________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથભાગ-૫
૧૦૩ આત્મજ્ઞાનના અનુભવને પામી શકાતો નથી. જેમ ઘાણીમાં જોડેલો વૃષભ ગમે તેટલું ફરે તો પણ કોઈ બીજા સ્થાનને પામતો નથી. તેમ તત્ત્વજ્ઞાનને નહિ ઈચ્છનારો મનુષ્ય અનેક શાસ્ત્રોમાં શ્રમ કર્યા છતાં પણ તત્ત્વના અનુભવનો સ્પર્શ માત્ર પણ કરતો નથી. એ જ કારણથી સાતે નયો સ્વેચ્છા પ્રમાણે જ્ઞાનના સ્વરૂપને કહે છે.
જ્ઞાનના ચાર નિક્ષેપા આ પ્રમાણે છે-શબ્દના આલાપરૂપ જે જ્ઞાન તે નામજ્ઞાન કહેવાય છે. સિદ્ધચક્રાદિકમાં સ્થાપન કરેલું જ્ઞાનપદ તે સ્થાપનાજ્ઞાન કહેલું છે. ઉપયોગરહિત પાઠ માત્ર કરવો તે દ્રવ્યજ્ઞાન કહેવાય છે. તત્ત્વાર્થનું જ્ઞાન જે પુસ્તકમાં લખેલું હોય છે તે પણ દ્રવ્યજ્ઞાન કહેવાય છે. ઉપયોગ વિના સ્વાધ્યાય કરવો તે પણ દ્રવ્યજ્ઞાન છે, અને ઉપયોગપરિણતિ તે ભાવજ્ઞાન છે. તેમાં ભાષાદિકના સ્કંધરૂપ જે જ્ઞાન તે નૈગમનયની અપેક્ષાએ જ્ઞાન જાણવું. સંગ્રહનયની અપેક્ષાએ અભેદ ઉપચારથી સર્વજીવો જ્ઞાનરૂપ જાણવા. વ્યવહારનયની અપેક્ષાએ પુસ્તકાદિકમાં રહેલું જ્ઞાન જાણવું અને ઋજુસૂત્રનયે તત્પરિણામ સંકલ્પરૂપ જ્ઞાન જાણવું અથવા જ્ઞાનના હેતુભૂત વીર્યને નૈગમનય જ્ઞાન કહે છે, સંગ્રહનય આત્માને જ્ઞાન કહે છે, વ્યવહારનય ક્ષયોપશમ પ્રમાણે જ્ઞાનસંબંધી વ્યવહાર પ્રવૃત્તિને જ્ઞાન કહે છે અને ઋજુસૂત્ર વર્તમાન યથાર્થ અયથાર્થ વસ્તુતત્ત્વના બોધને જ્ઞાન કહે છે. શબ્દનયની અપેક્ષાએ સમ્યગ્દર્શનપૂર્વક યથાર્થ વસ્તુસ્વરૂપના બોધરૂપ લક્ષણવાળું કારણ તથા કાર્યની અપેક્ષાવાળું, પોતાને તથા પરને પ્રકાશ કરનારું અને સ્યાદ્વાદથી યુક્ત જે જ્ઞાન તેને જાણવું. સમભિરૂઢનયની અપેક્ષાએ જ્ઞાનવાચી સમગ્ર વચનપર્યાયોની શક્તિની પ્રવૃત્તિરૂપ જ્ઞાન જાણવું અને એવંભૂતનયની અપેક્ષાએ કેવળજ્ઞાનને જ જ્ઞાન જાણવું. અહીં સમ્યગુ રત્નત્રયના ઉપાદેય લક્ષણવાળું પરમજ્ઞાન તે શુદ્ધ જ્ઞાન છે. કહ્યું છે કે –
पीयूषसमुद्रोत्थं, रसायनमनौषधम् ।
अनन्यापेक्षमैश्वर्यं, ज्ञानमाहुर्मनीषिणः ॥१॥ ભાવાર્થ:- “પંડિતો સમુદ્ર વિના ઉત્પન્ન થયેલા અમૃતરૂપ, ઔષધ વિના ઉત્પન્ન થયેલા જરામરણને નાશ કરનાર રસાયણરૂપ અને સૈન્યાદિક અન્ય કોઈ પણ વસ્તુની અપેક્ષારહિત શક્રચક્રીપણાના ઐશ્વર્યરૂપ-એવું જ્ઞાન કહે છે.”
તે માટે હે ભવ્ય પ્રાણીઓ! જ્ઞાનનો સમ્ય પ્રકારે આદર કરવો યોગ્ય છે. ઈત્યાદિ ગૌતમ ગણધરની દેશના સાંભળીને વૈરાગ્ય પામેલા ગાંગિલ રાજાએ પોતાના પુત્રને રાજય સોંપી માતાપિતા સહિત મોટા ઉત્સવપૂર્વક દીક્ષા ગ્રહણ કરી. પછી સાલ મહાસાલ અને ગાંગિલ વગેરેને સાથે લઈને શ્રી ગૌતમસ્વામી જિનેશ્વર પાસે જવા માટે ચંપા તરફ ચાલ્યા. માર્ગમાં સાલ અને મહાસાલ વિચાર કરવા લાગ્યા કે, “આ અમારા બેન, બનેવી અને ભાણેજને ધન્ય છે કે જેઓ અલ્પકાળમાં. જ સર્વવિરતિપણું પામ્યા.” તે વખતે ગાંગિલ વગેરે ત્રણે જણા પણ એવો વિચાર કરવા લાગ્યા કે “આ સાલ અને મહાસાલને ધન્ય છે કે જેઓએ આપણને પ્રથમ રાજ્યલક્ષ્મી આપી અને હમણા મહાનંદસુખને પમાડનારું ચારિત્ર અપાવ્યું.”
ઉ.ભા.-૫-૮