________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫
૧૦૭ તે આસ્વરૂપમાં ઉપયોગવાળા તેમાં આગમથી મિથ્યાત્વને તજીને યથાર્થ વસ્તુના ભાસનપૂર્વક ચારિત્રમોહનીય કર્મના ઉદયનો અભાવ હોવાથી ક્ષમાદિક ગુણની જે પરિણતિ તે શમ કહેવાય છે. તે શમ પણ લૌકિક અને લોકોત્તર ભેદે કરીને બે પ્રકારનો છે. તેમાં વેદાંત મતવાળાનો જે શમ ગુણ તે લૌકિક છે અને જૈન પ્રવચનને અનુસરનારમાં જે શમ હોય તે લોકોત્તર છે. તે લોકોત્તર ગુણ જ ખરેખરો શુદ્ધ છે, તેની ઉપર મૃગાપુત્રની કથા છે તે આ પ્રમાણે -
મૃગાપુત્રની કથા સુગ્રીવપુરના રાજાનો પુત્ર મૃગાપુત્ર નામે હતો. તે એકદા મહેલના ગોખમાં બેસીને નગરનું સ્વરૂપ જોતો હતો, તેવામાં સમગુણના નિધિ સમાન એક મુનિને નિમેષરહિત દષ્ટિથી પ્રીતિપૂર્વક જોતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. એટલે પૂર્વ ભવે પોતે ચારિત્ર ગ્રહણ કર્યું હતું તેનું તેને સ્મરણ થયું. તે પછી મૃગાપુત્ર પોતાના માતા-પિતા પાસે જઈને બોલ્યો કે -
सुयाणि मे पंच महव्वयाणि, नरएसु दुक्खं च तिरिक्खजोणिसु । निविण्णकामो हि महण्णवाओ, अणुजाणह पव्वइस्सामि अम्मो ॥१॥
ભાવાર્થ - “હે માતાપિતા ! મેં પાંચ મહાવ્રતને સાંભળ્યાં છે, તથા નરકને વિષે અને તિર્યયોનિને વિષે જે દુઃખ પડે છે તે પણ મેં જાણ્યું છે, તેથી હું સંસારરૂપ મહાર્ણવથી નિર્વેદ (વૈરાગ્ય) પામ્યો છું, માટે મને અનુજ્ઞા આપો કે જેથી હું પ્રવ્રજ્યા અંગીકાર કરું.”
ઈત્યાદિક વાક્યો વડે દેહના ભોગોપભોગાદિકનું અનિત્યપણું કહીને તેણે પ્રવ્રયા લેવાની અનુજ્ઞા માગી. તે સાંભળીને માતાપિતાએ અનેક યુક્તિઓ વડે જીવન પર્યંત ચારિત્રનું પાલન અતિ દુષ્કર બતાવીને કહ્યું કે, “હે પુત્ર ! તારું શરીર અતિ સુકોમળ છે, તું ચારિત્ર પાળવાને સમર્થ નથી, કેમકે પાંચ ઈન્દ્રિયો તથા મન જીતવા મુશ્કેલ છે. લોઢાના ચણા ચાવવાની જેવું ચારિત્ર પાળવું દુષ્કર છે. દેદીપ્યમાન અગ્નિની જ્વાળાનું પાન કરવાની જેમ અથવા મન્દરાચળ પર્વતને તોળવાની જેમ યુવાવસ્થામાં ચારિત્રનું પાલન કરવું અતિ દુષ્કર છે. માટે વૃદ્ધાવસ્થામાં દીક્ષા લેવી યોગ્ય છે.” તે સાંભળીને મૃગાપુત્ર બોલ્યો કે, “હે માતાપિતા ! આ લોકમાં નિઃસ્પૃહ થયેલા માણસને કાંઈ પણ દુષ્કર નથી. કેમકે મેં ચારે ગતિમાં વાણીથી કહી ન શકાય તેવી અનેક વેદનાઓ અનુભવી છે.
सव्वभवेसु असाया, वेअणा वेइआ मए ।
निमेसंतरमित्तं पि, जं साया नत्थि वेइआ ॥१॥ ભાવાર્થ:- “મેં સર્વ ભવોમાં અસાતાવેદનીય વેદી છે, એક નિમિષમાત્ર પણ સતાવેદનીય વેદી નથી.”