________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૯૭
-
તેમનો નિર્ગમન થતો નહીં કે જે વખતે વ્યાધિનું સ્મરણ થાય. આવી તેમની ચારિત્રમાં સ્થિરતા જોઈને સભામાં બેઠેલા સૌધર્મ ઈન્દ્રે સર્વ દેવોની સમક્ષ કહ્યું કે – “અહો ! સનત્કુમાર મુનિની કેવી અનુપમ સ્થિરતા છે કે, જે વ્યાધિના પ્રતિકારની ઈચ્છા પણ કરતા નથી.” તે સાંભળીને પેલા પ્રથમના જ બે દેવો પરીક્ષા કરવા માટે વૈદ્યનું રૂપ ધારણ કરીને પૃથ્વી પર આવ્યા.
તે વેદ્યોએ મુનિને કહ્યું કે - “હે મુનિ ! જો આપની આજ્ઞા હોય તો અમે વૈદ્યો આપના વ્યાધિની નિર્દોષ ઔષધિથી ચિકિત્સા કરીએ.” મુનિ બોલ્યા કે - “દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારના વ્યાધિઓ છે. તેમાં દ્રવ્ય એટલે બાહ્યવ્યાધિના પ્રતિકારને તો હું પણ જાણું છું.” એમ કહીને તે મુનિએ પોતાની એક આંગળીને પોતાના શ્લેષ્મ (થુંક) વડે લેપ કરીને સુવર્ણ જેવી કરી બતાવી. પછી મુનિ બોલ્યા કે - “આઠ કર્મને ભાવવ્યાધિઓ કહેલા છે. તે કર્મોની એકસો ને અઠ્ઠાવન પ્રકૃતિઓ કહેલી છે. તેમના પ્રતિકારને હું પોતે ક્રિયા વડે કરું છું. તે પ્રતિકાર જ્ઞાનવિકળ અને ક્રિયામાં નપુંસક જેવા પુરુષોને અતિ દુષ્કર છે. હું મારા ચિત્તને શુભ ક્રિયા રહિત ક્ષણવાર પણ રાખતો નથી, તે છતાં પણ ભાવરોગોથી હમેશાં ભય પામતો રહું છું. માટે જો તમે ખરા વૈદ્ય હો તો મારા ભાવરોગનો પ્રતિકાર કરો.” આ પ્રમાણે સાંભળીને તે બન્ને દેવો પોતાના આગમનનું કારણ કહી તેમની સ્તુતિ કરીને પોતાને સ્થાને ગયા અને સર્વ વૃત્તાંત ઈન્દ્રને નિવેદન કર્યો.
સનકુમાર મુનિશ્વર ખડ્ગધારા સમાન તીવ્ર વ્રતનું પાલન કરીને અંતે અનશન ગ્રહણ કરી ઉપાધિરહિત સમાધિ વડે દેહને તજી દઈ ત્રીજા દેવલોકમાં મહર્દિક દેવતા થયા.
૩૦૫
મોહ તજવો
स्वरूपानवबोधेन, मोहमूढा ममत्वगाः । भ्रमन्ति भवकान्तारे, हेयो मोहस्ततोऽशुभः ॥१॥
ભાવાર્થ :- ‘આત્મસ્વરૂપના અજ્ઞાનને લીધે મોહમાં મૂઢ થયેલા અને સંસારમાં મમતાવાળા જીવો ભવાટવીમાં ભ્રમણ કર્યા કરે છે, માટે એ અશુભ મોહ ત્યાગ કરવા લાયક છે.’
આ શ્લોકના અર્થનું સમર્થન કરવા માટે અહીં એવી ભાવના કરવાની કે જ્ઞાનાદિક ગુણના સુખનો રોધ કરનારા, ચંચળ સ્વભાવવાળા, અનન્ત જીવોએ અનંતવાર ભોગવી ભોગવીને મૂકી દીધેલા, જડ અને અગ્રાહ્ય એવા પુદ્ગલોમાં ગ્રહણરૂપ જે વિકલ્પ (પુદ્ગલો ઉપર જે મમતા) તે મોહ કહેવાય છે. આવા મોહમાં આસક્ત થયેલા જીવો ભવાટવીમાં પરિભ્રમણ કરે છે, તેથી તે મોહનો ત્યાગ કરવો યોગ્ય છે. કહ્યું છે કે -