કેમ કે તમે મૂર્ખ છો.”
આ પ્રમાણે સાંભળીને તે બન્ને ક્રોધથી મુનિને મારવા દોડ્યા, એટલે નિયુદ્ધકુશળ મુનિએ તેમના શરીરના અવયવોને સંધિમાંથી ઉતારી નાંખ્યા. આ પ્રમાણે મુનિના દ્વેષીઓને શિક્ષા આપીને તે યુવરાજમુનિ ત્યાંથી નગર બહાર ચાલ્યા ગયા. પછી રાજા તથા પુરોહિતને તે વાતની ખબર થતાં પોતાના પુત્રોની અતિદુઃખી અવસ્થા જોઈને અતિખેદ પામ્યા સતા તત્કાળ યુવરાજત્રઋષિની પાસે આવ્યા. ત્યાં તેમને ઓળખીને રાજા વિજ્ઞપ્તિ કરવા લાગ્યો કે, “હે ભાઈ! તમારા ભત્રીજાને સાજા કરી ને તે બાળકનો અપરાધ ક્ષમા કરો.” મુનિ બોલ્યા કે, “હે રાજા ! જો તે બન્ને પુત્રો હિતકારી એવા વ્રતને આદરે તો તરત જ તે બન્નેને હું સાજા કરું, તે સિવાય તેમને સાજા નહિ કરું.” તે સાંભળીને તે બન્ને કુમારોને મુનિ પાસે લાવવામાં આવ્યા. તેઓએ મુનિનું વચન અંગીકાર કર્યું. તેથી મુનિએ પ્રથમ તેમનો લોચ કર્યો અને પછી તેમને સાજા કરીને દીક્ષા આપી.